ટ્રેન્ડિંગધર્મલાઈફસ્ટાઈલ

શ્રાવણ મહિનામાં ઉપવાસ કે એકટાણાં કેમ કરાય છે? ઋષિમુનિઓએ જણાવ્યું છે મહત્ત્વ

  • જે વ્યક્તિ આખા મહિનાના ઉપવાસ કે એકટાણાં ન કરી શકે તે સોમવાર તો કરતી જ હોય છે. સોમવારના દિવસે એક ઉપવાસ કે એકટાણું કરવું પણ સારી બાબત છે

HD ન્યુઝ ડેસ્કઃ હિંદુ ધર્મ અનુસાર શ્રાવણ મહિનામાં ઉપવાસ, ફળાહાર કે એકટાણાં કરવામાં આવે છે. જે વ્યક્તિ આખા મહિનાના ઉપવાસ ન કરી શકે તે સોમવાર તો કરતી જ હોય છે. સોમવારના ઉપવાસ દરમિયાન કેટલાક લોકો એકટાણાં કરતા હોય છે. આખા મહિના દરમિયાન શુદ્ધ સાત્વિક આહાર જ લેવામાં આવે છે. આપણા ઋષિમુનિઓએ પણ તેનું મહત્ત્વ જણાવ્યું છે. શા માટે શ્રાવણ માસ દરમિયાન ઉપવાસની પરંપરા છે, તેની સાથે હેલ્થ કઈ રીતે જોડાયેલી છે? શ્રાવણ મહિનામાં સાત્વિક ભોજન જ શા માટે કરવામાં આવે છે?

શ્રાવણમાં ઉપવાસનું શું છે મહત્ત્વ?

આમ જોવા જઈએ તો ઉપવાસ, એકટાણાં અને ફળાહાર પર રહેવા માટે ચોમાસાના ચાર મહિના એટલે કે ચાતુર્માસ અતિ મહત્ત્વના છે. કેમકે આ ઋતુમાં નદી-નાળાનું પાણી દૂષિત હોય છે એટલે પાણીને કારણે તેમજ પેટમાં આચરકૂચર પધરાવવાને કારણે પેટ બગડવાની શક્યતાઓ વધુ રહે છે. આ જ કારણે જૈનોના પર્યુષણ પણ આ જ સમયગાળામાં આવે છે. આ ઋતુમાં ધાર્મિક મહત્ત્વને સાંકળીને ઉપવાસ-એકટાણાંની પરંપરા છેક પ્રાચીન કાળથી ચાલી આવી છે.

શ્રાવણ મહિનામાં એકટાણું કે ઉપવાસ કેમ કરાય છે? ઋષિમુનિઓએ જણાવ્યું છે મહત્ત્વ hum dekhenge news

શા માટે ચોમાસામાં ઉપવાસ કરવો જરૂરી છે?

શ્રાવણ મહિનામાં વરસાદ પડતો હોય છે. આ દરમિયાન અનેક વ્રત પણ આવે છે. આયુર્વેદ અનુસાર આ સિઝનમાં વરસાદને કારણે ખૂબ ઓછા પ્રમાણમાં લીલાં શાકભાજી બજારમાં આવે છે. બીજી તરફ, પાંદડાવાળા કે લીલા શાકભાજીમાં જંતુઓ દેખાવા લાગે છે અને તે ખાવાથી પેટ સંબંધિત સમસ્યાઓ થાય છે. આ સાથે જ આ ઋતુમાં દૂધ પીવાની પણ મનાઈ કરવામાં આવે છે કારણ કે ઘાસ પર જીવજંતુઓ હોય છે. આવી સ્થિતિમાં જ્યારે ગાય ઘાસ ખાય છે, ત્યારે તેનું દૂધ ઝેરી બની જાય છે. એટલા માટે આ ઋતુમાં દૂધવાળી વસ્તુઓ ખાવાની મનાઈ ફરમાવાઈ છે, કેમ કે તેનાથી પેટ બગડવાના ચાન્સ રહે છે.

