અમદાવાદગુજરાત

ગુજરાતમાં 15મી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ સજા ભોગવી રહેલા 86 કેદીઓને જેલ મુક્ત કરાશે

Text To Speech

ગાંધીનગર, 14 ઓગસ્ટ 2024, દેશમાં 78મા સ્વાતંત્ર્ય પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી રહી છે. ઠેર ઠેર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સરકાર દ્વારા જેલમાં વ્યવહાર અને વર્તણૂક સારી હોય તેવા પાત્રતા ધરાવતા કેદીઓને પરિવાર સાથે જીવન જીવવાની નવી તક આપવામાં આવી છે. રાજ્ય સરકારે વિવિધ જેલોમાં સજા ભોગવી રહેલા ઉંમરલાયક-પાત્રતા ધરાવતા વધુ ૮૬ કેદીઓને સજા માફી આપી જેલ મુક્ત કરવાનો નિર્ણય લીધો છે.

કેદીઓને પોતાના પરિવાર સાથે જીવન જીવવાની નવી તક મળશે
પ્રાપ્ત વિગતો પ્રમાણે 78મા સ્વતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ માનવીય સંવેદનાસ્પર્શી અભિગમ દાખવી રાજ્યની જેલોમાં સારો વ્યવહાર અને વર્તણૂક રાખનાર કેદીઓ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા દાખવવામાં આવેલા આ માનવીય અભિગમ થકી સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ વધુ 86 કેદીઓ જેલમુક્ત થશે. રાજ્યની જેલોમાં સારો વ્યવહાર-વર્તણૂક રાખનાર પાત્રતા ધરાવતા કેદીઓને કેદમુક્ત કરવાના આ નિર્ણયથી આ કેદીઓને પોતાના પરિવાર સાથે જીવન જીવવાની નવી તક મળશે.

કુલ 351 કેદીઓને રાજ્ય માફીનો લાભ આપવામાં આવ્યો
ભારત સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આપેલા દિશાનિર્દેશ અનુસાર નિયત કરાયેલી કક્ષાના કેદીઓને રાજ્ય માફી આપવામાં આવી છે. અગાઉ વર્ષ 2023માં 103 કેદીઓ અને વર્ષ 2024માં 248 કેદીઓને કેદ મુકત કરવામાં આવેલા છે. જે પૈકી હાલ 86 કેદીઓ કેદ મુકત કરાયા છે. ગુજરાતમાં આ સાથે વર્ષ-2023 અને 2024 દરમિયાન કુલ 351 કેદીઓને રાજ્ય માફીનો લાભ આપવામાં આવ્યો છે. હવે આ કેદીઓને પોતાના પરિવાર સાથે જીવન જીવવાની નવી તક મળશે.

આ પણ વાંચોઃગુજરાતના 21 પોલીસકર્મીને રાષ્ટ્રપતિ દ્વારા પોલીસ મેડલથી સન્માનિત કરાશે, જુઓ લિસ્ટ

Back to top button