ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

જ્યોર્જ સોરોસ હિંડનબર્ગમાં મુખ્ય રોકાણકાર, કોંગ્રેસ પણ ભારત વિરોધી ટૂલકિટનો ભાગ: ભાજપનો વળતો પ્રહાર

  • હિંડનબર્ગ રિપોર્ટને નકારી કાઢતા ભાજપે તેને દેશની અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડવાનું ષડયંત્ર ગણાવ્યું

નવી દિલ્હી, 12 ઓગસ્ટ: હિંડનબર્ગ રિપોર્ટને નકારી કાઢતા ભાજપે તેને દેશની અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડવાનું ષડયંત્ર ગણાવ્યું છે. બીજેપી નેતા રવિશંકર પ્રસાદે સોમવારે આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરી અને હિંડનબર્ગ રિપોર્ટ પર અમેરિકન બિઝનેસમેન જ્યોર્જ સોરોસ અને વિપક્ષને આડે હાથ લીધા હતા. રવિશંકર પ્રસાદે કહ્યું કે, અમને આશા હતી કે ત્રીજી વખત સત્તાથી દૂર રહ્યા બાદ કોંગ્રેસના લોકો ટુલકીટનો ઉપયોગ નહીં કરે. પરંતુ ચૂંટણીમાં હાર્યા બાદ હવે કોંગ્રેસ પાર્ટી દેશમાં આર્થિક અરાજકતા ફેલાવવા માંગે છે.

 

શેરબજારને હલાવવાનું ષડયંત્ર: રવિશંકર પ્રસાદ

રવિશંકર પ્રસાદે કહ્યું કે, આ રિપોર્ટ ભારતીય શેરબજારને નુકસાન પહોંચાડવાનું ષડયંત્ર છે. તમે જોયું જ હશે કે આ રિપોર્ટ શનિવારે આવ્યો હતો, ત્યારબાદ સોમવારે બજાર ખુલતાની સાથે જ તેની અસર જોવા મળી હતી. સેબીના વડાએ આરોપોનો જવાબ આપ્યો છે, પરંતુ હિંડનબર્ગના લોકો ભારત વિરોધી એજન્ડા ચલાવે છે.

રવિશંકર પ્રસાદે શું કહ્યું?

રવિશંકર પ્રસાદે કહ્યું કે, હિંડનબર્ગના પહેલા રિપોર્ટ બાદ સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. આ અંગે હિંડનબર્ગને નોટિસ પણ મોકલવામાં આવી હતી, પરંતુ આ નોટિસનો જવાબ આપવાને બદલે હિંડનબર્ગે ફરી પાયાવિહોણા આક્ષેપો કર્યા છે. SEBI અને તેના વડાએ પણ આ મામલે સ્પષ્ટતા આપી છે. પરંતુ હજુ પણ સવાલો ઊઠી રહ્યા છે.

જ્યોર્જ સોરોસને ઘેર્યા 

રવિશંકર પ્રસાદે આરોપ લગાવ્યો કે, અમેરિકન બિઝનેસમેન જ્યોર્જ સોરોસ હિંડનબર્ગમાં મુખ્ય રોકાણકાર છે. આ એક ટૂલકીટ ગેંગ છે અને એક ષડયંત્રના ભાગરૂપે પ્રગતિ કરી રહેલી ભારતની અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. શેરબજાર અસ્થિર થઈ રહ્યું છે. તમે જોયું જ હશે કે કેવી રીતે ષડયંત્રના ભાગરૂપે આ રિપોર્ટ શનિવારે આવ્યો, જ્યારે બજાર બંધ હતું. આ રિપોર્ટ પછી સોમવારે બજારમાં શું થયું તે તમે બધાએ જોયું.

કોંગ્રેસ પર કર્યા પ્રહારો 

રવિશંકર પ્રસાદે પણ કોંગ્રેસ પર સવાલો ઉઠાવ્યા હતા. ભાજપના નેતાએ પૂછ્યું કે, કોંગ્રેસ શું ઈચ્છે છે. કોંગ્રેસ ઈચ્છે છે કે, ભારતમાં કોઈ આર્થિક રોકાણ ન થવું જોઈએ. ભારતની પ્રગતિને રોકવા માટે ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ પાર્ટી ભારતને નબળું પાડવા માંગે છે અને ભારતની આર્થિક સ્થિતિ ખરાબ કરવા માંગે છે. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે અમે ભારતને નબળું પડવા દઈશું નહીં.

જ્યોર્જ સોરોસ કોણ છે?

