અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

રાજ્ય સરકારે 21978 લોકોને 262 કરોડની લોન આપી, 565 વ્યાજખોરો સામે કડક કાર્યવાહી

Text To Speech

ગાંધીનગર, 22 ઓગસ્ટ 2024, ગુજરાતમાં વ્યાજખોરોની વિરૂધ્ધ કરવામાં આવેલી કાનૂની કાર્યવાહી સંદર્ભે વિધાનસભા ગૃહમાં પુછાયેલા ટુંકી મુદતના પ્રશ્નનો જવાબ આપતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ હતું કે, રાજ્યમાં અનેક સામાન્ય, મધ્યમ તથા ગરીબ વર્ગના પરિવારો ઘરનો પ્રસંગ સાચવવા, બાળકોના ભાવી સુરક્ષિત કરવા ઉચ્ચ શિક્ષણ માટે કે સંતાનોને વિદેશ મોકલવા સહિતના કારણોસર ક્યારેક ઉંચા વ્યાજે ધિરાણ લઇ વ્યાજખોરોના ચક્રવ્યુહમાં ફસાઇ જાય છે. વ્યાજખોરોની ચુંગાલમાંથી આવા પરિવારોને મુક્ત કરવા ગુજરાત પોલીસે વિશેષ ડ્રાઇવના આયોજન કર્યા હતા.31મી જુલાઇ 2024ની સ્થિતિએ છેલ્લા બે માસમાં 565 વ્યાજખોરો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે.

આ યોજનાઓ હેઠળ લોન અપાય છે
માણસ જ્યારે વ્યાજના વિષચક્રમાં ફસાઈ જાય છે ત્યારે પોતાના સગા-સબંધી અને મિત્રો અંતર રાખી લે છે લોકો દૂર ભાગે છે. તેવા સંજોગોમાં વડાપ્રધાન મોદીએ વિવિધ યોજનાઓ જેવી કે (૧) પ્રધાનમંત્રી મુદ્રા યોજના (૨) બાજપાઇ બેન્કેબલ લોન યોજના (૩) પી.એમ.સ્વનિધિ યોજના (૪) કિસાન સાથી યોજના (૫) પર્સલન લોન યોજના (૬) મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના (૭) વડાપ્રધાન રોજગાર નિર્માણ કાર્યક્રમ (૮) દંત્તોપંત ઠેગડી કારીગર વ્યાજ સહાય યોજના (૯) જયોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના (૧૦) માનવ કલ્યાણ યોજના (૧૧) ઔદ્યોગીક સહકારી મંડળીની પેકેજ યોજના હેઠળ લોકોને લોન અપાવી છે.

21978 લોકોને 262 કરોડની લોન આપી
ફકત વર્ષ-2023માં જે લોકો વ્યાજખોરીમાં બરબાદ થઈ ગયા છે તેવા લાચાર અસહાય લોકોને મદદ કરવા માટે જુદી જુદી બેંકોની મદદથી રાજ્યના 38 પોલીસ જીલ્લાઓમાં લોન મેળાઓનું આયોજન કરી 21978 લોકોને 262 કરોડની લોન અપાવવાનું કામ કરવામાં આવ્યુ છે.સમગ્ર રાજ્યમાં ડ્રાઇવ દરમિયાન યોજાયેલા લોક દરબાર અંગે પુછાયેલા પુરક પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા મંત્રીએ કહ્યુ કે,21 જૂન 2024થી 31 જુલાઈ 2024 સુધીની વ્યાજખોરો વિરૂધ્ધની ઝુંબેશ દરમ્યાન સમગ્ર રાજ્યમાં કુલ 1648 લોકદરબારો યોજવામાં આવ્યા હતા. જેમાં 74848 લોકો હાજર રહ્યા હતા.

આ પણ વાંચોઃગુજરાત: દરેક પોલીસ સ્ટેશનમાં સ્પેશિયલ સાઇબર એક્સ્પર્ટની નિમણૂક કરાશે

Back to top button