ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

આજે ભારત બંધ શા માટે છે, કયા-કયા સંગઠન અને પક્ષો સામેલ છે, શું છે માંગ? જાણો વિગતે

  • ક્વોટાની અંદર પણ ક્વોટા લાગુ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયનો વિરોધ 

નવી દિલ્હી, 21 ઓગસ્ટ:અનુસૂચિત જાતિ અને જનજાતિ અનામતમાં ક્રીમી લેયર અને ક્વોટાની અંદર પણ ક્વોટા લાગુ કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે આજે બુધવારે 14 કલાક માટે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઈબલ ઓર્ગેનાઈઝેશન નામના સંગઠને સુપ્રીમ કોર્ટના નિર્ણયને દલિતો અને આદિવાસીઓના બંધારણીય અધિકારો વિરુદ્ધ ગણાવ્યો છે અને કેન્દ્ર સરકારને તેને રદ્દ કરવાની માંગ કરી છે અને આ મુદ્દે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે.

 

શું બેંકો, શાળાઓ અને પેટ્રોલ પંપ ખુલ્લા રહેશે?

અહેવાલો અનુસાર, ભારત બંધના એલાન છતાં સરકારી ઓફિસો, બેંકો, શાળાઓ, કોલેજો, પેટ્રોલ પંપ ચાલુ રહેશે. આ ઉપરાંત તબીબી, પીવાનું પાણી, જાહેર પરિવહન, રેલ સેવાઓ અને વીજળી સેવાઓ જેવી ઇમરજન્સી સેવાઓ ખુલ્લી રહેશે.

ભારત બંધ દરમિયાન બજારો ખૂલી રહેશે કે બંધ?

વિરોધનું આયોજન કરનાર ગ્રુપે તમામ વેપારી સંગઠનોને બજારો બંધ રાખવા વિનંતી કરી છે. જો કે, બજારો ખરેખર બંધ રહેશે કે નહીં તે સ્પષ્ટ નથી. કારણ કે બજાર સમિતિઓ દ્વારા તેની ખાતરી કરવામાં આવી નથી. ભારત બંધને કારણે જાહેર પરિવહન અને ખાનગી ઓફિસોને અસર થઈ શકે છે. એમ્બ્યુલન્સ સહિતની ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે.

આજે ભારત બંધ કેમ બોલાવવામાં આવ્યું?

આજે ભારત બંધના એલાનનો મુખ્ય ઉદ્દેશ્ય સુપ્રીમ કોર્ટના નિર્ણયને પડકારવાનો અને તેને પાછો ખેંચવાની માંગ કરવાનો તેમજ સરકાર પર દબાણ લાવવાનો છે. સંગઠનોનું કહેવું છે કે, સુપ્રીમ કોર્ટે ક્વોટામાં ક્વોટા અંગેના નિર્ણયને પાછો ખેંચવો જોઈએ અથવા પુનર્વિચાર કરવો જોઈએ. બંધમાં ભાગ લઈ રહેલા NACDAORએ બુધવારે દલિતો, આદિવાસીઓ અને OBCને શાંતિપૂર્ણ વિરોધમાં ભાગ લેવાની અપીલ કરી છે. આજના ભારત બંધમાં સામેલ સંગઠનોનું કહેવું છે કે, સુપ્રીમ કોર્ટનો નિર્ણય અનામતના મૂળ સિદ્ધાંતોની વિરુદ્ધ છે અને તેને પાછો ખેંચવો જોઈએ.

શું માંગણીઓ કરવામાં આવી છે?

NACDAOR સંગઠને સરકારી નોકરી કરતા તમામ SC, ST અને OBC કર્મચારીઓની જાતિના ડેટા જાહેર કરવા અને ભારતીય ન્યાયિક સેવા દ્વારા ન્યાયિક અધિકારીઓ અને ન્યાયાધીશોની નિમણૂકની માંગ કરી છે. આ સાથે, સંગઠનનું કહેવું છે કે સરકારી સેવાઓમાં એસસી/એસટી/ઓબીસી કર્મચારીઓના જાતિ આધારિત ડેટા તરત જ જાહેર કરવામાં આવે જેથી તેમનું સચોટ પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરી શકાય. સમાજના તમામ વર્ગોમાંથી ન્યાયિક અધિકારીઓ અને ન્યાયાધીશોની ભરતી કરવા માટે એક ભારતીય ન્યાયિક સેવા આયોગની પણ સ્થાપના કરવી જોઈએ જેથી ઉચ્ચ ન્યાયતંત્રમાં SC, ST અને OBC શ્રેણીઓમાંથી 50 ટકા પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરી શકાય.

