કમલા હેરિસને ડિબેટમાં હરાવવા માટે ટ્રમ્પે હિન્દુ-અમેરિકન નેતા પાસે માંગી મદદ, જાણો કોણ છે?
- હિન્દુ-અમેરિકન નેતા તુલસી ગબાર્ડ 2019માં કમલા હેરિસને ડિબેટમાં ખરાબ રીતે હરાવી ચૂક્યાં છે
વોશિંગ્ટન DC, 17 ઓગસ્ટ: ડોનાલ્ડ ટ્રમ્પ ડેમોક્રેટિક પાર્ટી તરફથી પ્રમુખપદના ઉમેદવાર કમલા હેરિસ સાથે ચૂંટણીની ડિબેટ કરવાની તૈયારી કરી રહ્યા છે. આ ડિબેટ માટે ડોનાલ્ડ ટ્રમ્પે હિન્દુ-અમેરિકન નેતા તુલસી ગબાર્ડની મદદ માંગી છે. વર્ષ 2020માં તુલસી ગબાર્ડ ડેમોક્રેટિક પાર્ટી તરફથી પ્રમુખપદની રેસમાં હતાં. રેસમાંથી બહાર થયા બાદ તેઓ ટ્રમ્પના સમર્થક બની ગયાં હતાં. તુલસી અને ટ્રમ્પ વચ્ચે સારી મિત્રતા છે. તેઓ ભારત અને અમેરિકા વચ્ચે સારા સંબંધોની હિમાયત કરતાં રહ્યાં છે.
ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ 10 સપ્ટેમ્બરે ABC ન્યૂઝની ડિબેટમાં એકબીજાનો સામનો કરશે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019માં તુલસી ગબાર્ડે ડેમોક્રેટિક પ્રેસિડેન્શિયલ નોમિનેશન માટેની પ્રાથમિક ડિબેટમાં કમલા હેરિસને હરાવ્યાં હતાં.
કમલા હેરિસ સાથે ડિબેટ કરવા માટે મારે તૈયારીની જરૂર નથી: ટ્રમ્પ
પ્રમુખપદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે, તેમને કમલા હેરિસ સાથે ડિબેટ કરવા માટે તૈયારી કરવાની જરૂર નથી. ઉલ્લેખનીય છે કે, જૂન મહિનામાં જો બાઈડન સાથે રાજકીય ડિબેટ પહેલા ટ્રમ્પે કેટલાક રાજકીય સલાહકારો સાથે વાત કરી હતી.
કોણ છે તુલસી ગબાર્ડ?
તુલસી ગબાર્ડનો જન્મ અમેરિકન સેમોન વંશના પરિવારમાં થયો હતો જેઓ US રાજ્ય હવાઈના વતની છે. તેમના પિતા કેથોલિક હતા અને તેમની માતા હિન્દુ ધર્મની હતી. તુલસી ગબાર્ડે પણ હિન્દુ ધર્મ અપનાવ્યો છે. તે ભારત અને અમેરિકા વચ્ચે સારા સંબંધોની હિમાયત કરતા રહ્યા છે. તેમણે નરેન્દ્ર મોદીને 2014માં વડાપ્રધાન બનવા બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા.
આ પણ જૂઓ: કમલા હેરિસ કે ડોનાલ્ડ ટ્રમ્પ? અમેરિકામાં આજે ચૂંટણી થાય તો કોણ બને પ્રમુખ?