રશિયન પ્રદેશો પર યુક્રેનના કબજાનો દાવો, ભારતીય દૂતાવાસે નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી
મોસ્કો, 14 ઓગસ્ટ: રશિયા અને યુક્રેન વચ્ચે સરહદી વિસ્તારમાં યુદ્ધ ઉગ્ર બન્યા બાદ ભારત પણ એલર્ટ થઈ ગયું છે. યુક્રેનની સેનાએ રશિયાના ઘણા વિસ્તારો પર કબજો જમાવ્યો હોવાનો દાવો કર્યા બાદ સરહદી વિસ્તારોમાં યુદ્ધનું જોખમ વધુ વધી ગયું છે. આવી સ્થિતિમાં, મોસ્કોમાં ભારતીય દૂતાવાસે તેના નાગરિકો માટે વિશેષ માર્ગદર્શિકા જાહેર કરી છે. ભારતીય દૂતાવાસે રશિયાના બ્રાયનસ્ક, બેલ્ગોરોડ અને કુર્સ્ક વિસ્તારમાં રહેતા ભારતીય નાગરિકો માટે આ એડવાઈઝરી જારી કરી છે.
તેમાં કહેવામાં આવ્યું છે કે “બ્રાયન્સ્ક, બેલ્ગોરોડ અને કુર્સ્ક પ્રદેશોમાં તાજેતરની સુરક્ષા ઘટનાઓને ધ્યાનમાં રાખીને, ભારતીય નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા અને આ વિસ્તારોની બહાર અસ્થાયી રૂપે સ્થળાંતર કરવાની સલાહ આપવામાં આવે છે.” રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને લગભગ અઢી વર્ષ થઈ ગયા છે. અત્યાર સુધી આ યુદ્ધ કોઈ પરિણામ પર આવ્યું નથી. પરંતુ આ દરમિયાન, રશિયન સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે યુક્રેનિયન સૈનિકો મોટી સંખ્યામાં તેના ક્ષેત્રમાં પ્રવેશ્યા છે.
1000 ચોરસ કિલોમીટરથી વધુ જમીનના કબજાનો દાવો
રશિયાના આ દાવા બાદ યુક્રેનની સેનાએ પણ તેને યોગ્ય ઠેરવ્યું છે અને રશિયાના બ્રાયનસ્ક, બેલ્ગોરોડ અને કુર્સ્ક વિસ્તારમાં 1000 ચોરસ કિલોમીટરથી વધુ જમીન પર કબજો જમાવવાનો દાવો કર્યો છે. જોકે, રશિયન સેનાનું કહેવું છે કે આ વિસ્તારોમાં ભીષણ યુદ્ધ ચાલુ છે અને તેમાં કેટલાય યુક્રેનિયન સૈનિકો માર્યા ગયા છે. હુમલામાં યુક્રેનિયન આર્મીના ઘણા સૈન્ય વાહનો પણ નાશ પામ્યા છે.
આ પણ વાંચો :દેશમાં આ જગ્યાએ 15મી નહીં પણ 14મી ઓગસ્ટની મધ્યરાત્રિએ લહેરાવવામાં આવે છે ત્રિરંગો, આવું છે કારણ