યુવાનો ભારતને દરેક ક્ષેત્રમાં વિકસિત, પ્રથમ અને આત્મનિર્ભર બનાવી શકે છેઃડૉ. જીગર ઈનામદાર

- સુરત સ્થિત ઓરો યુનિર્વસિટીમાં ત્રીદિવસીય ગુજરાત યંગ થિંકર્સ મીટ યોજાઈ
સુરત 12 ઓગસ્ટ 2024 : ‘ગુજરાત યંગ થિંકર્સ મીટ’ના સ્વપ્નદ્રષ્ટા એવા ડૉ. જીગર ઈનામદારે યુવાનોને સંબોધતા કહ્યું કે, પ્રધાનમંત્રીશ્રી કહે છે તે પ્રમાણે ‘વિકસિત ભારતનો સંકલ્પ એ માત્ર એક શબ્દ નથી, પરંતુ દેશના કરોડો ગરીબ લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવાનો પવિત્ર વિચાર છે.’ રાષ્ટ્રને દરેક ક્ષેત્રમાં વિશ્વમાં પ્રથમ સ્થાને લઈ જવામાં આજનો યુવા મોટી ભૂમિકા અદા કરી શકે છે. ભારતને દરેક ક્ષેત્રમાં વિકસિત, પ્રથમ અને આત્મનિર્ભર બનાવી શકવાની ક્ષમતા યુવાપેઢીમાં છે. સ્વતંત્રતાના અમૃત મહોત્સવ દરમિયાન પ્રધાનમંત્રીશ્રીએ ત્રણ ઉદ્દેશ્યો દેશવાસીઓ સમક્ષ રજૂ કર્યા હતા. સૌપ્રથમ સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરવા અને યુવાનોને આઝાદીના ઈતિહાસ સાથે જોડવા. બીજો ઉદ્દેશ્ય છેલ્લા વર્ષમાં દેશે કરેલી સિદ્ધિઓ પર ગર્વ અનુભવવાનો અને તેમાંથી પ્રેરણા લઈને આગળ વધવાનો હતો. ત્રીજો ઉદ્દેશ્ય ભારતના સમૃદ્ધ વારસાને જાળવી રાખવાનો અને તેના પર ગર્વ અનુભવવાનો હતો. વિકસિત ભારત એટલે સુરક્ષિત, સમૃદ્ધ, શિક્ષિત ભારત જે સમગ્ર વિશ્વ માટે તમામ ક્ષેત્રે માર્ગદર્શક બની રહે.
તેમણે કહ્યું કે, 2047માં એક વિકસિત અને આત્મનિર્ભર ભારત સમગ્ર વિશ્વનું નેતૃત્વ કરશે.”સામાજિક પરિવર્તન લાવવા અને લોકશાહી જીવનમાં યોગદાન આપવા માટે, આપણે સામૂહિક વિચારસરણી અને સામૂહિક શિક્ષણના આધારે સહ-નિર્માણમાં જોડાઈ જઈએ. યંગ થિંકર્સ મીટમાં ઉપસ્થિતિ યુવાનોને હાંકલ કરતા ડૉ. જીગર ઈનામદારે કહ્યું કે, પ્રત્યેક યુવાને વિકસિત ભારતનું નિર્માણ કરવાનો સંકલ્પ લઈને ભારતની વિકાસ યાત્રામાં જોડાવવું જોઈએ, આ સંકલ્પ આપણે સૌએ લેવાનો છે. પ્રત્યેક ક્ષેત્રમાં રાષ્ટ્ર પ્રથમ માટે આપણે બધાએ સાથે મળીને કામ કરવું પડશે. દેશની આઝાદી માટે સર્વસ્વ બલિદાન આપનારાઓના સપનાના ભારતનું નિર્માણ કરવાની જવાબદારી આપણી છે.
ઈન્ડિયા ફાઉન્ડેશન, સમન્વય પ્રતિષ્ઠાન દ્વારા સુરત સ્થિત ઓરો યુનિર્વસિટીમાં ત્રી-દિવસીય ગુજરાત યંગ થિંકર્સ મીટ યોજાઈ હતી. દર વર્ષે આયોજિત થતી આ મીટમાં દેશ અને રાજ્યના વિભિન્ન જિલ્લામાંથી યુવાનો હાજર રહ્યા હતા. વિવિધ ક્ષેત્રોના યુવા-રાષ્ટ્રવાદી દિમાગને એક પ્લેટફોર્મ પુરુ પાડી રાષ્ટ્ર પ્રથમની ભાવનાને લઈને કાર્ય કરી રહેલા યુવાનોએ આ મીટમાં પોતાના વિચારો રજૂ કર્યા હતા. યંગ થિંકર્સ મીટએ ન્યૂ ઈન્ડિયાના વિચારથી પ્રેરિત વ્યક્તિઓ (મોટે ભાગે 35 વર્ષથી ઓછી ઉંમરના) માટે ઈન્ડિયા ફાઉન્ડેશન, નવી દિલ્હી સ્થિત થિંક ટેન્ક છે. YTM વિવિધ ક્ષેત્રોની વ્યક્તિઓનો સમાવેશ કરે છે જેઓ રાજ્યના વિવિધ ભાગોમાંથી આવે છે અને જીવનના અનન્ય અનુભવો અને કૌશલ્યો ધરાવે છે. YTMમાં સામાજિક કાર્યકરો, રાજકીય કાર્યકરો, એનજીઓ કાર્યકરો, શિક્ષણવિદો, પત્રકારો, વૈજ્ઞાનિકો, કોર્પોરેટ વ્યાવસાયિકો અને પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ, અધ્યાપકો સમાવિષ્ટ છે. આ મીટમાં વિસરાતા વ્યવહાર, સામાજિક અને પારિવારિક વ્યવસ્થા, વિસરાતી શિક્ષણ વ્યવસ્થા, વિસરાતી સ્વ-વિકાસ વ્યવસ્થા, વિસરાતી અર્થવ્યવસ્થા, વિસરાતી પર્યાવરણીય અને કૃષિ વ્યવસ્થા, વિસરાતા તહેવારો અને ધર્મ વ્યવસ્થા વિસરાતી રમતો સહિત સમકાલીન મુદ્દાઓ ઉપર વિશેષજ્ઞો દ્વારા ચર્ચા-વિચારણા અને માર્ગદર્શન યુવાનોને આપવામાં આવ્યું હતુ.
આ પણ વાંચો : ભારતી એન્ટરપ્રાઇઝ યુકેના બ્રિટિશ ટેલિકોમ ગ્રુપમાં 24.5% હિસ્સો ખરીદશે