એરફોર્સની તાકાત ગણાતું MiG 21 કઈ રીતે બન્યું ઉડતું કોફિન? કારગિલ યુદ્ધમાં ભજવી હતી મહત્વની ભૂમિકા
એકસમયે એરફોર્સની તાકાત ગણાતા MiG 21 હાલ ફરી ચર્ચામાં છે. ગુરુવારે રાજસ્થાનના બાડમેરમાં MiG 21 બાઈસન એરક્રાફ્ટ દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ દશકાઓ જૂનાં આ ફાઈટર પ્લેનને વિદાય કરવાની માગ ફરી ઉગ્ર બની છે. MiG 21ને ઉડતું કોફિન પણ ગણાવવામાં આવે છે. જો કે MiG 21 લાંબા સમયથી ઈન્ડિયન એરફોર્સની સફળતાનો આધાર રહ્યો છે. તે પછી કારગિલ યુદ્ધ હોય કે પછી 1971નું યુદ્ધ, તમામ મોરચે આ ફાઈટર પ્લેને સફળતાના પુરાવાઓ દેશ સમક્ષ રજૂ કર્યા છે. જો કે આ ફાઈટર પ્લેન અનેક વખત દુર્ઘટનાનું શિકાર બન્યું છે, જેમાં અનેક પાઇલટ અને જવાનો મોતને ભેટ્યા છે.
મીડિયા રિપોર્ટ મુજબ ઈન્ડિયન એરફોર્સે વર્ષ 2025 સુધીમાં MiG 21, બાઈસન વિમાનના તમામ સ્ક્વોડ્રનને રિટાયર્ડ કરવાનો નિર્ણય લીધો છે. MiG 21 બાઈસન જે MiG 21નું જ અપગ્રેડેડ વર્ઝન છે.
MiG 21 કઈ રીતે બન્યું ઉડતું કોફિન?
ભારતીય વાયુસેનાના ઈતિહાસમાં MiG 21 ફાઈટર પ્લેનની મહત્વની ભૂમિકા રહી છે, પરંતુ હવે તેને રિટાયર્ડ કરવાની માગે જોર પકડ્યું છે. રાજસ્થાનના બાડમેરમાં ગુરુવારે MiG 21 ફાઈટર વિમાન ક્રેશ થયું હતું, જેમાં બંને પાઇલટનાં મોત નિપજ્યા હતા. જો કે આ પહેલી વખત નથી જ્યારે આ ફાઈટર જેટથી દુર્ઘટના ઘટી હોય. વર્ષ 2021માં જ આ MiG 21 બાઈસન ફાઈટર જેટથી 5 દુર્ઘટનાઓ ઘટી હતી. આ દુર્ઘટનામાં 3 પાઇલટે જીવ ગુમાવ્યા હતા. છેલ્લાં 20 માસમાં 6 MiG 21 વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયા હતા. જેમાં વિમાનના 5 પાઇલટ શહીદ થઈ ગયા હતા. આ આંકડા મુજબ છેલ્લાં 6 દશકામાં MiG 21થી સંબંધિત લગભગ 400 દુર્ઘટના થઈ, જેમાં 200થી વધુ પાઇલટનો ભોગ લેવાયો હતો.
એક સમયે ભારતની શાન રહ્યું MiG 21 ફાઈટર પ્લેન
MiG 21 ફાઈટર પ્લેન ભારતીય સેનામાં 1960માં સામેલ કરાયું હતું. 1971ના યુદ્ધ પછી વાયુસેનામાં કેટલાંક વર્ષ પહેલાં જ સામેલ થયેલા ફાઈટર પ્લેન MiG 21એ પૂર્વ અને પશ્ચિમ મોર્ચા પર જોરદાર કહેર વર્તાવ્યો હતો. MiG 21ની શક્તિનો ખ્યાલ તે વાતથી પણ લગાવી શકાય છે કે ફાઈટર પ્લેનથી બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામ દરમિયાન પાકિસ્તાની સેનાના 13 ફાઈટર પ્લેનને નષ્ટ કરી દીધા હતા, જ્યારે કે ભારતીય વાયુસેનાને ખાસ કંઈ નુકસાન થયું ન હતું.
કારગિલ યુદ્ધમાં ભજવી હતી મહત્વની ભૂમિકા
26 જુલાઈએ દેશવાસીઓએ કારગિલ વિજય દિવસની ઉજવણી કરી સાથે જ જવાન શહીદોના બલિદાનોને યાદ કર્યા. વર્ષ 1999ના કારગિલ યુદ્ધમાં MiG 21એ મહત્વની ભૂમિકા ભજવી હતી. MiG 21 બાઈસન ફાઈટર વિમાન કે જે MiG 21નું અપગ્રેડેડ વર્ઝન છે. 1999ની જંગમાં ભારતીય વાયુસેનાએ MiG 21ની સાથે અનેક પાકિસ્તાન ઘૂસણખોર પર કહેર વરસાવ્યો હતો. ભારતીય વાયુસેનાના જવાનોએ MiG 21, MiG 23 અને MiG 27 ફાઈટર પ્લેનની મદદથી ઘુસણખોરના ઠેકાણાં, ગોળા-બારુદ અને શસ્ત્રોના ભંડાર તેમજ સપ્લાઈ ચેન પર હુમલાઓ કર્યા હતા. દ્રાસ, બટાલિક અને કારગિલમાં આ હુમલાથી દુશ્મનને ઘણું જ નુકસાન થયું હતું. ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન ઘુસણખોરના સફાયા માટે ‘ઓપરેશન વિજય’ અભિયાન ચલાવ્યું હતું.
બાલાકોટ એરસ્ટ્રાઈક દરમિયાન પાકિસ્તાનના F 16ને ખદેડ્યું
ભારતીય વાયુસેનાનું MiG 21 બાઈસને વર્ષ 2019માં બાલાસ્ટ્રોક એરસ્ટ્રાઈક દરમિયાન પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ MiG 21 વિમાનથી દેશના બહાદુર ગ્રુપ કેપ્ટન અભિનંદન વર્ધમાને પાકિસ્તાનના આધુનિક F 16 ફાઈટર જેટને સરહદને પાર ખદેડ દીધું હતું. આ સાહસપૂર્ણ કાર્ય માટે તેમને રાષ્ટ્રપતિએ વીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જો કે અભિનંદનનું ફાઈટર પ્લેન MiG 21 દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું, જે બાદ દુશ્મન દેશના સૈનિકોએ તેમને પકડી લીધા હતા. બાદમાં ભારતના દબાણને કારણે તેમને છોડી દેવાયા હતા.