દુનિયામાં રાષ્ટ્રવાદી સરકારોને ઉથલાવી પાડવા માટે કુખ્યાત એવા જ્યોર્જ સોરોસનો જન્મ 12 ઓગસ્ટ, 1930ના રોજ હંગેરીની રાજધાની બુડાપેસ્ટમાં થયો હતો. તેઓ પોતાને ફિલોસોફર અને સામાજિક કાર્યકર ગણાવે છે. જો કે, તેમના પર વિશ્વના ઘણા દેશોની રાજનીતિ અને સમાજને પ્રભાવિત કરવા માટે એજન્ડા ચલાવવાનો આરોપ લાગતો રહે છે. 11 નવેમ્બર, 2003ના રોજ વોશિંગ્ટન પોસ્ટને આપેલા એક ઈન્ટરવ્યુમાં, સોરોસે કહ્યું હતું કે, જ્યોર્જ ડબલ્યુ. બુશને પ્રમુખ પદ પરથી હટાવવા એ તેમના જીવનનો સૌથી મોટો ઉદ્દેશ્ય છે અને આ તેમના માટે ‘જીવન અને મૃત્યુનો પ્રશ્ન’ હતો. સોરોસે કહ્યું હતું કે, જો કોઈ જ્યોર્જ બુશને સત્તા પરથી હટાવવાની ગેરંટી લે છે, તો તે તેની સંપૂર્ણ સંપત્તિ તે વ્યક્તિને નામ કરી દેશે.

તેઓ 1956માં લંડનથી અમેરિકા આવ્યા હતા. અહીં આવીને તેમણે ફાઈનાન્સ અને ઈન્વેસ્ટમેન્ટની દુનિયામાં પ્રવેશ કર્યો અને પોતાનું ભાગ્ય બદલી નાખ્યું. 1973માં તેમણે ‘સોરોસ ફંડ મેનેજમેન્ટ’ શરૂ કર્યું. તેઓ દાવો કરે છે કે, તેમનું ફંડ અમેરિકન ઈતિહાસમાં સૌથી મોટું અને સૌથી સફળ રોકાણકાર છે.

ભારત વિરોધી નિવેદનો માટે પ્રખ્યાત

પ્રખ્યાત હંગેરિયન-અમેરિકન અબજોપતિ જ્યોર્જ સોરોસ હંમેશા પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. તે ધનિક હોવા છતાં ડાબેરી વિચારધારા ધરાવે છે અને દરેક દેશમાં ભાગલાવાદી પરિબળો સત્તામાં આવે એ માટે પ્રયત્નશીલ રહે છે. તે ખાસ કરીને ભારતીય ઉપખંડમાં થઈ રહેલા રાજકીય પરિવર્તનો પર નજર રાખે છે. સોરોસ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભૂતપૂર્વ US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન અને ચીનના પ્રમુખ શી જિનપિંગને એવા નેતાઓ ગણાવે છે જેઓ સતત સત્તામાં રહીને સરમુખત્યારશાહી તરફ આગળ વધી રહ્યા છે.

પીએમ મોદી પર ઉઠાવ્યા હતા સવાલ 

જ્યોર્જ સોરોસે ભારતમાં નાગરિકતા સંશોધન કાયદા અને કાશ્મીરમાંથી આર્ટીકલ 370 હટાવવા અંગે પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. સોરોસે આરોપ લગાવ્યો હતો કે, ભારત હિન્દુ રાષ્ટ્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે.

– આ વર્ષે જાન્યુઆરીમાં જ્યારે હિંડનબર્ગને અદાણી ગ્રૂપ વિશે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે પણ સોરોસે હિંડનબર્ગ જેવી ભારત વિરોધી સંસ્થાનો પક્ષ લીધો હતો. જ્યોર્જ સોરોસે અદાણી મુદ્દાના બહાને ફરી પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. સોરોસે દાવો કર્યો હતો કે, અદાણીના મુદ્દા પર ભારતમાં લોકતાંત્રિક પરિવર્તન આવશે.

– તાજેતરમાં જ્યોર્જ સોરોસે મ્યુનિક સિક્યોરિટી કોન્ફરન્સમાં કહ્યું હતું કે, ભારત એક લોકતાંત્રિક દેશ છે, પરંતુ નરેન્દ્ર મોદી લોકતાંત્રિક નથી. મૂળભૂત રીતે ભારત વિરોધી માનસિકતા ધરાવતા સોરોસના મતે PM મોદીના ઝડપથી મોટા નેતા બનવા પાછળનું મુખ્ય કારણ મુસ્લિમો સામેની હિંસા છે.

આ પણ જૂઓ: હિંડનબર્ગને જોરદાર લપડાકઃ ભારતીય રોકાણકારો વધારે સમજદાર નીકળ્યા

Back to top button