મુંબઈ, 12 ઓગસ્ટ, 2024: ભારત અને ભારતના અર્થતંત્રને નુકસાન પહોંચાડવાનો હિંડનબર્ગનો કુસ્તિત પ્રયાસ ઊંધા માથે પટકાયો છે. શનિવારે એક ઉપજાવી કાઢેલો રિપોર્ટ જારી કરીને હિંડનબર્ગે અદાણી જૂથ અને સેબીનાં ચેરમેન વચ્ચે સાંઠગાંઠ હોવાનો આક્ષેપ કરવા પ્રયાસ કર્યો હતો. હિંડનબર્ગનો ઈરાદો ભારતીય શૅર બજારમાં અફરાતફરી સર્જીને દેશના અર્થતંત્રને નુકસાન પહોંચડાવાનો હતો, પરંતુ સોમવારે ભારતીય બજારોમાં કોઈ મોટાપાયે ઊથલપાથલ જોવા મળી નથી.
અમેરિકી શોર્ટ સેલર કંપની હિંડનબર્ગના શનિવારના રિપોર્ટ પછી સોમવારે ભારતીય બજારો લાલ નિશાનમાં ઓપન તો થયા પરંતુ થોડા સમયમાં જ બજારમાં સ્થિરતા આવી ગઈ અને પ્રારંભમાં 375 અંક પટકાયેલો સેન્સેક્સ 11.15 વાગ્યે 266ના ઉછાળ સાથે ગ્રીન ઝોનમાં આવી ગયો. એટલું જ નહીં પરંતુ બપોરે 12.00 વાગ્યે સેન્સેક્સ 211 અંક ઉછાળ સાથે 79,917ના સૂચકાંકને આંબી ગયો હતો.
ટૂંકી દૃષ્ટિ ધરાવતી શોર્ટ સેલર કંપની હિંડનબર્ગે શનિવારે તેનો કથિત રિપોર્ટ જારી કર્યો ત્યારબાદ અદાણી જૂથ તેમજ સેબીનાં ચેરમેન માધવી બુચ પૂરીએ પણ તેમની સમક્ષ થયેલા આક્ષેપોનો જોરદાર રદિયો આપ્યો હતો. માધવી બુચે તો હિંડનબર્ગ ઉપર વળતો આક્ષેપ કર્યો કે, સેબીએ ગયા વર્ષના આક્ષેપોનો ખુલાસો કરવા હિંડનબર્ગને શોકૉઝ નોટિસ આપેલી છે તેનો જવાબ અમેરિકી કંપની આપતી નથી અને હવે એવા આક્ષેપ દ્વારા મારી અંગત અને સેબીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા માગે છે જેને અદાણી જૂથ સાથે સીધી કોઈ લેવાદેવા નથી.
વાંચો અહીં… હિંડનબર્ગના નવા રિપોર્ટને અદાણી જૂથ અને સેબી ચેરમેને પાયાવિહીન ગણાવ્યો
અહીં ખાસ નોંધપાત્ર છે કે, હિંડનબર્ગે તેનો કથિત રિપોર્ટ જારી કર્યા બાદ કોંગ્રેસ પક્ષ પણ કંઈક અસાધારણ રીતે સક્રિય થઈ ગયો હતો અને અદાણી, સેબીની સાથે સાથે મોદી ઉપર પણ પ્રહારો કર્યા હતા. કોંગ્રેસના રાહુલ ગાંધીએ તો વિશેષ વીડિયો જારી કરીને ભારતીય શૅર બજાર ઉપર આશંકા વ્યક્ત કરીને રોકાણકારોમાં ભય ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. રાહુલ ગાંધીએ એ વીડિયોમાં કહ્યું હતું કે, સેબીની કામગીરી શંકાસ્પદ છે અને રોકાણકારો માટે નુકસાનકારક છે.
જોકે, આ બધા વચ્ચે ભારતીય રોકાણકારો વધારે સમજદાર નીકળ્યા છે અને હિંડનબર્ગ તેમજ રાજકીય પક્ષો દ્વારા દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડવાના પ્રયાસોને ઓળખી ગયા હોય એવું શૅર બજારના આજના વલણથી સ્પષ્ટ થાય છે. એટલું જ નહીં પરંતુ વિદેશી રોકાણકારોએ પણ હિંડનબર્ગ તેમજ રાજકીય નેતાઓની વાતોને ધ્યાનમાં લીધી હોય એવું લાગતું નથી.
આ પણ વાંચોઃ SEBIમાં જોડાયા પહેલાં તમામ રોકાણ છે : બુચ દંપતીએ કર્યો ખુલાસો