કંગનાના દમદાર અંદાજ અને રોમાંચથી ભરપૂર “ઈમરજન્સી”નું ટ્રેલર રીલીઝ
- ઈમરજન્સીનું ટ્રેલર ખૂબ જ રોમાંચક છે. ટ્રેલરમાં એવું લાગી રહ્યું છે કે કંગના ઈન્દિરા ગાંધીની કહાણીને એક અલગ અંદાજથી સ્ક્રીન પર રજૂ કરવા જઈ રહી છે
14 ઓગસ્ટ, મુંબઈઃ લાંબા સમયથી કંગના રણૌતની ફિલ્મ ઈમરજન્સીની દર્શકોને રાહ હતી. અભિનેત્રીએ ઘણા સમય પહેલા જાહેરાત કરી હતી કે તે ભારતના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનું પાત્ર ભજવતી જોવા મળશે. ભારતમાં લગભગ 1975માં લાગેલી ઈમરજન્સીના કાળા સમયની કહાની કંગના રણૌત પરદા પર ઉતારવા તૈયાર છે.
‘ઇમરજન્સી’ના ટ્રેલરની શરૂઆતમાં કંગના રણૌતની ઈન્દિરા ગાંધીના રૂપમાં એન્ટ્રી થાય છે. તેમના વિશે એવું કહેવાય છે કે જેના હાથમાં સત્તા હોય તેને શાસક કહેવાય. આ પછી તમે ઈન્દિરાના રાજકીય જીવનમાં પ્રવેશ કરશો. તેમના પિતા જવાહરલાલ નેહરુ તેનાથી નારાજ છે કારણ કે પહેલા તે તેમની પાસેથી શીખતી હતી અને હવે તે તેમને શીખવવા માંગે છે. જ્યારે વિપક્ષમાં બેઠેલા લોકોનું કહેવું છે કે ‘ગુંગી ગુડિયા’એ તેના પિતાને નીચે પાડીને તેમની ખુરશી છીનવી લીધી છે.
પરિવારમાં કલેશ, વિપક્ષના પ્રશ્નો અને દેશની મુસીબતો વચ્ચે ચારે બાજુથી ફસાયેલી ઈન્દિરાએ પોતાની લાગણીઓ પર કાબૂ રાખવો મુશ્કેલ થઈ રહ્યો છે. તેમનો પાકિસ્તાન સામે યુદ્ધનો નિર્ણય, અટલ બિહારી વાજપેયી અને ફિલ્ડ માર્શલ સામ માણેકશા સાથેની તેમની વાતચીતની ઝલક આ ટ્રેલરમાં જોઈ શકાય છે. ઈન્દિરા ગાંધી તેમના શાસન દરમિયાન કમાલ કરી રહ્યા હતા ત્યારે લોકોએ તેમને ઘેરવાનું શરૂ કરી દીધું. પોતાની સામે આવેલા પડકારો અને પોતાના નિર્ણયોની જાળમાં ખુદને ફસાયેલા જોઈને તેમણે એક પગલું ભર્યું જેને લોકશાહી માટે કલંક કહેવામાં આવે છે.
ટ્રેલરમાં તમે સંજય ગાંધીના પાત્રને પણ જોઈ શકશો. જે ઈન્દિરા રાજની વચ્ચે પોતાના અલગ નિર્ણયો લે છે. સંજય કોર્ટ, ન્યુઝપેપર, પ્રિન્ટિંગ પ્રેસ સહિતની જગ્યાઓને બંધ કરાવે છે. ઈન્દિરા ખુદને કેબિનેટ ગણાવીને એક મોટા નિર્ણય પર સાઈન કરી દે છે. ત્યારે શરૂ થાય છે ઈમરજન્સીનો કાળો સમય, જેણે લોકતંત્રની હત્યા કરી દીધી હતી. જ્યારે ચારેયબાજુ ઈન્દિરા વિરુદ્ધ નફરતનું વાતાવરણ વધવા લાગે છે તો તે કહે છે કે આ દેશથી તેને નફરત સિવાય કશું જ નથી મળ્યું.
ક્યારે રીલીઝ થશે ફિલ્મ?
ઈમરજન્સીનું ટ્રેલર ખૂબ જ રોમાંચક છે. ટ્રેલરમાં એવું લાગી રહ્યું છે કે કંગના ઈન્દિરા ગાંધીની કહાણીને એક અલગ અંદાજથી સ્ક્રીન પર રજૂ કરવા જઈ રહી છે. હવે તે પોતાની ફિલ્મ દ્વારા ઈન્દિરાને મહાન બતાવે છે કે વિલન તરીકે બતાવે છે તે જોવાનું રહ્યું. તેનો લુક અને ડાયલોગ ડિલિવરી ખૂબ જ રસપ્રદ છે. આ ફિલ્મમાં કંગના રણૌત સાથે શ્રેયસ તલપડે, અનુપમ ખેર, મિલિંદ સોમણ, મહિમા ચૌધરી અને અન્ય કલાકારો છે. દિવંગત અભિનેતા સતીશ કૌશિક પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. ‘ઈમર્જન્સી’ 6 સપ્ટેમ્બર 2024ના રોજ રીલીઝ થશે. લાંબા સમયથી બોક્સ ઓફિસ પર દુષ્કાળનો સામનો કરી રહેલી કંગનાને આ ફિલ્મથી નવી શરૂઆત મળશે એવી આશા છે.
આ પણ વાંચોઃ જુનિયર એનટીઆરે પુરું કર્યુ દેવરાનું શૂટિંગ, જાણો ક્યારે થશે રીલીઝ?