દેશનો સૌથી મોટો ઈલેક્ટ્રિક બસ ડેપો! જ્યાં કાર અને સ્કૂટર પણ કરી શકાશે ચાર્જ, જાણો તેના વિશે
- આ ઇલેક્ટ્રિક બસ ડેપો ગ્રાઉન્ડ ફ્લોર સહિત ચાર માળનો બનાવવામાં આવશે, જેમાં એક સાથે 400 ઈલેક્ટ્રીક બસો પાર્ક કરી શકાશે
નવી દિલ્હી, 13 ઓગસ્ટ: દેશની રાજધાની દિલ્હીમાં ભારતનો સૌથી મોટો મલ્ટી-લેવલ ઇલેક્ટ્રિક બસ ડેપો બનાવવામાં આવશે. પાંચ એકરમાં બનનારા આ ડેપોમાં માત્ર ઈલેક્ટ્રિક બસો પાર્ક કરવાની અને જાળવણી કરવાની સુવિધા જ નહીં, પરંતુ સામાન્ય લોકો તેમના ઈલેક્ટ્રિક વાહનો જેવા કે કાર અને સ્કૂટરને પણ ચાર્જ કરી શકશે. વસંત વિહાર વિસ્તારમાં બનનારા આ ડેપોમાં સરકારી કચેરીઓ પણ સ્થાપવામાં આવશે. આ ડેપોની ઇમારત એવી રીતે બનાવવામાં આવશે કે, વાહનોની અવરજવરને કારણે વાઇબ્રેશન ન થાય અને તેમાં ગ્રાઉન્ડ ફ્લોર સહિત ચાર માળ રહેશે તેમ દિલ્હીના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતે જાણકારી આપી છે.
દિલ્હીના પરિવહન મંત્રી આ ડેપો અંગે શું કહ્યું?
દિલ્હીના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતે કહ્યું કે, “અમે વસંત વિહાર વિસ્તારમાં ભારતનો પ્રથમ અને સૌથી મોટો મલ્ટી-લેવલ ઇલેક્ટ્રિક બસ ડેપો બનાવવાની દિશામાં પ્રથમ પગલું ભરી રહ્યા છીએ. એકવાર પૂર્ણ થયા પછી આ અત્યાધુનિક, સ્માર્ટ અને ટકાઉ ઇલેક્ટ્રિક બસ ડેપો ભારતના જાહેર પરિવહન માળખાના ઇતિહાસમાં આધુનિક આઇકન તરીકે ઉભરી આવશે. વસંત વિહાર ઉપરાંત હરિનગર વિસ્તારમાં પણ મલ્ટિ-લેવલ ડેપો બનાવવામાં આવશે. વસંત વિહાર ડેપોમાં એક સાથે 400 ઈલેક્ટ્રિક બસો પાર્ક કરી શકાશે, જ્યારે હરિનગર ડેપોમાં 320 બસોની ક્ષમતા રહેશે.”
દિલ્હીમાં 1970 બસો દોડી રહી છે
દિલ્હીમાં હાલમાં કુલ 1970 ઇલેક્ટ્રિક બસો દોડી રહી છે. જેમાંથી 1570 DTC(દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન) દ્વારા ચલાવવામાં આવી રહી છે, જ્યારે દિલ્હી ઈન્ટીગ્રેટેડ મલ્ટી-મોડલ ટ્રાન્ઝિટ સિસ્ટમ દ્વારા સંચાલિત ક્લસ્ટર બસ સેવાના કાફલામાં 400 ઈલેક્ટ્રિક બસોનો સમાવેશ થાય છે. DTC કુલ 4,536 બસો ચલાવે છે, જેમાં 2,966 CNG બસો અને 1,570 ઈલેક્ટ્રિક બસોનો સમાવેશ થાય છે. જ્યારે દિલ્હી ઇન્ટિગ્રેટેડ મલ્ટી-મોડલ ટ્રાન્ઝિટ સિસ્ટમ દ્વારા સંચાલિત ક્લસ્ટર બસ સેવામાં 3,147 બસોનો સમાવેશ થાય છે, જેમાંથી 2,747 CNG અને 400 ઇલેક્ટ્રિક બસો છે.
ઇલેક્ટ્રિક કાર વધી રહી છે
મંત્રી કૈલાશ ગેહલોતે કહ્યું કે, ઈલેક્ટ્રિક બસ ડેપોમાં ખાનગી ઈલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરવા માટે પણ વિશેષ જગ્યા રહેશે. છેલ્લા બે વર્ષમાં ખાનગી ઇલેક્ટ્રિક કારના વેચાણમાં વધારો થયો છે. 2021માં, રાજધાનીમાં 1,526 ખાનગી ઇલેક્ટ્રિક કારનું વેચાણ થયું હતું. આ આંકડો 2022માં વધીને 3,114 અને 2023માં 5,800 થઈ જશે. કોમર્શિયલ ઇલેક્ટ્રિક કારના વેચાણમાં પણ મોટી વૃદ્ધિ જોવા મળી છે. 2021માં, 426 કોમર્શિયલ ઇલેક્ટ્રિક કાર વેચાઈ હતી, જે 2022માં વધીને 2,515 અને 2023માં 2,453 થઈ ગઈ હતી.
આ પ્રોજેક્ટ PPP મોડલ પર આધારિત
દિલ્હી સરકારના એક વરિષ્ઠ સરકારી અધિકારીના જણાવ્યા મુજબ, ઇલેક્ટ્રિક બસ ડેપો બનાવવાનો પ્રોજેક્ટ જાહેર-ખાનગી ભાગીદારી (Public-Private Partnership-PPP) મોડલ પર આધારિત હશે. આના કેટલાક ભાગનો ઉપયોગ પ્રોપર્ટી ડેવલપમેન્ટ માટે કરવામાં આવશે. જેનો અર્થ એ થયો કે, ચાર્જિંગ સ્ટેશન અને બસોની જાળવણી ઉપરાંત અન્ય પ્રવૃત્તિઓ પણ વસંત વિહાર ડેપોમાં થશે. હરિનગરમાં વિકસાવવામાં આવનાર ઈલેક્ટ્રિક બસ ડેપોમાં રેસ્ટોરાં અને કોમર્શિયલ દુકાનો બનાવવાની પણ યોજના છે.
દિલ્હી સરકાર માત્ર ઈલેક્ટ્રિક વાહનો ખરીદશે
દિલ્હી સરકારે માત્ર ઇલેક્ટ્રિક વાહનો ખરીદવાનો નિર્ણય લીધો છે. તેમના સંચાલન અને જાળવણી માટે મજબૂત માળખાની જરૂર પડશે. બસો ઉપરાંત, દિલ્હી સરકાર માત્ર અન્ય સત્તાવાર હેતુઓ માટે EVsનો ઉપયોગ કરવાની શક્યતા પણ શોધી રહી છે.
આ પણ જૂઓ: BSNL 5G ને લઈને મોટું અપડેટ, બધા ગ્રાહકોને જલ્દી જ મળશે હાઈ સ્પીડ ડેટાની સુવિધા