વડાપ્રધાન મોદી પ્લેન નહિ પણ ટ્રેનમાં પહોંચશે યુક્રેન, જાણો ટ્રેનની ખાસિયત
HD ન્યૂઝ ડેસ્ક – 22 ઑગસ્ટ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે પોલેન્ડની મુલાકાતે છે. પોલેન્ડમાં આજે (22 ઓગસ્ટ) પીએમનો બીજો દિવસ છે. પોલેન્ડ પછી તેઓ યુક્રેનની એક દિવસીય મુલાકાત લેશે. છેલ્લા 30 વર્ષોમાં પહેલીવાર કોઇ ભારતીય પીએમ યુક્રેનની મુલાકાત લેશે. વડાપ્રધાનની યુક્રેન મુલાકાતની એક ખાસ વાત એ છે કે, તેઓ પ્લેનના બદલે ‘રેલ ફોર્સ વન’ નામની ટ્રેનમાં ત્યાં જશે. આ પાછળનું કારણ રશિયા-યુક્રેન યુદ્ધ છે. યુદ્ધ દરમિયાન બંને દેશો વચ્ચે સતત ડ્રોન અને રોકેટ હુમલા પણ થતાં હોય છે. આ સ્થિતિમાં કોઇપણ વૈશ્વિક નેતા માટે પ્લેનમાં મુસાફરી કરવી ઘણી જોખમી છે, આ કારણસર પીએમ મોદી ટ્રેનથી યુક્રેન જશે.
વૈશ્વિક નેતાઓ કરી ચૂક્યા છે મુસાફરી
પીએમ મોદી જે ટ્રેનમાં મુસાફરી કરી યુક્રેન જવાના છે, તે કોઇ સામાન્ય ટ્રેન નથી. આ વિશેષ રૂપે ડિઝાઇન કરાયેલી એક લક્ઝુરિયસ ટ્રેન છે. પીએમ મોદી પહેલા વિશ્વના ઘણાં દિગ્ગજ નેતાઓ પણ આ ટ્રેનમાં મુસાફરી કરી ચુક્યા છે. જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન, ફાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન તથા જર્મનીના ચાન્સેલર ઓલ્ફ સ્કોલ્ઝ પણ સામેલ છે.
2014માં શરૂ થઇ હતી આ ટ્રેન
2014માં રેલ ફોર્સ વન ટ્રેનનો પ્રારંભ થયો હતો. શરૂઆતમાં આ ટ્રેનનો ઉપયોગ લોકો ક્રીમિયા જવા કરતા હતા. આ એક લક્ઝુરિયસ પેસેન્જર ટ્રેન છે, જે દરેક પ્રકારની સુવિધાઓથી સજ્જ ટ્રેન છે, પછી રશિયાએ ક્રીમિયા પર કબજો જમાવતા આ ટ્રેન હવે માત્ર વૈશ્વિક નેતાઓની મુસાફરી માટે ઉપયોગમાં લેવાય છે.
શું છે ખાસિયત?
ટ્રેનનું કેબિન એક વિશેષ પ્રકારના લાકડામાંથી બનાવવામાં આવ્યું છે.
બેઠકો માટે ટેબલો અને સોફાની વ્યવસ્થા કરવામાં આવી છે.
મનોરંજન માટે ટીવી તથા આરામ કરવા માટે કમ્ફર્ટેબલ બેડ છે.
આ ટ્રેન 60 કિમી પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરે છે, આ ટ્રેનને બિલકુલ ટ્રેક કરી શકાતી નથી.
ટ્રેન સશસ્ત્ર બારીઓથી સજ્જ છે, જેનાથી ઉચ્ચ સ્તરની સુરક્ષા મળે છે.
આ પણ વાંચો : ડીસામાં તબીબના ગેરકાયદેસર દબાણ સામે રહીશોએ આવેદનપત્ર આપ્યું