નેશનલ

સોશિયલ મીડિયા પર કરાયેલી જાતિ વિષયક ટિપ્પણી પણ SC/ST એક્ટ અંતર્ગત ગણાશે

Text To Speech

હવે સોશિયલ મીડિયા પર પણ જાતિવિષયક કોમેન્ટ કરવી મુશ્કેલ થઈ શકે છે. હાલમાં કેરળ હાઈકોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન SC/ST એક્ટ મામલે મહત્વનો આદેશ આપ્યો છે. કોર્ટે જણાવ્યું હતું કે, અનુસૂચિત જાતિ-અનુસૂચિત જનજાતિની કોઈ વ્યક્તિ વિરૂદ્ધ ઓનલાઈન, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર અપમાનજનક ટિપ્પણી કરવામાં આવશે તો તેને પણ SC/ST અંતર્ગત આવરી લેવામાં આવશે.

શું છે સમગ્ર કેસ ?

એક યુટ્યુબરે ઈન્ટરવ્યુ દરમિયાન એસટી સમુદાયના એક મહિલા વિરૂદ્ધ કથિતરૂપે અપમાનજનક ટિપ્પણી કરી હતી. બાદમાં તે ઈન્ટરવ્યુને સોશિયલ મીડિયા પર પણ અપલોડ કરવામાં આવ્યો હતો. તે યુટ્યુબરે ધરપકડના ડરથી આગોતરા જામીનની માગણી સાથે કોર્ટના બારણે ટકોરા માર્યા હતા. આરોપી દ્વારા એવો તર્ક રજૂ કરવામાં આવ્યો હતો કે, પીડિતા ઈન્ટરવ્યુ દરમિયાન ઉપસ્થિત નહોતી માટે આ કેસમાં એસસી/એસટી એક્ટની જોગવાઈઓ ન લાગી શકે. ઉપરાંત એવો પણ તર્ક આપ્યો હતો કે, અપમાનજનક ટિપ્પણી ત્યારે જ માનવી જોઈએ જ્યારે તે પીડિતની ઉપસ્થિતિમાં કરવામાં આવે.

જામીન અરજીનો વિરોધ

પ્રોસિક્યુટર્સે યુટ્યુબરની જામીન અરજીનો વિરોધ કરીને એવો તર્ક આપ્યો હતો કે, માત્ર પીડિતની ઉપસ્થિતિમાં કરવામાં આવેલી ટિપ્પણીને જ અપમાનજનક ટિપ્પણી માનવી તે અસંગત છે. ડિજિટલ યુગમાં આ પ્રકારની વ્યાખ્યાઓ અપનાવાશે તો તે કાયદેસર રીતે બેઈમાની ગણાશે. પીડિતાના વકીલે જામીન અરજીના વિરોધમાં કહ્યું હતું કે, આરોપીએ જાણીજોઈને સાર્વજનિકરૂપે અનુસૂચિત જનજાતિના સદસ્યનું અપમાન કર્યું હતું.

તમામ પક્ષને સાંભળ્યા બાદ કોર્ટે જણાવ્યું હતું કે, ઈન્ટરવ્યુ જોયા બાદ અનેક જગ્યાએ અપમાનજનક શબ્દોનો ઉપયોગ થયો હોવાનું અનુભવાય છે. આરોપીએ પીડિતાને ‘એસટી’ તરીકે પણ સંદર્ભિત કરી છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે, આરોપી જાણતો હતો કે તેણી અનુસૂચિત જનજાતિની સદસ્ય હતી.

ડિજિટલ યુગમાં ડિજિટલ ઉપસ્થિતિ

કોર્ટે જણાવ્યું કે, ઈન્ટરનેટ યુગ પહેલા જે ઈન્ટરવ્યુ થતાં તેને સીમિત લોકો જોઈ-સાંભળી શકતા હતા પરંતુ હવે એવું નથી રહ્યું. સોશિયલ મીડિયા પર જો કોઈ સામગ્રી અપલોડ કરવામાં આવે છે તો તેને કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે જોઈ-સાંભળી શકે છે. ડિજિટલ યુગમાં કોઈ વ્યક્તિની ઉપસ્થિતિ ઓનલાઈન કે ડિજિટલ રૂપમાં પણ સ્વીકારાશે. મતલબ કે કોઈ વ્યક્તિ સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવેલા કન્ટેન્ટ સુધી પહોંચે છે તો તે પ્રત્યક્ષ કે રચનાત્મકરૂપે ઉપસ્થિત થયાનું ગણાશે.

Back to top button