ગાંધીનગર, 21 ઓગસ્ટ 2024, ગુજરાત સહિત દેશભરમાં સહકારિતા માળખાને વધુને વધુ મજબૂત બનાવવા દેશમાં પ્રથમ વખત સહકારીતા મંત્રાલયની સ્થાપના કરવામાં આવી છે. કો-ઓપરેશન અમોન્ગ કો-ઓપરેટીવ્સના લક્ષ્યાંક સાથે રાજ્યની તમામ સહકારી મંડળીઓ, પશુપાલકો અને દૂધ મંડળીઓના ખાતા જિલ્લાની સહકારી બેન્કમાં ખોલાવવા અને તેમાં જ તમામ વ્યવહાર કરવા કેન્દ્રીય સહકારીતા મંત્રી અમિત શાહે દેશવ્યાપી અનુરોધ કર્યો છે. જેના ભાગરૂપે ગુજરાતમાં અત્યાર સુધીમાં સૌથી વધુ અંદાજે 22 લાખ નવા ખાતા ખોલવામાં આવ્યા છે. આ ખાતાઓમાં 6500 કરોડની માતબર રકમની ડિપોઝિટ પણ જમા થઈ છે તેમ વિધાનસભા ગૃહમાં પૂછાયેલા ટૂંકી મુદતના પ્રશ્નનો જવાબ આપતાં સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું.
બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લાની પસંદગી કરવામાં આવી
મંત્રી વિશ્વકર્માએ ડીસાના ધારાસભ્યપ્રવિણ માળીના પ્રશ્નનો પ્રત્યુતર આપતા કહ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત સહકારી મંડળીઓના ખાતા જિલ્લા સહકારી બેન્કમાં ખોલવવા માટે સમજૂતી કરવામાં આવી હતી. જે હેઠળ એપ્રિલ 2023થી જુલાઈ 2024 સુધીમાં બનાસકાંઠામાં કુલ 616 દૂધ મંડળીઓના નવા ખાતા જિલ્લા મધ્યસ્થ સરકારી બેન્કમાં ખોલવામાં આવ્યા છે. આ પાયલોટ પ્રોજેક્ટમાં સૌ પ્રથમ બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લાની પસંદગી કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં એક વર્ષમાં અંદાજે 4 લાખ નવા ખાતા ખોલવામાં આવ્યા છે જેમાં 1200 કરોડ ડિપોઝિટ જમા થઈ છે.
રાજ્યમાં 7800 જેટલા માઇક્રો ATM કાર્યરત
મંત્રી વિશ્વકર્માએ પૂરક પ્રશ્નોનો જવાબ આપતાં ગૃહમાં કહ્યું હતું કે, જિલ્લાના છેવાડાના તમામ ગામોમાં બેન્કિંગ સુવિધા મળી રહે તેવા ઉમદા હેતુ સાથે ગામે ગામ ‘બેંક મિત્ર’ બનાવી તેમના માધ્યમથી ‘માઈક્રો ATM’ આપવાનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે.ગામના સભાસદોને જ્યારે પણ માઈક્રો ATM દ્વારા પૈસાની લેવડ-દેવડ કરવી હશે ત્યારે ‘બેંક મિત્ર’ તેમના ઘરે જઈને તેમને મદદ કરશે. આ ‘માઇક્રો ATM’ અને ‘બેંક મિત્ર’ની સેવા ઉપલબ્ધ થવાથી ગામના લોકોને નાણાકીય વ્યવહાર માટે જિલ્લા- તાલુકા મથકે જવું નહીં પડે. આ સાથે જિલ્લામાં સહકારી ક્ષેત્રે e-બેન્કિંગનું સૌથી વધુ કામ ગુજરાતમાં પંચમહાલમાં થઈ રહ્યું છે.ગુજરાતના તમામ તાલુકા અને જિલ્લામાં માઈક્રો એટીએમની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. જેના ભાગરૂપે હાલ રાજ્યમાં 7800 જેટલા માઇક્રો ATM કાર્યરત છે.
આ પણ વાંચોઃહવે નહીં રહે અછતઃ ભારત સરકારે ગુજરાતને 62.60 લાખ મેટ્રીક ટન ખાતરનો જથ્થો ફાળવ્યો