ભરતસિંહ સોલંકીનો વનવાસ પૂર્ણ ! રાજકારણમાં સક્રિય થવાની કરી જાહેરાત
કોંગ્રેસના મોટા ગજાના નેતા મનાતા ભરતસિંહ સોલંકીએ રાજકારણમાં ફરી સક્રિય થવાની જાહેરાત કરી છે. બોરસદમાં યોજાયેલા પિતા માધવસિંહ સોલંકીના જન્મજયંતિ વંદના કાર્યક્રમમાં તેમણે આ મોટી જાહેરાત કરી છે. જેના કારણે ગુજરાતનું રાજકારણ ફરી ગરમાયુ છે. અગાઉ તેણે થોડા સમય માટે રાજકારણથી દુર રહી વનવાસ ભોગવવાની જાહેરાત કરી હતી. ત્યારે હવે ફરી રાજકારણમાં જોડાવવાની જાહેરાત કરી વનવાસ પૂર્ણ કર્યો હોવાનું જણાવ્યું હતું.
બોરસદના કાર્યક્રમમાં શંકરસિંહ પણ રહ્યા ઉપસ્થિત
ઉલ્લેખનીય છે કે આજે બોરસદમાં ભરતસિંહ સોલંકીના પિતા માધવસિંહ સોલંકીના જન્મજયંતિ વંદનાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભરતસિંહ સોલંકીના ટેકેદારો તેમજ તેમના સમર્થકો ઉપરાંત માધવસિંહ સોલંકીના નજીકનાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ હાજર રહ્યા હતા.
શંકરસિંહે પણ કાલે જ રાજકારણમાં જોડાવા અંગે આપ્યું હતું નિવેદન
મહત્ત્વનું છે કે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ કાલે જ વસંત વગડો ખાતે એક બેઠક બોલાવીને જો આગામી દિવસોમાં કોંગ્રેસ ગુજરાતમાં દારૂબંધી નાબૂદ કરવા માટે તેઓને સમર્થન આપે તો વિધાનસભા ચૂંટણીમાં તેઓ મદદ કરશે તેવું મોટું નિવેદન આપી પોતે ફરી રાજકારણમાં સક્રિય થશે તેવા સંકેત આપ્યા હતા.