ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : પાલનપુર બાયપાસ ના મુદ્દે ખેડૂતો આક્રમક, રેલી કાઢી વિરોધ

બનાસકાંઠા 14 ઓગસ્ટ 2024 :  પાલનપુર બાયપાસ રોડ ના મુદ્દે ખેડૂતોની માંગો ન સ્વીકારતા ખેડૂતો ઘણા સમયથી વિરોધ કરી રહ્યા હોવા છતાં કોઈ નિરાકરણ ન આવતા આજે પાલનપુર ખાતે ખેડૂતો એકઠા થયા હતા. ત્યારે ખેડૂતોના બાયપાસ વિરોધમાં કોંગ્રેસના નેતાઓએ સમર્થન આપી અને ખેડૂતોની બેઠકમાં જોડાયા હતા, અને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.સભા બાદ ખેડૂતોએ કોંગ્રેસના આગેવાનો સાથે રેલી યોજી કલેકટરને આવેદનપત્ર આપી બાયપાસ નો વિરોધ નોંધાવી રજૂઆત કરી હતી.

બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં નેશનલ હાઇવે ઉપર લાંબા સમયથી ભારે ટ્રાફિક થતાં કલાકો સુધી રાજસ્થાન અથવા અમદાવાદ તરફ જતા વાહન ચાલકો અટવાતા ટ્રાફિકની સમસ્યા પેચીદી બનતા સરકાર દ્વારા અમદાવાદ-આબુરોડ હાઇવે ઉપરના સોનગઢથી જગાણા ગામ સુધી 26 કિલોમીટર લાંબો બાયપાસ રોડ મંજુર કરી તેના માટે જમીન સંપાદન કરવાની કામગીરી શરૂ કરતાં અનેક ગામોના ખેડૂતોની જમીનો કપાઈ જતા તેમજ તેમના પાણીના બોર જતા રહેતા તેમજ જમીન સંપાદનનું બજાર ભાવ પ્રમાણે વળતર ન મળતાં ખેડૂતોએ વિરોધ શરૂ કર્યો છે લાંબા સમયથી ખેડૂતો પોતાની માંગો લઈને જિલ્લા કલેક્ટરથી લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી રહ્યા છે.ખેડુતોનું કહેવું છે કે બાયપાસ રોડનો અમારો કોઈ વિરોધ નથી પરંતુ તંત્ર દ્વારા કોઈ જગ્યાએ 100 મીટર તો કોઈ જગ્યાએ 60 મીટર જમીન સંપાદન કરાઈ રહી છે જોકે તંત્ર દ્વારા ખેડૂતોની 100 મીટર જમીન લઈ લેવાય તો અનેક ખેડૂતો જમીન વિહોણા થઈ જાય તો તેમનું ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બને તેમ છે જેથી સોનગઢથી જગાણા સુધી એક સરખો 100 ફૂટજ બાયપાસ બનાવવામાં આવે.તેમજ આ બાયપાસમાં ખેડૂત ખાતેદારોના નામ જતા રહે તેવા ખેડૂતોને તેમના વતનમાં જ જમીન આપવામાં આવે તેમજ બાયપાસમાં જેમના પાણીના બોર જતા રહે તેને સરકાર બાજુમાં જ પાણીના નવા બોર બનાવવામાં આવે અને સરકાર દ્વારા જમીનનું વળતર જંત્રીના હિસાબે નહિ પરંતુ બજાર ભાવ પ્રમાણે આપવામાં આવે જોકે ખેડૂતોની માંગો ન સ્વીકારતા આજે પાલનપુર ખાતે ખેડૂતોની સભા યોજાઈ હતી જે સભામાં કોંગ્રેસના અમિત ચાવડા સાંસદ ગેનીબેન ઠાકોર સહિત અનેક કોંગ્રેસના આગેવાનો જોડાયા હતા અને ખેડૂતો સાથે રેલીમાં જોડાઈને કલેકટરને આવેદનપત્ર આપી બાયપાસ રોડને લઈને સરકાર સામે પ્રહાર કર્યા હતા.