ભારત બંધમાં કયા સંગઠનો અને પક્ષ સામેલ છે?

દલિત અને આદિવાસી સંગઠનો ઉપરાંત ઘણા રાજ્યોના પ્રાદેશિક રાજકીય પક્ષો પણ આજના ભારત બંધને સમર્થન આપી રહ્યા છે. તેમાં મુખ્યત્વે સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, ભીમ આર્મી, આઝાદ સમાજ પાર્ટી (કાશીરામ), ભારત આદિવાસી પાર્ટી, બિહારમાં રાષ્ટ્રીય જનતા દળ, LJP (R) અને અન્ય સંગઠનોના નામ સામેલ છે. કોંગ્રેસે પણ બંધને સમર્થન આપ્યું છે.

સુપ્રીમ કોર્ટના કયા નિર્ણયનો થઈ રહ્યો છે વિરોધ?

સુપ્રીમ કોર્ટે થોડા દિવસો પહેલા જ ક્વોટામાં અનામત અને ક્વોટામાં ક્રીમી લેયર સંબંધિત કેસમાં પોતાનો ચુકાદો આપ્યો હતો, જેમાં બંધારણીય બેંચે 6-1ની બહુમતીથી ચુકાદો આપ્યો હતો કે રાજ્યોને ક્વોટાની અંદર ક્વોટા બનાવવાનો અધિકાર છે. જેનો મતલબ કે આ નિર્ણય બાદ રાજ્ય સરકારો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની શ્રેણીઓ માટે પેટા-શ્રેણીઓ બનાવી શકે છે, જેથી સૌથી વધુ જરૂરિયાતમંદોને અનામતમાં પ્રાથમિકતા મળી શકે.

સુપ્રીમ કોર્ટે 2004ના પોતાના જ જૂના નિર્ણયને પલટી નાખ્યો છે. કોર્ટે સ્પષ્ટપણે કહ્યું હતું કે, SCની અંદર કોઈપણ એક જાતિને 100% ક્વોટા આપી શકાય નહીં અને SCમાં સમાવિષ્ટ કોઈપણ જાતિના ક્વોટાનો નિર્ણય કરતા પહેલા તેના હિસ્સા વિશે નક્કર ડેટા હોવો જોઈએ. આ મોટો નિર્ણય દેશના ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડ, જસ્ટિસ બી.આર.ગવઈ, જસ્ટિસ વિક્રમનાથ, જસ્ટિસ બેલા એમ ત્રિવેદી, જસ્ટિસ પંકજ મિથલ, જસ્ટિસ મનોજ મિશ્રા અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માની બેંચે આપ્યો છે.

સુપ્રીમ કોર્ટના આ નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે. ઘણા સંગઠનોએ તેને અનામત નીતિની વિરુદ્ધ ગણાવ્યું છે અને કહ્યું છે કે, તેની વર્તમાન આરક્ષણ પ્રણાલી પર નકારાત્મક અસર પડશે અને સામાજિક ન્યાયનો ખ્યાલ નબળો પડશે. વિરોધીઓ એમ પણ કહે છે કે, અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે આ અનામત તેમની પ્રગતિ માટે નથી, પરંતુ તેઓ જે સામાજિક દમનનો સામનો કરે છે તે માટે તેમને ન્યાય આપવા માટે છે.

આ પણ જૂઓ: રોયલ્ટી પર SCના નિર્ણયે માઈનિંગ કંપનીઓનું વધાર્યું ટેન્શન! મૂડીઝ તરફથી આવ્યું મોટું નિવેદન

Back to top button