કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતધર્મવિશેષ

ગુજરાતના અતિપૌરાણિક શિવાલયોમાંનું એક એટલે જૂનાગઢની ગિરનાર તળેટીમાં આવેલું ‘ભવનાથ મહાદેવ’નું મંદિર

Text To Speech

વિકી રાજપૂતઃ જૂનાગઢમાં ભવનાથની તળેટીનું મુખ્ય આરાધ્ય સ્થાન એટલે ‘ભવનાથ મહાદેવનું મંદિર’. સાક્ષાત શિવજી અહીં અનાદિકાળથી વસ્યાં છે. આ સ્થાનક સાથે અનેક દંતકથાઓ સંકળાયેલી છે. આવો જાણીએ ભવનાથ મહાદેવનો રોચક ઇતિહાસ…

બિલિપત્રના ઝાડની મધ્યે શિવલિંગ

‘સ્કંદપુરાણ’માં જણાવ્યા અનુસાર એકવાર માતા પાર્વતી મહાદેવને ભવનાથનો ઇતિહાસ પૂછે છે ત્યારે મહાદેવ તેમને જણાવતા કહે છે કે, સૌરાષ્ટ્ર દેશમાં વસ્ત્રાપથ નામની એક જગ્યા છે. જ્યાં બિલિપત્રના ઝાડની મધ્યમાં મારું લિંગ છે. ત્યાં શિવરાત્રિના દિવસે અજાણતા જ એક પારધી આવે છે અને તે લિંગની પૂજા કરે છે. આખી રાત જાગરણ કરીને પૂજા-અર્ચના કરે છે. તેની ભક્તિથી પ્રસન્ન થઈને એક દિવ્ય વિમાન તેને સ્વર્ગ લઈ જાય છે.

bhavnath mahadev temple
ભવનાથ મહાદેવ મંદિર, ગિરનાર તળેટી, જૂનાગઢ

ઇન્દ્ર દેવ કરે છે આખી રાત પૂજા

આ દરમિયાન યમના કિંકર અને દેવો વચ્ચે યુદ્ધ થાય છે. ત્યારે ઇન્દ્ર દેવ આ પારધીને જોવે છે અને પૂછે છે કે તને આ લ્હાવો કેવી રીતે મળ્યો? ત્યારે પારધી સમગ્ર ઘટના તેને કહી સંભળાવે છે. આ સાંભળીને ઇન્દ્ર દેવ પારધીને કહે છે તું મારી સાથે આવ, મારે પણ આ લિંગની પૂજા કરવી છે. પરસ્ત્રીગમનના પાપ અને વૃત્રને માર્યાનું પાપ દૂર કરવું છે. ત્યારે મહા વદ ચૌદશને દિવસે પારધી અને ઇન્દ્રદેવ આ લિંગની પૂજા કરે છે. આમ, ત્યારથી જ આ લિંગ ભવેશ્વર તરીકે સ્થાપિત થાય છે. જે આગળના સમયમાં અપભ્રંશ થઈને ભવનાથ તરીકે ઓળખાય છે.

ભવનાથ શબ્દનો અર્થ થાય છે ‘ભવનો નાશ કરનારો’. ભવનાથ મહાદેવના પ્રાંગણમાં પગ મૂકતાંની સાથે જ વ્યક્તિને તમામ પાપોમાંથી મુક્તિ મળે છે. તેને પ્રેતત્વ મળતું નથી તેવી માન્યતા છે.

ભવનાથ મહાદેવ અને મૃગીકુંડનું ધાર્મિક મહત્ત્વ
1. મહાશિવરાત્રિના દિવસે ભવનાથ મહાદેવના દર્શન કરવાથી સાત જન્મોનું પાપ ધોવાઈ જાય છે.
2. વૈશાખ સુદ પૂનમને દિવસે ભવનાથ મહાદેવના દર્શન કરવાથી વ્યક્તિને એક દિવસ બ્રહ્મલોકમાં રહેવાનું સુખ મળે છે.
3. ભવનાથ મહાદેવના દર્શન કરવાથી આત્મા શુદ્ધ અને પવિત્ર થાય છે.

mrugi kund junagadh
મૃગીકુંડ, જૂનાગઢ

કેવી રીતે ‘મૃગીકુંડ’ બન્યો?

અન્ય એક દંતકથા પ્રમાણે શિવજી પાર્વતીજીને જણાવે છે કે, કાન્યકુબ્જ દેશમાં ચંદ્રવંશી રાજા ભોજ હતા. એક દિવસ તેની સેનામાંથી એક સૈનિક આવે છે અને જણાવે છે કે, મૃગના ટોળામાં મૃગના મુખવાળી એક કન્યા છે. આ સાંભળીને રાજા ભોજ આશ્ચર્ય પામે છે અને કહે છે કે મારે પણ આ મૃગમુખી કન્યા જોવી છે. રાજા ભોજ મૃગમુખી કન્યાની શોધમાં નીકળે છે. રાત-દિવસની મહેનત બાદ એક દિવસ નારીમૃગ દેખાઈ જાય છે. સૈનિકો તેને પકડી લે છે અને રાજધાનીમાં લઈ જાય છે. રાજા ભોજ તેની ઓળખ પૂછે છે. પરંતુ તે કોઈ જવાબ આપતી નથી. ત્યારે રાજા ભોજ આઘાતગ્રસ્ત થઈ અન્નત્યાગ કરે છે.

bhavnath mahadev temple
ભવનાથ મહાદેવ મંદિર

મૃગીકુંડમાં ન્હાવાથી મળે છે મોક્ષ

ત્યારબાદ બ્રાહ્મણોને બોલાવવામાં આવે છે. આખરે મંત્રોચ્ચારની શક્તિથી મૃગલીને વાચા આવે છે અને તે મનુષ્યવાણી બોલવા લાગે છે. આમ રાજા ભોજ મૃગમુખવાળી નારીને પૂર્વજન્મની કથા કહેવડાવે છે. મૃગનારી કહે છે કે, અનેક જન્મો બાદ પણ તેને મુક્તિ નથી મળી. ત્યારે એક ઋષિ કહે છે, સૌરાષ્ટ્રમાં જા ત્યાં રૈવતાચળ પર્વત છે ત્યાં તારા પાપો ધોવાશે અને આખરે હું અહીં આવી છું. રાજા ભોજ તેની કથા સાંભળી એક કુંડ બનાવે છે અને તેના પાણીથી મૃગનારીને મુક્તિ મળે છે. આ કુંડ એટલે મૃગીકુંડ. એક સમયે આ કુંડમાં પથ્થરો તરતા હતા તેવી પણ એક લોકવાયકા છે. એવી એક માન્યતા છે કે, રાજા ભતૃહરિ અને અશ્વત્થામા જેવા ચિરંજીવી આજે પણ અહીં આવીને ભવનાથ મહાદેવના દર્શન કરવા આવે છે.

Back to top button