ટ્રેન્ડિંગસ્પોર્ટસ

દક્ષિણ આફ્રિકન ટીમના બૉલર કેશવ મહારાજે રચી દીધો ઇતિહાસ

  • કેશવ મહારાજે ઈતિહાસ રચ્યો છે. તે દક્ષિણ આફ્રિકા તરફથી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારો પ્રથમ સ્પિનર બૉલર ​​બની ગયો છે

દક્ષિણ આફ્રિકા, 18 ઓગસ્ટ: દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમના અનુભવી ઓલરાઉન્ડર ખેલાડી કેશવ મહારાજે ઈતિહાસ રચ્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારો તે પ્રોટીઝ ટીમનો પ્રથમ સ્પિનર ​​બન્યો છે. તેના પહેલા આ ખાસ સિદ્ધિ પૂર્વ ક્રિકેટર હ્યુ ટેફિલ્ડના નામે નોંધાયેલી હતી. ટેફિલ્ડે 1949 અને 1960 વચ્ચે આફ્રિકન ટીમ માટે 37 ટેસ્ટ મેચોમાં ભાગ લીધો હતો. આ દરમિયાન 61 ઇનિંગ્સમાં તે 25.91ની એવરેજથી 170 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. જ્યારે મહારાજે વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી બીજી ટેસ્ટ મેચની બીજી ઈનિંગમાં 3 વિકેટ લઈને ટેફિલ્ડને પાછળ છોડી દીધો છે. ટેસ્ટ ક્રિકેટમાં મહારાજના નામે હવે 171 વિકેટ નોંધાઈ ગઈ છે.

કેશવ મહારાજની ટેસ્ટ કારકિર્દી

કેશવ મહારાજની ટેસ્ટ કારકિર્દી વિશે વાત કરીએ તો તેણે 2016 થી સમાચાર લખ્યા ત્યાં સુધી દક્ષિણ આફ્રિકા માટે 52 ટેસ્ટ મેચોમાં ભાગ લીધો છે. આ દરમિયાન તેમને 87 ઇનિંગ્સમાં 30.78ની એવરેજથી 171 વિકેટો ઝડપી છે. મહારાજના બેટિંગ પ્રદર્શનની વાત કરીએ તો તેણે 83 ટેસ્ટ ઇનિંગ્સમાં 14.74ની એવરેજથી 1135 રન બનાવ્યા છે. મહારાજના નામે ટેસ્ટ ક્રિકેટમાં 5 અડધી સદી છે. અહીં તેનું વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ બેટિંગ પ્રદર્શન 84 રન છે.

આફ્રિકાએ બીજી ટેસ્ટમાં 40 રનથી મેળવી જીત

બીજી ટેસ્ટ મેચની વાત કરીએ તો અહીં આફ્રિકન ટીમ 40 રનથી જીતવામાં સફળ રહી છે. પ્રોવિડન્સમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કર્યા બાદ આફ્રિકન ટીમ પ્રથમ દાવમાં 160 રન બનાવી શકી હતી. જ્યારે વિપક્ષી ટીમ વેસ્ટ ઈન્ડિઝ તેની પ્રથમ ઈનિંગમાં 144 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. બીજી ઇનિંગમાં આફ્રિકાની ટીમ 246 રન બનાવી શકી હતી. જીતવા માટેના 262 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી કેરેબિયન ટીમ માત્ર 222 રનમાં જ સમેટાઈ ગઈ હતી. આ રીતે બીજી ટેસ્ટ મેચમાં પણ દક્ષિણ આફ્રિકાની ટીમ 40 રને જીત મેળવવામાં સફળ રહી હતી.

વિયાન મુલ્ડરને બીજી ટેસ્ટમાં તેના શાનદાર પ્રદર્શન માટે ‘પ્લેયર ઓફ ધ મેચ’ તરીકે જાહેર કરવામાં આવ્યો છે, જ્યારે કેશવ મહારાજને સમગ્ર શ્રેણી દરમિયાન તેના શ્રેષ્ઠ પ્રદર્શન માટે ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’નો ખિતાબ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ક્રિકેટ ઇતિહાસની સૌથી ખરાબ મેચોમાં વેસ્ટ ઈન્ડિઝ-દક્ષિણ આફ્રિકા વચ્ચેની ગયાના ટેસ્ટ સામેલઃ જાણો શું થયું?

Back to top button