અમદાવાદમાં હાઉસિંગ બોર્ડની પેનલ્ટી માફી યોજનાનો 10 માસમાં જાણો કેટલા સભાસદોએ લાભ લીધો
- સપ્ટેમ્બર-2023માં યોજના ચાલુ થઇ હતી સપ્ટેમ્બર-2024માં યોજના પૂરી થશે
- ચાંદખેડામાં કુલ 1,249માંથી માત્ર 39 લાભાર્થીઓએ રૂ.1,23,307 સર્વિસ ચાર્જ ભર્યો
- સપ્ટેમ્બર 2024 પછી સર્વિસ ચાર્જ સાથે પૂરી પેનલ્ટી ભરવી પડશે
અમદાવાદમાં હાઉસિંગ બોર્ડની પેનલ્ટી માફી યોજનાનો 10 માસમાં માત્ર 1,467 સભાસદોએ લાભ લીધો છે. જેમાં સપ્ટેમ્બર 2024 પછી સર્વિસ ચાર્જ સાથે પૂરી પેનલ્ટી ભરવી પડશે. તેમાં 16 હજારથી વધુ સભાસદોની સર્વિસ ચાર્જના 9 કરોડથી વધુ ભરવાના બાકી છે. કુલ 17,742 સભ્યોની સર્વિસ ચાર્જની રૂ.11,52,66,898 રકમ બાકી છે.
આ પણ વાંચો: અમદાવાદના આ વિસ્તારોમાં ટ્રાફિકજામની સમસ્યા વકરી, પિક અવર્સમાં વાહનચાલકોની હાલત ખરાબ
સપ્ટેમ્બર-2023માં યોજના ચાલુ થઇ હતી સપ્ટેમ્બર-2024માં યોજના પૂરી થશે
ગુજરાત હાઉસિંગ બોર્ડની પેનલ્ટી માફીની યોજનામાં 10 મહિનામાં ચાંદખેડા, મેઘાણીનગર અને કૃષ્ણનગરની વિવિધ કોલોનીના બાકી 17,741 સભાસદોમાંથી માત્ર 1,467 સભાસદોએ લાભ લીધો છે. હજી 16 હજારથી વધુ સભાસદોની સર્વિસ ચાર્જની નવ કરોડથી વધુ રકમ ભરવાની બાકી છે, આમ, સભ્યોમાં ઓછો પ્રતિસાદ હોવાનું મનાય છે. સપ્ટેમ્બર-2023માં યોજના ચાલુ થઇ હતી. સપ્ટેમ્બર-2024માં યોજના પૂરી થશે. ત્યારબાદ સભાસદોને સર્વિસ ચાર્જની સાથે પેનલ્ટીની પૂરેપૂરી રકમ ભરવી પડશે. કુલ 17,742 સભ્યોની સર્વિસ ચાર્જની રૂ. 11,52,66,898 રકમ બાકી છે. જેની સામે પેનલ્ટીની 38,04,10,682 રકમ માફ કરવાની થશે.
ચાંદખેડામાં કુલ 1,249માંથી માત્ર 39 લાભાર્થીઓએ રૂ.1,23,307 સર્વિસ ચાર્જ ભર્યો
બોર્ડના સૂત્રોએ કહ્યું કે, ચાંદખેડામાં કુલ 1,249માંથી માત્ર 39 લાભાર્થીઓએ રૂ.1,23,307 સર્વિસ ચાર્જ ભર્યો હતો. તેમને રૂ.5,63,087 પેનલ્ટી માફનો લાભ મળ્યો હતો. 1,210 સભાસદોની રૂ. 38,57,385 સર્વિસ ચાર્જ બાકી છે. જો ભરશે તો સંબંધિત સભાસદોની રૂપિયા 2,22,15,682 પેનલ્ટી માફ થશે. મેઘાણીનગરમાં 3,504માંથી 895એ 1,53,92,000 રૂપિયા સર્વિસ ચાર્જ ભરીને કુલ રૂ.5,19,64,631 પેનલ્ટી માફી મેળવી હતી. 2609ના સર્વિસ ચાર્જના રૂ.5,47,92,367 બાકી છે. જે ચૂકવશે તો રૂ.1,14,21,917 પેનલ્ટી માફ થશે. કૃષ્ણનગરમાં 12,988માંથી 533એ જ રૂ.7,24,1,420 સર્વિસ ચાર્જ ભરી રૂ.2,12,86,954 રકમ પેનલ્ટીની માફી મેળવી હતી.