અંબાણીના રિલાયન્સ અને Disneyના મર્જર પર CCIએ ઉઠાવ્યા સવાલ, થઈ શકે છે તપાસ
મુંબઈ, 20 ઓગસ્ટ: મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની એન્ટરટેઈનમેન્ટ સાથે જોડાયેલી સૌથી મોટી ડીલ અટકી ગઈ છે. વાસ્તવમાં, ગયા મે મહિનામાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે Viacom18 અને સ્ટાર ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ (SIPL) ના મર્જર માટે કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) પાસેથી મંજૂરી માંગી હતી. જો કે, હવે સીસીઆઈએ આ મર્જરને લઈને કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા છે.
શું છે વાંધો?
સૂત્રોએ ન્યૂઝ એજન્સી રોઇટર્સને જણાવ્યું હતું કે CCIએ ખાનગી રીતે ડિઝની અને રિલાયન્સને પોતાનો અભિપ્રાય આપ્યો છે. CCI માને છે કે આ મર્જરથી સ્પર્ધકોને નુકસાન થશે. હકીકતમાં, મર્જ કરાયેલી કંપની પાસે ક્રિકેટના પ્રસારણ માટે અબજો ડોલરના આકર્ષક અધિકારો હશે. CCI ને કિંમત નિર્ધારણ શક્તિ અને જાહેરાતકર્તાઓ પર તેની પકડથી ડર છે.
અગાઉ, સીસીઆઈએ વ્યક્તિગત રીતે રિલાયન્સ અને ડિઝનીના મર્જરને લગતા લગભગ 100 પ્રશ્નો પૂછ્યા હતા. સૂત્રોએ રોઇટર્સને જણાવ્યું હતું કે કંપનીઓએ CCIને કહ્યું છે કે તેઓ ચિંતાઓને દૂર કરવા અને ઝડપથી મંજૂરી મેળવવા માટે કેટલીક ટેલિવિઝન ચેનલો વેચવા ઇચ્છુક છે. એવું માનવામાં આવે છે કે કંપનીઓ હજુ પણ વધુ છૂટ આપીને CCIની ચિંતાઓને દૂર કરી શકે છે. અન્ય એક સૂત્રએ જણાવ્યું કે CCIએ કંપનીઓને જવાબ આપવા અને તેમની સ્થિતિ સમજાવવા માટે 30 દિવસનો સમય આપ્યો છે.
થઈ શકે છે તપાસ
આ સાથે સીસીઆઈએ બંને કંપનીઓને પૂછ્યું છે કે શા માટે તપાસનો આદેશ આપવામાં ન આવે. જો કે, હજુ સુધી બંને કંપનીઓ દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી, Viacom18 રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) જૂથનો ભાગ છે, જ્યારે ધ વોલ્ટ ડિઝની કંપની (TWDC) સ્ટાર ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડની માલિકીની છે.
રિલાયન્સ પર નિયંત્રણ
મર્જર અસ્તિત્વમાં આવ્યા પછી, સંયુક્ત સાહસનું નિયંત્રણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કરવામાં આવશે. આ સંયુક્ત સાહસમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 16.34 ટકા, રિલાયન્સની પેટાકંપની વાયાકોમ18 46.82 ટકા અને ડિઝની 36.84 ટકાની માલિકી ધરાવશે. આ નવા સાહસનું નેતૃત્વ નીતા અંબાણી કરશે જ્યારે ઉદય શંકર ઉપાધ્યક્ષ હશે. ડીલ બાદ તે ભારતીય મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ સેક્ટરની સૌથી મોટી કંપની બની જશે. તેની પાસે વિવિધ ભાષાઓમાં 100 થી વધુ ચેનલો હશે, બે મુખ્ય OTT પ્લેટફોર્મ અને દેશભરમાં 750 મિલિયનનો ગ્રાહક આધાર હશે.
આ પણ વાંચો: હવે ખાનગી કંપનીઓને હંફાવશે BSNL, 4G-5G સેવાને લઇને કરી મોટી જાહેરાત