રક્ષાબંધન ઉત્સવ : ગુજરાતના ૧૪ જનજાતિ જિલ્લાઓમાં ૨ લાખ રક્ષા પોટલીઓ પહોંચાડવામાં આવશે
પાલનપુર: રક્ષાબંધનના પવિત્ર પર્વને અનુલક્ષીને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અને બનાસકાંઠા જનજાતિ કલ્યાણ આશ્રમના સંયુક્ત ઉપક્રમે ગુજરાતના ૧૪ જનજાતિ જિલ્લાઓમાં માઁ અંબાના આશીર્વાદ રૂપ ૨ લાખ રક્ષા પોટલીઓ પહોચાડવાની શરૂઆત કરવામાં આવી છે. જેની અંબાજી ખાતે કલેકટર આંનદ પટેલની ઉપસ્થિતિમાં “રક્ષાબંધન ઉત્સવ”ની ભક્તિસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વનવાસી બહેનો દ્વારા ઉપસ્થિત કલેકટર આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે અને જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાને કુમ કુમ તિલક કરી પુષ્ય નક્ષત્રમાં રક્ષા પોટલી બાંધી શુભ શરૂઆત કરવામાં આવી હતી. આ અનોખા અભિયાન થકી અંબાજીથી ઉંમરગામ સુધીના ૧૪ જનજાતિ જિલ્લાઓમાં વસતા ગ્રામ્યવાસી, નગરવાસી અને વનવાસી બંધુઓના ઘરે ઘરે મોકલવાની માં અંબાના આશીર્વાદ રૂપ ૨ લાખ રક્ષાપોટલીઓ, માં અંબાના પ્રસાદ તરીકે ૩૦૦ કિલોગ્રામ કંકુ, અને જનજાતિ કલ્યાણ આશ્રમની કાર્યકર્તા બહેનોને ૪૫૦ સાડીઓ અર્પણ કરવામાં આવી હતી.
અંબાજીથી ઉંમરગામ ઘરે ઘરે પહોંચશે માં અંબાના આશીર્વાદ
શ્રાવણ માસના પ્રથમ દિવસે આયોજિત આ રક્ષાબંધન ઉત્સવ અંતર્ગત રક્ષાબન્ધન પર્વની ઉજવણીને સાર્થક સ્વરૂપ મળશે. અને સમગ્ર વિસ્તાર શ્રદ્ધાના એક તાંતણે બંધાશે તેમજ માં અંબાનું અભય કવચ મળી રહેશે. ઉપરાંત જનજાતિ કલ્યાણ આશ્રમની કાર્યકર્તા બહેનોને સાડી, અને કંકુ પણ માં ના પ્રસાદ તરીકે મોકલવામાં આવ્યું છે. આ શુભકાર્યમાં હેતલભાઈ રાજ્યગુરુ, રાજકોટ અને હુકમભાઈ શેઠ, અંબાજી દ્વારા આર્થિક સહયોગ કરવામાં આવ્યો છે. રક્ષાબંધન ઉત્સવના આ અવસરે ક્ષેત્ર મહિલા આયામ પ્રમુખ નલીનીબેન મહેતા, પ્રાંત મહામંત્રી નરેન્દ્રભાઇ પટેલ , ડૉ હસમુખભાઈ પટેલ સહિત જનજાતિ કલ્યાણ આશ્રમની બહેનો અને ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.