નીરજ ચોપરાએ ડાયમંડ લીગમાં પેરિસ ઓલિમ્પિકનો રેકોર્ડ તોડ્યો, છેલ્લા થ્રોમાં કર્યો કમાલ
- જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિકમાં 89.45 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો હતો
લુસાને, 23 ઓગસ્ટ: ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિક 2024માં 89.45 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. તેની ખૂબ પ્રશંસા થઈ. જોકે, થોડા દિવસ પછી જ નીરજ ચોપરાએ ઓલિમ્પિકમાં ફેંકેલા થ્રો કરતાં વધુ આગળ એક થ્રો ફેંક્યો છે. તેમણે લુસાને ડાયમંડ લીગ 2024માં 89.49 મીટરનો થ્રો કર્યો અને બીજું સ્થાન મેળવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ નીરજ ચોપરાનો આ સિઝનનો સર્વશ્રેષ્ઠ થ્રો હતો. ભારતનું ગૌરવ નીરજ ચોપરા ફરી એકવાર 90 મીટરનો થ્રો ચૂકી ગયો હતો. જોકે આ સમયે તે સંપૂર્ણ રીતે ફિટ નથી. આ છતાં તેમણે આટલો શાનદાર થ્રો ફેંક્યો. એવું લાગે છે કે નીરજ ચોપરા ટૂંક સમયમાં 90 મીટરનો માઈલસ્ટોન હાંસલ કરશે.
नीरज चोपड़ा डायमंड लीग में क्वालीफाई राउंड में 89.49 मीटर भाला फेंक कर टॉप 2 पर रहे है सभी देश वासियों की तरफ से नीरज को बहुत बहुत बधाई ।#NeerajChopra #DiamondLeague #LausanneDL pic.twitter.com/XmEoqNWEtL
— Dheeraj Chauhan (@ichauhandheeraj) August 23, 2024
નીરજે છેલ્લા થ્રોમાં 89.49 મીટરનું અંતર કાપ્યું
નીરજ ચોપરાએ છઠ્ઠા એટલે કે છેલ્લા થ્રોમાં 89.49 મીટરનો થ્રો ફેંક્યો હતો. તેના અગાઉના 5 થ્રો એટલા સારા નહોતા. પરંતુ આ જેવલિન થ્રોઅરે છેલ્લા પ્રયાસમાં પોતાનું સર્વસ્વ આપી દીધું અને 89.49 મીટરનો થ્રો ફેંક્યો. ગ્રેનાડાનો પીટર્સ એન્ડરસન 90.61 મીટરના થ્રો સાથે પ્રથમ ક્રમે રહ્યો હતો. આ સિવાય, નીરજ ચોપરા પછી, વેબર જુલિયન લુસાને ડાયમંડ લીગ 2024માં ત્રીજા સ્થાને રહ્યો, જેણે 87.08 મીટરના અંતરે જેવલિન થ્રો કર્યો હતો.
નીરજ ચોપરાના 6 થ્રો આ મુજબ રહ્યા
નીરજ ચોપરાએ 82.10 મીટરનો પ્રથમ થ્રો કર્યો હતો. આ પછી તેણે 83.21 મીટરનો બીજો થ્રો કર્યો. ત્રીજા પ્રયાસમાં નીરજનું જેવલિન 83.13 મીટર દૂર પડ્યું હતું. નીરજે ચોથામાં 82.34 મીટર અને પાંચમામાં 85.58 મીટરનો થ્રો કર્યો હતો. 5મા પ્રયાસ બાદ તે ત્રીજા સ્થાને આવી ગયો હતો. પરંતુ તેનો શ્રેષ્ઠ થ્રો છઠ્ઠા રાઉન્ડમાં આવ્યો જ્યાં તેણે કમાલ કરીને સિઝન બેસ્ટ થ્રો કર્યો હતો. મહત્ત્વપૂર્ણ છે કે, નીરજ ચોપરા અત્યારે સંપૂર્ણ રીતે ફિટ નથી અને ટૂંક સમયમાં તેની સર્જરી થઈ શકે છે.
આ પણ જૂઓ: રેસલર્સ વિનેશ ફોગાટનો દિલ્હી પોલીસ ઉપર મોટો આરોપ, જાણો શું કહ્યું?