પુત્રદા એકાદશી વ્રતનું શું છે મહત્ત્વ? જાણો શુભ મુહૂર્ત
- પુત્રદા એકાદશી સંતાન સુખ આપનાર છે. એવું માનવામાં આવે છે કે જે મહિલાઓ નિઃસંતાન છે તેઓ આ વ્રત કરે તો તેમને સંતાનની પ્રાપ્તિ થાય છે
HD ન્યુઝ ડેસ્કઃ હિન્દુ ધર્મમાં તમામ એકાદશીઓનું પોતાનું આગવું મહત્ત્વ છે. એકાદશીની તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે. એક મહિનામાં બે એકાદશી આવે છે, જેમાંથી એક કૃષ્ણ પક્ષમાં હોય છે અને બીજી શુક્લ પક્ષમાં. 16 ઓગસ્ટના રોજ પુત્રદા એકાદશી છે. આ દિવસે વ્રત, ઉપવાસ અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે.
કેમ કહેવાય છે પુત્રદા એકાદશી?
આ એકાદશી સંતાન સુખ આપનાર છે. એવું માનવામાં આવે છે કે જે મહિલાઓ નિઃસંતાન છે તેઓ આ વ્રત કરે તો તેમને સંતાનની પ્રાપ્તિ થાય છે. ત્યારે અહીં પુત્રદા એકાદશીની તિથિ, શુભ મુહૂર્ત અને મહત્ત્વ જણાવવામાં આવ્યું છે.
શું છે શુભ મુહૂર્ત
પુત્રદા એકાદશીની શરૂઆત 15 ઓગસ્ટના રોજ સવારે 10:25 વાગ્યે થશે અને આ એકાદશી 16 ઓગસ્ટના રોજ સવારે 09:38 વાગ્યે પૂર્ણ થશે. ત્યારે ઉદયાતિથિ અનુસાર, પુત્રદા એકાદશીનું વ્રત 16 ઓગસ્ટ રાખવામાં આવશે. તેમજ વ્રતના પારણા 17 ઓગસ્ટના રોજ સવારે 05:52 વાગ્યાથી લઈને 08:04 વાગ્યા સુધી કરી શકાશે. એવું માનવામાં આવે છે કે પુત્રદા એકાદશીનું વ્રત કરવાથી વાજપેય યજ્ઞ બરાબર પુણ્ય મળે છે. ધર્મશાસ્ત્રો અનુસાર મુખ્ય રીતે પુત્રદા એકાદશીનું વ્રત પુત્રપ્રાપ્તિ માટે રાખવામાં આવે છે. આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની અસીમ કૃપા મળે છે.
વૈદિક પંચાંગ અનુસાર પુત્રદા એકાદશીના દિવસે પ્રીતિ યોગ બની રહ્યો છે. આ યોગ બપોરે 01:13 વાગ્યે બનશે. આ દરમિયાન પૂજા કરવાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને પૂજાનું બમણું ફળ પણ મળે છે.
આટલું ખાસ કરો
- સવારે જલ્દી ઉઠીને નાહી ધોઈને ઘરના મંદિરમાં દીવો કરો
- ભગવાન વિષ્ણુનો ગંગાજળથી અભિષેક કરો.
- ભગવાન વિષ્ણુને પુષ્પ અને તુલસીદળ ચઢાવીને આરતી કરો
- ભગવાનને સાત્વિક વસ્તુઓનો ભોગ લગાવો. સાથે માતા લક્ષ્મીની પણ પૂજા કરો.
- આ દિવસે ભગવાનનું વધુમાં વધુ ધ્યાન ધરો
આ પણ વાંચોઃ 16 ઓગસ્ટથી સૂર્યદેવ આપશે આ રાશિઓને ખુશીઓ, ચમકાવશે કિસ્મત