અમદાવાદગુજરાત

અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજના રેસિડેન્સ ડોક્ટરોએ કેમ હડતાળની ચીમકી ઉચ્ચારી

અમદાવાદ, 12 ઓગસ્ટ 2024, પશ્ચિમ બંગાળમાં હોસ્પિટલ ખાતે મહિલા ટ્રેઈની તબીબ સાથે દુષ્કર્મ બાદ મર્ડરની ઘટનાના પડઘા દેશભરમાં પડી રહ્યા છે.ત્યારે અમદાવાદમાં બી.જે. મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા આજે આ ઘટનાના વિરોધમાં કાળી પટ્ટી બાંધીને વિરોધ નોંધાવ્યો હતો. સરકાર પાસેથી ડોક્ટરોના રક્ષણ માટે બિલ પાસ કરવાની માંગ કરવામાં આવી છે. બી.જે. મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટરોએ તેમની માંગ નહીં સંતોષાય તો આગામી દિવસોમાં હડતાળ કરવામાં આવશે એવી ચીમકી પણ ઉચ્ચારી છે.

કોલકાતાની ઘટનાનો વિરોધ કરી આવેદનપત્ર આપ્યું
અમદાવાદમાં આજે બી.જે. મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા કોલેજના ડીન ડૉ. હંસા ગોસ્વામીને તથા સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર રાકેશ જોશીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેમાં બી.જે. મેડિકલ કોલેજમાં હાલમાં જે સિક્યુરિટી છે તેમાં હજુ પણ વધારો કરવામાં આવે તથા ડોક્ટર્સના રક્ષણ માટે એક બિલ પાસ કરવામાં આવે. બી.જે. મેડિકલ કોલેજમાં જુનિયર ડોક્ટરના પ્રમુખ ધવલ ગામેતીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે,કોલકાતામાં જે તબીબ સાથે ઘટના બની છે, તે બી.જે. મેડિકલ અથવા તો દેશની કોઈપણ મેડિકલ કોલેજમાં આ ઘટના ન બને તે માટે સુરક્ષામાં વધારો કરવાની માંગ કરવામાં આવી છે. કોલકાતાની ઘટના બાદ અમે બી. જે. મેડિકલ કોલેજમાં ડીન મેડમ પાસે આવેદનપત્ર લઈને પહોંચ્યા છીએ અને તેમાં ચોક્કસ કડકમાં કડક પગલાં લેવાય તે માટે માંગ કરવામાં આવી છે.

હડતાળ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી
બી.જે. મેડિકલ કોલેજની અન્ય મહિલા પ્રેસિડેન્ટ ડોક્ટર ઊર્મિ લાડપરાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, કોલકાતામાં ટ્રેઈની મહિલા તબીબ સાથે દુષ્કર્મ બાદ તેનું મર્ડર કરવામાં આવ્યું છે. આ એક દર્દનાથ ઘટના છે. ફક્ત તબીબ જ નહીં પરંતુ, દેશની કોઈપણ દીકરી સાથે આ પ્રકારનું વર્તન ન થવું જોઈએ. તબીબોના રક્ષણ માટે સરકાર દ્વારા અલગ બિલ બનાવવામાં આવે એવી માંગણી સાથે આજે કાળી રીબીન બાંધીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. કોલકાતાની ઘટના બાદ અમદાવાદની બી. જે. મેડિકલ કોલેજમાં જે સિક્યુરિટી છે, તેમાં વધારો કરવાની માંગ રેસીડેન્ટ ડોક્ટર દ્વારા કરવામાં આવી છે તથા આગામી દિવસોમાં સરકાર સમક્ષ માંગણી ન સંતોષાય તો હડતાળ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

આ પણ વાંચોઃકૉફી આઉટલેટના મહિલા વોશરૂમમાં હિડન કેમેરો, આરોપીની ધરપકડ

Back to top button