ગાંધીનગર, 14 ઓગસ્ટ 2024, ચોમાસાની સિઝનમાં નદીઓમાં પાણીની આવક થવા પામી છે. ઉપરવાસમાંથી છોડાઈ રહેલા પાણીને કારણે નદીઓનું જળસ્તર વધી રહ્યું છે. જેના કારણે ડૂબવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. અમદાવાદથી કેટલાક લોકો ગાંધીનગરની સાબરમતી નદીમાં દશામાની મૂર્તિ પધરાવવા માટે આવ્યા હતાં. આ દરમિયાન એક કિશોરી નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ હતી. જેને બચાવવા માટે ચાર લોકો નદીમાં કૂદ્યા હતાં. તેઓ પણ નદીમાં ડૂબ્યાં હતાં. આ ઘટનામાં ત્રણ લોકોના જીવ ગયા હતાં જ્યારે બે લોકોને સ્થાનિકોએ બચાવી લીધા હતાં.
એક ને બચાવવા જતાં ત્રણ લોકો પાણીમાં ડૂબ્યા
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગાંધીનગરના સેક્ટર 30ની સાબરમતિ નદીમાં દશામાની મૂર્તિ પધરાવવા માટે અમદાવાદથી આવેલા એક પરિવારની બાર વર્ષની દીકરી ઊંડા પરિવારમાં ગરકાવ થઈ ગઈ હતી. તેને બચાવવા માટે એક પછી એક ચાર લોકોએ પાણીમાં કૂદી શોધખોળ કરવાનો પ્રયાસ કર્યો હતો. જે પૈકી અજય વણઝારા અને ભારતીબેન પ્રજાપતિ પણ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયાં હતાં. જ્યારે અન્ય બે વ્યક્તિને સ્થાનિકોએ બચાવી લીધા હતા. બનાવની જાણ થતાં ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે સાબરમતી નદીમાં સર્ચ ઓપરેશન હાથ ધરીને અજય વણઝારા, ભારતીબેન પ્રજાપતિ અને પૂનમ પ્રજાપતિના મૃતદેહને બહાર કાઢ્યો હતો.
તહેવારોની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ
આ બનાવના પગલે પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. દશામાનો તહેવાર બાદ આગામી દિવસોમાં સાતમ-આઠમ સહિતના તહેવારો આવી રહ્યા છે. ત્યારે આ વચ્ચે ત્રણ લોકોના મોત થતાં જ તહેવારોની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ છે. મૃતકોના પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પરિવારજનો હૈયાફાટ રૂદ્દન કરી રહ્યા છે. બીજી તરફ લાશોને પોસ્ટમોર્ટમ અર્થે લઈ જવાઈ છે.હાલમાં પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃગુજરાત: અમદાવાદ, ગાંધીનગર માટે જાણો શું કરી હવામાન વિભાગે વરસાદની આગાહી