કચ્છ એક્સપ્રેસને બેસ્ટ ફિલ્મનો નેશનલ એવોર્ડ, મુખ્યમંત્રીએ પાઠવ્યા અભિનંદન
- 70માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં કચ્છ એક્સપ્રેસને બેસ્ટ ફિલ્મ સહિતના ત્રણ એવોર્ડ મળ્યા છે. માનસી પારેખને પણ બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ફિલ્મ સાથે સંકળાયેલા તમામ લોકોને અભિનંદન પાઠવ્યા છે
16 ઓગસ્ટ, અમદાવાદઃ 70માં નેશનલ ફિલ્મ એવોર્ડમાં ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસ મેદાન મારી ગઈ છે. કચ્છ એક્સપ્રેસને બેસ્ટ ફિલ્મ સહિતના ત્રણ એવોર્ડ મળ્યા છે. માનસી પારેખને પણ બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે. માનસી પારેખ ગોહિલ અને પાર્થિવ ગોહિલ આ ફિલ્મના પ્રોડ્યુસર પણ છે. આ ફિલ્મમાં મહિલા સશક્તિકરણનો મુદ્દો રજૂ કરવામાં આવ્યો હતો.
CMએ પાઠવ્યા અભિનંદન
70માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસને મળેલા ત્રણ-ત્રણ એવોર્ડ સન્માન માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ફિલ્મનાં નિર્માતા, દિગ્દર્શક અને કલાકાર કસબીઓને અભિનંદન પાઠવ્યા છે. વિરલ શાહ દિગ્દર્શિત અને પાર્થિવ ગોહિલ-માનસી પારેખ ગોહિલ દ્વારા નિર્માણ પામેલી આ ફિલ્મને જે એવોર્ડ મળ્યા છે, તેમાં બેસ્ટ ફિચર ફિલ્મ, બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઈન માટેનો એવોર્ડ (નિકિ જોષી-કોસ્ચ્યુમ ડિઝાઈનર) અને ફિલ્મની અભિનેત્રી માનસી પારેખને બેસ્ટ એક્ટ્રેસ તરીકેના એવોર્ડ આપવામાં આવ્યો છે. ગ્રામીણ નારી શક્તિ સંગઠનો દ્વારા સ્થાનિક હસ્તકલા અને અન્ય કલા કારીગરીની વસ્તુઓને પ્રમોટ કરવાની વાર્તા પર આ ફિલ્મ આધારિત છે.
70માં નેશનલ ફિલ્મ એવોર્ડ-2022માં આ હેતુસર કચ્છ એક્સપ્રેસને બેસ્ટ ફિચર ફિલ્મ પ્રોમોટીંગ નેશનલ, સોશિયલ વેલ્યુસ માટેનો એવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ એક્સપ્રેસ ફિલ્મને મળેલા આ ત્રણ-ત્રણ એવોર્ડને ગુજરાતી ફિલ્મોના ઈતિહાસની ગૌરવવંતી ઘટના ગણાવતા વિચાર પ્રેરક કથાનક અને ઉત્કૃષ્ઠ કલાકસબ ધરાવતી વધુને વધુ ગુજરાતી ફિલ્મોનું નિર્માણ થતુ રહેશે તેવી અભ્યર્થના વ્યક્ત કરી છે.
આ પણ વાંચોઃ 70માં નેશનલ ફિલ્મ એવોર્ડની જાહેરાત, આ ગુજરાતી ફિલ્મનું નામ પણ સામેલ