બાયપાસ માટેની ખેડૂતોની યોજાયેલી સભામાં સાંસદ ગેનીબેન ઠાકોર પહોંચ્યા હતા. જેમણે નિવેદન આપ્યું હતું કે, બાયપાસ માટે જે સર્વે કરવામાં આવ્યો છે.. અને છેલ્લા બે ત્રણ વર્ષે થી ખેડૂતો એની વ્યાજબી જે વાત છે સરકાર પાસે મૂકી છે પહેલા બ્રિજ બને.140 કરોડ એ સરકાર માટે કોઈ મોટો ખર્ચ નથી બીજી તો તમારે બ્રિજ ના બનાવવો હોય તો બાયપાસ કાઢવો હોય તો પછી ખેડૂતો ની જે માંગણી છે તે સ્વીકારવી પડે.. ખેડૂતો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે..જે એક્ટિવ ખેડૂતો હતા તેમણે ક્યાંક ને ક્યાંક બિનખેતી કરી દીધું છે. જે ખેડૂતો નથી કરાવી શક્યા એમની સામે અન્યાય કરવામાં આવે છે. આજે આવેદનપત્ર આપીને અમે સરકારનું ધ્યાન દોરવા માગીએ છીએ જગતનો તાત ખેડૂત કે પોતાનો ન્યાય તમારી પાસે માગે છે અને તમે ન્યાય નહીં આપો તો ખેડૂતોની હાય તમને નહિ છોડે.

આ સભામાં અમિત ચાવડાએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. અમિત ચાવડાએ કહ્યું હતું કે આજે બનાસકાંઠામાં પાલનપુરમાં પક્ષા પક્ષી થી પર રહીને તમામ ખેડૂતો પોતાના અસ્તિત્વ માટે રસ્તા પર ઉતર્યા છે એક બાજુ ખેડૂતોનો વિનાશ અને સરકારનો કહેવાતો વિકાસ એનો ઉત્તમ દાખલો આજે પાલનપુર બાયપાસ રોડ માં જોવા મળે છે ખેડૂતોની મહામૂલી જમીન છીનવવામાં આવી રહી છે જરૂરિયાત કરતાં વધારે જમીન સંપાદન કરે અને ખેડૂતોને જમીન વિહોણા કરી ખેડૂત મટી જાય રસ્તા પર આવી જાય એવી સ્થિતિનું નિર્માણ આ વિકાસના નામે ગુજરાતની સરકાર કરી રહી છે ખેડૂતો આજે લાંબા સમયથી એની સામે લડાઈ લડી રહ્યા છે કે પાલનપુરમાં ટ્રાફિકનો પ્રશ્ન હલ થાય એમાં કોઈને વાંધો હોય ના શકે પણ જો એરોમાં સર્કલ પાસે બ્રિજ બનાવવામાં આવે તો ટ્રાફિકનો પ્રશ્નનો નિવારણ પણ થાય અને ખેડૂતોની મહા મુલી જમીન છે એ પણ બચી જાય એવા સંજોગોમાં ખેડૂતો લાંબા સમયથી લડત લડે છે રજૂઆત કરે છે પણ સરકારના બહેરા કાન સુધી આ વાત પહોચતી નથી અને એટલા જ માટે આજે કોંગ્રેસના જનમંચ પર ગેનીબેન ઠાકોર ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી જિલ્લા પ્રમુખ ભરતસિંહ તમામ આગેવાનોની ઉપસ્થિતિમાં આજે ખેડૂત સમાજ એકત્રિત થયો છે રસ્તા પર ઉતરીને પોતાના હક અધિકાર ની લડાઈ લડવા માટે આજે રેલી સ્વરૂપે કલેકટરને આવેદન આપ્યું છે અને અમે સરકારને કહેવા માગે છે કે વિકાસના નામે ખેડૂતોને રજળતા ઘર બહાર વગરના કરવાનો આ વિકાસ ક્યારેય સ્વીકાર્ય નહીં બને અહીંયા પહેલો પ્રશ્ન છે એનું નિવારણ માટે એરોમાં સર્કલ પર બ્રિજ બનાવો અને બાયપાસ રોડ નો પ્રોજેક્ટ રદ કરો…અને બાયપાસ બનાવવો હોય તો ખેડૂતો સાથે ચર્ચા કરો અને ત્યાર પછી જ એક ડગલું આગળ વધો નહીં તો આ ખેડૂતો જીવ આપી દે છે પણ જમીન નહીં આપે એવો સંકલ્પ સર્વે સાથે મળીને કર્યો છે અને એની લડાઈ કોંગ્રેસ પક્ષ ખેડૂતોના હક અધિકાર માટે લડશે.

આ પણ વાંચો : અમદાવાદ: Airtel અને Jio કંપનીનાં ડમી સીમકાર્ડ વેચનારા 4 ની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ

Back to top button