હિંડનબર્ગ રિપોર્ટ પર મોરિશિયસે આપી પ્રતિક્રિયા, અદાણી ગ્રુપ અને SEBI વિશે આ વાત કહી
- મોરિશિયસે હિંડનબર્ગના રિપોર્ટમાં સેબી ચીફ પર આરોપ મૂકતી વખતે થયેલા પોતાના ઉલ્લેખ પર કરી સ્પષ્ટતા
‘મોરિશિયસમાં શેલ કંપનીઓને મંજૂરી નથી’
હિંડનબર્ગ-સેબી વિવાદના છેલ્લા ટ્રેડિંગ દિવસે મંગળવારે મોરિશિયસના ફાઇનાન્સિયલ સર્વિસીસ કમિશન (FSC) દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં કહેવામાં આવ્યું છે કે, હિંડનબર્ગ રિસર્ચ દ્વારા સેબીના ચેરપર્સન માધબી પુરી બુચ પર લગાવવામાં આવેલા આરોપોમાં જે ઓફશોર ફંડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેની સાથે મોરિશિયસને કોઈ લેવાદેવા નથી. FSCના નિવેદન અનુસાર, તેમણે 10 ઓગસ્ટ, 2024ના રોજ US શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચ દ્વારા પ્રકાશિત એક રિપોર્ટમાં આપવામાં આવેલી માહિતીનું સંજ્ઞાન લીધું છે, જેમાં ‘મોરિશિયસ સ્થિત શેલ કંપનીઓ’ અને દેશને ‘ટેક્સ હેવન’ તરીકે ઓળખવામાં આવ્યા છે.
ઓફશોર ફંડને ન આપવામાં આવ્યું લાઇસન્સ
અહેવાલ મુજબ, FSCએ જણાવ્યું છે કે, સેબી ચીફ પરના હિંડનબર્ગના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આઈપીઈ પ્લસ ફંડ (IPE +)એ મોરિશિયસનું એક નાનું ઓફશોર ફંડ છે અને IPE પ્લસ ફંડ-1નું રજીસ્ટ્રેશન ફક્ત મોરિશિયસમાં જ છે. પરંતુ અમે એ સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે આઈપીઈ પ્લસ ફંડ અને આઈપીઈ પ્લસ ફંડ-1 મોરિશિયસ સાથે જોડાયેલા નથી અને દેશમાં તેને કોઈ લાઇસન્સ આપવામાં આવ્યું નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મોરિશિયસમાં વૈશ્વિક બિઝનેસ કંપનીઓ માટે મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે. અહીં FSC પાસેથી લાયસન્સ મેળવનારી તમામ કંપનીઓએ નાણાકીય સેવા આયોગ અધિનિયમની કલમ 71 હેઠળ તમામ નિયમોનું પાલન કરવું પડે છે અને તેમનું સતત નિરીક્ષણ કરવામાં આવે છે.
હિંડનબર્ગે સેબી ચીફ પર આ લગાવ્યા છે આરોપો
હિંડનબર્ગ દ્વારા શનિવારે જાહેર કરાયેલા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, વ્હિસલબ્લોઅર દસ્તાવેજો દર્શાવે છે કે માધબી બુચ અને તેના પતિ ધવલ બુચે 5 જૂન, 2015ના રોજ સિંગાપોરમાં IPE પ્લસ ફંડ 1 સાથે તેમનું ખાતું ખોલાવ્યું હતું. જેમાં દંપતીનું કુલ રોકાણ 10 મિલિયન ડોલર હોવાનો અંદાજ છે. હિંડનબર્ગે આક્ષેપ કર્યો હતો કે, ઓફશોર મોરિશિયસ ફંડની સ્થાપના ઈન્ડિયા ઈન્ફોલાઈનના માધ્યમથી અદાણી ગ્રુપના ડાયરેક્ટર દ્વારા કરવામાં આવી હતી અને તે ટેક્સ હેવન મોરિશિયસમાં રજિસ્ટર્ડ છે.
મોરિશિયસ ટેક્સ હેવન નથી: FSC
ગયા વર્ષે, 24 જાન્યુઆરી, 2023ના રોજ, હિંડનબર્ગે અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી પરના તેમના સંશોધન રિપોર્ટના 18 મહિના પછી સેબી ચીફ અને તેમના પતિ વિરુદ્ધ આ ગંભીર આરોપો મૂક્યા હતા. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, સેબીના ચેરપર્સન માધબી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચે બર્મુડા અને મોરિશિયસના ફંડમાં હિસ્સો લીધો હતો અને આ બે ફંડનો ઉપયોગ ગૌતમ અદાણીના મોટા ભાઈ વિનોદ અદાણીએ પણ કર્યો હતો. પરંતુ હવે, હિંડનબર્ગના આ આક્ષેપોને અવગણીને, મોરિશિયસે સ્પષ્ટ કર્યું છે કે, આ ભંડોળ ત્યાં નથી અને મોરિશિયસને પારદર્શક અધિકારક્ષેત્ર તરીકે માન્યતા આપવામાં આવી છે અને તેને ટેક્સ હેવન કહી શકાય નહીં.
આ પણ જૂઓ: આ છે હિંડનબર્ગનો અસલી ખેલ, પહેલા ખુલાસો, પછી કરે છે ‘શોર્ટ સેલિંગ’થી કમાણી