હવે અંબાજીમાં પણ મળશે ફરાળી પ્રસાદ, શ્રાવણના ઉપવાસ કરનારા માટે ખાસ આયોજન
પાલનપુર: બનાસકાંઠાના પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે સોમનાથ જેમ ચિકકી નો સૂકો પ્રસાદ માઇ ભકતો માટે શરુ કરવામાં આવ્યો છે. શ્રાવણ માસના પ્રથમ દિવસથી આ પ્રસાદનો પ્રારંભ કરાયો છે.
શક્તિપીઠ અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલું છે એટલે આ ધામને સરસ્વતી નગરી તરીકે ઓળખવામાં આવે છે. અંબાજી ધામ મહાધામ બન્યું છે ત્યારે અંબાજી મંદિરના ચેરમેન અને જિલ્લા કલેક્ટર આનંદ પટેલ અને વિવિઘ અધિકારીઓની હાજરીમાં આજે (શુક્રવારે) ચિક્કીના પ્રસાદની શુભ શરુઆત કરવામાં આવી હતી. અંબાજી મંદિરના ભેટ કેન્દ્ર પર ભક્તો ચિક્કીનો ફરાળી પ્રસાદ 25 રૂપિયા આપીને મેળવી શકશે.
શ્રી આરાસુરી અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સોમનાથ અને અન્ય યાત્રાધામની જેમ સુકા પ્રસાદની શુભ શરુઆત કરવામા આવી હતી. આવનારા દિવસોમાં ભાદરવી મહાકુંભ અંબાજી ખાતે યોજાનાર છે, ત્યારે આ સુકો પ્રસાદ ભક્તો આસાનીથી મેળવી પોતાનાં સગા સબંધીઓને મોક્લી શકશે. આ પ્રસાદ બગડવાનો કોઇ પ્રશ્ન રહેશે નહી. અંબાજી મંદિર ખાતે શ્રાવણમાસ ના પ્રથમ દિવસે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ચિક્કી નો ફરાળી પ્રસાદ શરૂ કરાયો છે ત્યારે આ પેકેટ પર મેન્યુંફેકચરીંગ ડેટ અને એક્સપાઇડ ડેટ લખેલ છે. આ પેકેટ પર લોટ નંબર, વજન ગ્રામ અને રૂપિયા લખેલ છે. નંદિની ગૃહ ઉદ્યોગ દ્વારા આ ચિક્કીને બનાવવામાં આવી છે. 25 રૂપિયાના પેકેટમાં ચિક્કીની નાની ચાર સ્લાઇઝ મળશે.