ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કોલકાતામાં મહિલા ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં દેશમાં તબીબોની હડતાળ

  • દેશભરના લગભગ ત્રણ લાખ ડોક્ટરો આજથી અનિશ્ચિત મુદત સુધી હડતાલ પર: રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન

કોલકાતા, 12 ઓગસ્ટ: પશ્ચિમ બંગાળના કોલકાતામાં રાજ્ય સરકાર દ્વારા સંચાલિત RG કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પ્રિન્સિપાલ સંદીપ ઘોષે આજે સોમવારે રાજીનામું આપી દીધું છે અને આઉટડોર કાઉન્ટર બંધ રાખવામાં આવ્યું છે, જેના કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મેડિકલ કોલેજમાં મહિલા ડોક્ટરની હત્યા કરવામાં આવી હતી. હત્યા પહેલા મહિલા પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યો હતો. આ ઘટના બાદ દેશભરમાં દેખાવો થઈ રહ્યા છે અને ડોક્ટર એસોસિએશન ન્યાયની માંગ કરી રહ્યા છે. શરૂઆતમાં RG કર મેડિકલ કોલેજના ડોક્ટરોએ વિરોધ પ્રદર્શનો શરૂ કર્યા હતા. આ પછી દિલ્હી એઈમ્સ સહિત દેશભરના અન્ય સ્થળો પરના ડૉક્ટરો પણ આ હડતાલમાં જોડાયા છે તેમજ જમ્મુ કાશ્મીર અને લખનઉના ડૉકટરો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે.

 

પોલીસે આ કેસમાં તપાસ પૂર્ણ કરી આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પોલીસ પોસ્ટમોર્ટમના અંતિમ રિપોર્ટની રાહ જોઈ રહી છે. રિપોર્ટ આવ્યા બાદ આરોપીઓ સામે સુનાવણી શરૂ થશે. ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન (FORDA) અનુસાર, દેશભરના લગભગ ત્રણ લાખ ડોક્ટરો આજથી અનિશ્ચિત મુદત સુધી હડતાલ પર છે.

દિલ્હીમાં ડોકટરો હડતાલ પર ઉતાર્યા  

દેશની સૌથી મોટી હોસ્પિટલ દિલ્હી AIIMSમાં ડોક્ટરો હડતાલ પર ઉતાર્યા છે. રવિવારે સાંજે AIIMS હોસ્પિટલના કેમ્પસમાં RDA ડોક્ટરો દ્વારા કેન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી. આ ઉપરાંત સફદરજંગની રામ મનોહર લોહિયા(RML) હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરો પણ હડતાલ પર ઉતરી ગયા છે. OPDમાં રેસિડેન્ટ ડોક્ટરે તેમની સેવાઓ બંધ કરી દીધી છે. જોકે, ઈમરજન્સી સેવાઓ ચાલુ છે. ડોક્ટરોની માંગ છે કે, આ સમગ્ર મામલાની સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવે. દેશભરની હોસ્પિટલોમાં ડોક્ટરોની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ. જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

 

આ ઉપરાંત દિલ્હીની લેડી હાર્ડિન્ગ મેડિકલ કોલેજ, કલાવતી ચિલ્ડ્રન્સ હોસ્પિટલ, સુચેતા કૃપાલાની હોસ્પિટલ, સફદરજંગ હોસ્પિટલ, રામ મનોહર લોહિયા હોસ્પિટલ, મૌલાના આઝાદ મેડિકલ કોલેજ સંબંધિત લોકનાયક હોસ્પિટલ, જીબી પંત, દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલ સહિત અન્ય ઘણી સરકારી હોસ્પિટલોએ પણ ઓપીડી સેવાઓ, વૈકલ્પિક સર્જરી અને લેબમાં કામ બંધ છે.

 

પારદર્શક રીતે તપાસની માંગ

ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન (FORDA)ના વાઇસ પ્રેસિડેન્ટ ડૉ. શારદા પ્રસાદે જણાવ્યું હતું કે, FORDAએ ઘટનાના વિરોધમાં દેશવ્યાપી હડતાલની જાહેરાત કરી છે. અમે ઇચ્છીએ છીએ કે કોલકાતાની RG કર હોસ્પિટલમાં તપાસ પારદર્શક રીતે થાય. બાકીના આરોપીઓને જલ્દીથી પકડાવા જોઈએ અને આરોપીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)એ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ડોક્ટરની હત્યાની નિંદા કરી છે. IMAએ કહ્યું છે કે, આ મામલાની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને દોષિતોને સજા મળવી જોઈએ. આ ઉપરાંત ઘટનાના કારણોની પણ તપાસ થવી જોઈએ અને તબીબોની સલામતી સુધારવા માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ.

કોલકાતાના પોલીસ કમિશનર વિનીત કુમાર ગોયલને કોલકાતાની સરકારી હોસ્પિટલમાં પોસ્ટ ગ્રેજ્યુએટ તાલીમાર્થી મહિલા ડૉક્ટર સાથે બળાત્કાર અને હત્યાના કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા છે. વિનીત કુમાર ગોયલે રવિવારે જણાવ્યું હતું કે, “જોઈન્ટ CP ક્રાઈમ મૃતકના પરિવારને પણ મળ્યા છે. આજે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ પરિવારના સભ્યોને સોંપવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ પણ આપવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ કોઈપણ સમસ્યા અંગે કોઈપણ સમયે અમારો સંપર્ક કરી શકે છે. વિદ્યાર્થીઓને અપીલ છે કે, તેમની પાસે કોઈ માહિતી હોય તો કૃપા કરીને અમારી સાથે શેર કરે. પોલીસ પ્રશાસન સંપૂર્ણ સહકાર આપી રહ્યું છે. તેઓ કોઈપણ સમસ્યા અંગે કોઈપણ ખચકાટ વિના અમને મળી શકે છે અને તેમના વિચારો વ્યક્ત કરવા માટે સ્વતંત્ર છે. વિદ્યાર્થીઓએ માંગ કરી હતી કે ઘટનાની રાત્રે ફરજ પર રહેલા સહાયક પોલીસ કમિશનર ચંદન ગુહાને હટાવવામાં આવે, તેથી અમે તેમને હટાવ્યા છે. તેઓ તેમના વિરોધને ક્યારે સમાપ્ત કરશે તે વિદ્યાર્થીઓ પર નિર્ભર છે.”

એઈમ્સમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશનના પ્રમુખ ડૉ. ઈન્દ્ર શેખરે કહ્યું કે, અમે તપાસથી સંતુષ્ટ નથી. વિરોધમાં સામેલ ઘણા ડોક્ટરોએ પણ CBI તપાસની માંગ કરી છે. બીજી તરફ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આરોપીઓને ફાંસીની સજા અને CBI તપાસની વાત કરી છે.

આ પણ જૂઓ: કેદની સજા પામેલા બાંગ્લાદેશના વચગાળાના વડાપ્રધાન હવે ભ્રષ્ટાચારના આરોપોમાંથી મુક્ત!

Back to top button