વરસાદની ઋતુમાં પાચનતંત્ર નબળું પડે છે

વરસાદની ઋતુમાં ગરમીની સાથે ભેજનું પ્રમાણ પણ વધી જાય છે. આ ભેજ પાચનતંત્રને નબળું પાડે છે. સાથે જ તે આંતરડાના આરોગ્યને પણ બગાડી શકે છે. જેના કારણે પેટ અને આંતરડાને લગતી સમસ્યાઓ થાય છે. આ જ કારણ છે કે આ ઋતુમાં પેટમાં ગરબડ, અપચો, એસિડિટી, પેટમાં ભારેપણું અને પેટ ખરાબ થવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

શું છે ઉપવાસ કરવાના ફાયદા?

આયુર્વેદ અનુસાર જો તમે આખો મહિનો ઉપવાસ રાખો છો તો તમારા પાચનતંત્રને રાહત મળે છે. તમે પેટનું ફુલવું, ગેસ, એસિડિટી જેવી તકલીફોથી બચી શકો છો. ઉપવાસ કરવાથી તમારા શરીર પર જામેલી ફેટ ઊર્જામાં પરિવર્તિત થાય છે. તમારું શરીર ડિટોક્સ થાય છે. જો તમે યોગ્ય રીતે ઉપવાસ કરો તો તમે આખું વર્ષ હેલ્ધી રહી શકો છો.

શ્રાવણ મહિનામાં એકટાણું કે ઉપવાસ કેમ કરાય છે? ઋષિમુનિઓએ જણાવ્યું છે મહત્ત્વ hum dekhenge news

શ્રાવણના ઉપવાસ કરતી વખતે રાખો આટલું ધ્યાન

  • જો તમે માત્ર ફળાહાર કરી શકો તો તે બેસ્ટ છે, તેનો લાભ તમને આખું વર્ષ મળશે
  • જો તમે માત્ર ફળ પર ન રહી શકો તો તમારે એકટાણું કરવાનું છે. એકટાણું કરતી વખતે ધ્યાન રાખો કે તમારે ભરપેટ જમવાનું નથી
  • તમારા આહારમાં સાત્વિક વસ્તુઓનો જ સમાવેશ થયેલો હોવો જોઈએ. એકટાણાંમાં પચરંગી વસ્તુઓ ખાવાની મનાઈ છે.
  • હળવો ખોરાક લો. હળવાં શાકભાજી જેમ કે દુધી, ટામેટા, કોળુ, ગલકા, તૂરિયા ખાઈ શકો છો
  • તમારે એક વખત જમીને બીજી વખત ફરાળ ભૂલેચૂકે કરવાનું નથી. તેને તમે ઉપવાસ સાથે ન સાંકળી શકો
  • ફરાળ તમને સારી હેલ્થ આપતું નથી. તે તમારું પેટ સુધારવાને બદલે બગાડી શકે છે
  • ઉપવાસના નામે વિવિધ આઈસક્રીમ, મિલ્ક શેક, ફ્રુટ જ્યુસ પીવાના નથી
  • આખો દિવસ શક્ય હોય તો ગરમ પાણી પીવો, તમે લીંબુ પાણી પણ પી શકો છો
  • રબડી કે રાજગરાની પૂરી જેવી વસ્તુઓને આયુર્વેદમાં અહિતકારી ગણવામાં આવે છે
  • બટાકાની વાનગીઓ ખાવી નહીં, બટાકાને બાફીને થોડા પ્રમાણમાં ખાઈ શકાય, પરંતુ તેને તળીને તમે જાતે તમારી હેલ્થ બગાડો છો
  • સિંગ-ખજૂરના લાડુ, મગફળી, બટાકાની ચિપ્સ, ફરાળી ચેવડો જેવી વસ્તુઓ મેદસ્વીતા વધારે છે અને શરીરની સ્ફૂર્તિ વધવાને બદલે ઘટે છે

આ પણ વાંચોઃ શ્રાવણમાં હેલ્ધી ફાસ્ટિંગ માટે રાખો આ વાતનું ધ્યાન, નહીં થાય નુકસાન

Back to top button