ડૉકટરોની હડતાલ યથાવત; આજથી OPD બંધ; કોલકત્તા રેપ-મર્ડર કેસ પછી રસ્તા પર ઉતર્યા તબીબ
કોલકત્તા- 13 ઓગસ્ટ : કોલકત્તામાં વર્કપ્લેસ પર ટ્રેઇની ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના મામલે આજે પણ દેશવ્યાપી હડતાળ યથાવત છે. તબીબોએ સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા પાસેથી આ મામલાની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિએશન્સ (FAIMA) દ્ધારા આજે (13 ઓગસ્ટ)થી દેશવ્યાપી વિરોધ , હડતાલ અને OPD તથા વૈકલ્પિક સેવાઓ બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે.
આ ઘટનાથી દેશભરના ડૉકટરો નારાજ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ એવું ફરમાન કર્યું છે કે ‘જો પોલીસ રવિવાર સુધીમાં કેસનો ઉકેલ નહીં લાવે તો આ આખો કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરવામાં આવશે. આ ઘટનાથી દેશભરના તબીબોમાં રોષ જોવા મળી રહ્યો છે. ડૉક્ટરોના આ વિરોધને કારણે દિલ્હી, યુપી, એમપી અને મહારાષ્ટ્રમાં સારવાર સંબંધિત સુવિધાઓ પણ પ્રભાવિત થઈ છે.
એક આરોપીની ધરપકડ કરવામાં આવી
આ દરમિયાન શહેરના પોલીસ કમિશ્નર વિનીત ગોયલે જણાવ્યું હતું કે આ મામલે તપાસ હજી પણ ચાલુ છે. તેમણે જણાવ્યું હતું કે પોલીસને આ કેસમાં મહત્ત્વની કડીઓ મળી છે. જે એવું બતાવે છે કે આ ગુનામાં સંજય એકલો ન હતો. કોલકાતાના પોલીસ કમિશ્નર વિનીત ગોયલે જણાવ્યું હતું કે મહિલા ડોક્ટરના રેપ અને મર્ડરના કેસમાં એક આરોપી સંજય રોયની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય લોકોની શોધખોળ ચાલું છે જેનો આ ઘટના સાથે સંબંધ છે. તેમણે જણાવ્યું હતું કે અમે એક હેલ્પલાઇન નંબર પણ ચાલુ કર્યો છે, જો ડોક્ટરોને કોઈના પર પણ શંકા હોય તો તે ગુપ્તરીતે જાણકારી આપી શકે છે. અમે બધા પીડિતના કુટુંબના સંપર્કમાં છીએ.
આરોપીઓને જલદી જ પકડી લઈશું : કોલકાતા પોલીસ
કોલકાતા પોલીસે જણાવ્યું હતું કે અમને વિશ્વાસ છે કે જે લોકો આ મામલામાં સામેલ છે અમે તેમને આગામી ચારથી પાંચ દિવસમાં પકડી લઇશું. આમ છતાં પીડિતના પરિવારને સંતોષ નહીં થાય તો સીએમ મમતા બેનરજીએ સીબીઆઇને તપાસ સોંપવાની વાત પણ જણાવી છે. પોલીસે જણાવ્યું હતું કે હત્યાંકાંડનો મુખ્ય આરોપી સંજય રોય હોસ્પિટલનો કર્મચારી ન હતો, પણ તે છાશવારે હોસ્પિટલના સંકુલમાં આવતો હતો. તે કોલકાતા પોલીસ સાથે વોલન્ટિયર તરીકે કામ કરતો હતો. આ એક પ્રકારનો કોન્ટ્રાક્ટ હોય છે, તેમા તે ટ્રાફિક વ્યવસ્થા અને કુદરતી હોનારતો સહિત જુદા-જુદા કાર્યોમાં પોલીસની મદદ કરતો હતો અને આ બદલ તેને મહિને રૂ. 12,000 સેલેરી પણ મળતી હતી.
આ પણ વાંચો : અમદાવાદના આ વિસ્તારમાં મકાનોના 33 કરોડ ઉઘરાવી હાઉસિંગ બોર્ડે વ્યાજ ખાધું