અમદાવાદગુજરાત

OPSની માંગ સાથે શિક્ષકો ફરી આંદોલનના માર્ગે, આવતીકાલે ગાંધીનગરમાં ધરણાં યોજશે

Text To Speech

ગાંધીનગર, 15 ઓગસ્ટ 2024, જુની પેન્શન યોજના મુદ્દે શૈક્ષિક મહાસંઘ દ્વારા આવતીકાલે મહાઆંદોલનની જાહેરાત કરવામાં આવી છે. ગત મહિને આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે રાજ્યના શિક્ષણમંત્રીની હાજરીમાં યોજાયેલી મહાસંઘની કારોબારીમાં આંદોલન કરવાનું નક્કી કરાયું હતું. જે અન્વયે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આવતીકાલે શુક્રવારે ધરણાં પ્રદર્શન યોજી આંદોલનની રણનીતિ ઘડવાનું નક્કી થયું હતું. એવું પણ જાણવા મળ્યું છે કે, ગાંધીનગર પોલીસ દ્વારા ધરણાં પ્રદર્શન કે આંદોલનની પરમિશન આપવામાં આવી નથી.

શૈક્ષિક મહાસંઘ દ્વારા આંદોલનની જાહેરાત કરવામાં આવી
રાજ્ય સરકાર દ્વારા થયેલા સમાધાન અનુસાર અત્યાર સુધી જૂની પેન્શન યોજનાને લઈને ઠરાવ બહાર પાડવામાં આવ્યો ન હોવાથી શિક્ષકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. જેને લઈને શૈક્ષિક મહાસંઘ દ્વારા આંદોલનની જાહેરાત કરવામાં આવી હતી. જુલાઈ મહિનામાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક 400થી વધુ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે યોજાઈ હતી.

સંવર્ગના વિવિધ પડતર પ્રશ્નોની ચર્ચા કરાઈ
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા તમામ શિક્ષક તથા કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ કરવા, તારીખ 1-4-2005 પહેલાં નિમણૂક પામેલા તથા સમાધાન મુજબ ઠરાવ બહાર પાડવા, એન.પી.એસ. વાળા કર્મચારીઓને 300 રજાનું રોકડ રૂપાંતર, HTATના બદલીના નિયમો સંગઠનની માગ અનુસાર બહાર પાડવા, વિદ્યાર્થી હિતમાં શિક્ષકોની પૂરા મંજૂર મહેકમ અનુસાર કાયમી ભરતી, ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં જૂના શિક્ષકની ભરતીના સરળ નિયમો, ભરતીનો રેશિયો 1:2 કરવો, ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં 4200 ગ્રેડ-પે, ફાજલનું કાયમી રક્ષણ, સરકારી માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાના પડતર પ્રશ્નો તથા તમામ સંવર્ગના વિવિધ પડતર પ્રશ્નોની ચર્ચા કરાઈ હતી.

આ પણ વાંચોઃ બનાસકાંઠા : પાલનપુર બાયપાસ ના મુદ્દે ખેડૂતો આક્રમક, રેલી કાઢી વિરોધ

Back to top button