સુરતના હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલઃ 3 બેરોજગાર રત્નકલાકારોએ 80 હજારના હીરા લૂંટ્યા
સુરત, 15 ઓગસ્ટ 2024, શહેરમાં વરાછા મીની હીરા બજારમાં કારખાનામાં ત્રણ શખ્સોએ 80 હજારના 120 કેરેટ રફ હીરા અને બે મોબાઈલ ફોનની લૂંટ ચલાવી હતી. આ લૂંટ કરવા આવતા ત્રણ લૂંટારૂ સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા. લૂંટ ચલાવનારા ત્રણ યુવકોને પોલીસે ગણતરીના કલાકોમાં પકડી પાડયા હતા. આ ત્રણેય યુવકો રત્નકલાકાર જ નીકળ્યા અને છેલ્લા ત્રણ મહિનાથી બેકાર હોવાથી લૂંટ કરી હતી.
80 હજારની મત્તાના 120 કેરેટ હીરા અને મોબાઈલની લૂંટ
પ્રાપ્ત માહિતી પ્રમાણે સુરતમાં ઉત્રાણ યમુના પેલેસમાં રહેતા 35 વષીય કૃણાલભાઈ ભુવા વરાછા મીની બજારમાં દેવ ફોરપીના નામે હીરાનું કારખાનું ધરાવે છે તેમને ત્યાં બે ફોરથી મશીન ઉપર દિવસે સંદીપ અને રાતપાળીમાં હાર્દિક દિનેશભાઈ ભુવા અને રૂપેશ ભવાનભાઈ બારૈયા નોકરી કરે છે. ગતરાત્રે રાત પાળીમાં નોકરીએ આવેલા હાર્દિક અને રૂપેશ કામ કરતા હતા ત્યારે મળસ્કે ત્રણ વાગ્યા આસપાસ બે અજાણ્યા શખ્સ મોઢા ઉપર રૂમાલ બાંધીને અંદર ઘુસી ગયા હતા. તે પૈકી એકે છરી બતાવી જે કંઈ હોય તે આપી દો હીરાનો માલ અને પૈસા તેમ કહેતા બંને ગભરાઈ ગયા હતા અને કશું બોલ્યા નહોતા.લૂંટારાઓએ રૂપેશના ગળા પાસે છરી રાખીને જે કંઈ હીરાનો માલ કે પૈસા હોય તે આપી દો તેવું ફરી કહેતા 80 હજારની મત્તાના 120 કેરેટ હીરા તેમને આપી દીધા હતા.
પોલીસે ત્રણેય લૂંટારુને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી
લૂંટ કર્યા બાદ ત્રણેય લૂંટારાઓ બહારથી દરવાજો બંધ કરી ભાગી ગયા હતા. કારીગરોએ દરવાજો ખખડાવતા બાજુના કારખાનવાળાએ દરવાજો ખોલ્યા બાદ બનાવ અંગે કૃણાલભાઈ ભુવાને મિત્ર મારફતે જાણ કરતા તે દોડી આવ્યા હતા.તેમણે ઓફિસ અને બિલ્ડીંગના સીસીટીવી કેમેરા જોયા તો તેમાં 20થી 25 વર્ષના ત્રણ અજાણ્યા પૈકી બે 3.34 કલાકે ઓફિસમાં પ્રવેશતા અને બાદમાં અન્ય એક પ્રવેશતો નજરે ચઢ્યો હતો. બનાવ અંગે કૃણાલભાઈએ વરાછા પોલીસને જાણ કરતા વરાછા પોલીસ ત્યાં દોડી ગઈ હતી અને કૃણાલભાઈની ફરિયાદના આધારે લૂંટનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં લૂંટનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. પોલીસે ત્રણેય લૂંટારુને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃઅમદાવાદમાં પોલીસ કમિશ્નર કચેરીમાં પોલીસકર્મીએ ગોળી મારી આપઘાત કર્યો