કોલકાતા કેસ પર અધીર રંજનની કપિલ સિબ્બલને વિનંતી: તમે દેશના પ્રખ્યાત વકીલ છો, પરંતુ આ કેસ…
- બંગાળ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અધીર રંજન ચૌધરીએ આ ઘટનાને લઈને ફરી એકવાર રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું
કોલકાતા, 23 ઓગસ્ટ: કોલકાતાની RG કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યાના કેસમાં બંગાળ સહિત દેશના ઘણા ભાગોમાં સતત વિરોધ થઈ રહ્યો છે. આ મામલે મમતા સરકાર માત્ર વિપક્ષના નિશાના પર નથી, પરંતુ TMCની અંદરથી પણ તેમની વિરુદ્ધ અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે. બંગાળ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અધીર રંજન ચૌધરીએ આ ઘટનાને લઈને ફરી એકવાર રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું છે. અધીર રંજન ચૌધરીએ સુપ્રીમ કોર્ટમાં મમતા સરકારનું પ્રતિનિધિત્વ કરી રહેલા પ્રખ્યાત વકીલ કપિલ સિબ્બલને કોલકાતાના આ કેસમાંથી પોતાને અલગ કરવા વિનંતી કરી છે. તેમણે કહ્યું કે, કપિલ સિબ્બલ મોટા વકીલ છે, તેમણે આ કેસમાંથી પોતાનું નામ પાછું ખેંચી લેવું જોઈએ, આ મારી વિનંતી છે. બંગાળની સામાન્ય જનતાના ગુસ્સાને જોઈને સિબ્બલજીએ કેસમાંથી હટી જવું જોઈએ.”
અધીર રંજન ચૌધરીએ શું કહ્યું?
મીડિયા સાથે વાત કરતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, ‘કપિલ સિબ્બલ એક પ્રખ્યાત વકીલ છે. તેઓ ભારતના કાયદાકીય જગતમાં પણ મોટા સ્ટાર છે. હું તેમને વિનંતી કરીશ કે તેઓ આ કેસમાંથી ખસી જાય અથવા કેસથી દૂર રહે. બંગાળના સામાન્ય લોકોની લાગણી અને ગુસ્સાને ધ્યાનમાં રાખીને હું આ કહી રહ્યો છું. તમે ગુનેગારોનો સાથ ન આપો તો સારું છે કારણ કે તમે એક સમયે લોકસભાના ચૂંટાયેલા પ્રતિનિધિ હતા. હજુ પણ રાજ્યસભાના સભ્ય છે.
અધીર રંજન ચૌધરીએ આગળ કહ્યું કે, ‘RG કર હોસ્પિટલની ઘટના બાદ સામાન્ય લોકોમાં જે લાગણી અને ગુસ્સો જ્વાળામુખીની જેમ બહાર આવી રહ્યો છે તેને જોતા તમારે (સિબ્બલ) વિચારવું જોઈએ. બંગાળના મુખ્યમંત્રી ડૉક્ટરના મૃત્યુ પછી તેમના પરિવારને મળ્યા અને તેમને આકર્ષવાનો પ્રયાસ કરતા કહ્યું કે, તમને 10 લાખ રૂપિયા મળશે, ચૂપ રહો. તમને (કપિલ સિબ્બલ) પણ ઓછી રકમ નહીં આપે, કારણ કે મમતા બેનરજી પાસે ઘણા પૈસા છે જે અમારા ટેક્સના પૈસા છે.
સોશિયલ મીડિયાનો ઉલ્લેખ કરતાં અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, ‘સિબ્બલ સાહેબ, હવે સોશિયલ મીડિયા પર જે જોવા મળી રહ્યું છે તે જોઈને મને ખરાબ લાગે છે. જ્યારે લોકો સોશિયલ મીડિયા પર તમારી વિરુદ્ધ ખરાબ લખતા હોય ત્યારે મને સારું નથી લાગતું. તમે એક સમયે અમારી પાર્ટીના નેતા, મંત્રી અને માનવ સંસાધન મંત્રી હતા. તમે નાના મંત્રી ન હતા. આ બધાને ધ્યાનમાં રાખીને, તમે આ કેસમાંથી તમારી જાતને પાછી ખેંચી લો, આ મારી તમને વિનંતી છે.
9 ઓગસ્ટના રોજ દુષ્કર્મ બાદ ડોક્ટરની હત્યા કરવામાં આવી હતી
કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં 9 ઓગસ્ટની રાત્રે 31 વર્ષીય ઇન્ટર્ન મહિલા ડૉક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો. ડોક્ટરના શરીર પર ઈજાના નિશાન હતા અને લોહી વહી રહ્યું હતું. તપાસમાં બહાર આવ્યું કે, ડોક્ટરની દુષ્કર્મ બાદ હત્યા કરવામાં આવી છે. પોલીસે આરોપી સંજય રોયની ધરપકડ કરીને તેને જેલમાં મોકલી દીધો છે.
આ ઘટનાથી તબીબોમાં રોષ ફેલાયો હતો અને તેઓએ હડતાળ શરૂ કરી હતી. કોલકાતા હાઈકોર્ટે આ કેસની તપાસ પોલીસ પાસેથી CBIને ટ્રાન્સફર કરી છે. CBI આ કેસની 8 દિવસથી તપાસ કરી રહી છે. ડૉ. ઘોષની 2021માં હોસ્પિટલના પ્રિન્સિપાલ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
આ પણ જૂઓ: કોલકાતા રેપકેસના આરોપી ડો.ઘોષ સહિત 4 તબીબોના પોલીગ્રાફ ટેસ્ટ કરાશે