Paris Olympics 2024: ભારતે 6 મેડલ સાથે કરી પેરિસ ઓલિમ્પિક્સની સફર પૂરી, 7મા મેડલ અંગે નિર્ણય હજુ બાકી
- પેરિસ ઓલિમ્પિકમાં ભારતની સફર પૂરી થઈ છે. ભારતે પેરિસમાં 6 મેડલ જીત્યા છે, જ્યારે 7માં મેડલ અંગે નિર્ણય આવવાનો બાકી છે
પેરિસ, 11 ઓગસ્ટ: પેરિસ ઓલિમ્પિક્સ 2024 ભારત માટે ખૂબ જ મિશ્રિત રહી હતી. ભારતીય ખેલાડીઓએ કુલ 6 મેડલ જીત્યા છે. આ વર્ષના ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે કુલ 117 ભારતીય ખેલાડીઓ પેરિસ પહોંચ્યા હતા. ભારતના ખાતામાં કુલ 6 મેડલ આવ્યા છે જ્યારે 7મા મેડલ અંગે નિર્ણય આવવાનો હજી બાકી છે. વાસ્તવમાં, વિનેશ ફોગાટને અયોગ્ય જાહેર કર્યા પછી, તેણીએ સિલ્વર મેડલ માટે અપીલ દાખલ કરી હતી, જેનો નિર્ણય આવવાનો બાકી છે. આ રીતે ભારતના ખાતામાં કુલ 7 મેડલ આવી શકે છે.
ભારતે 6માંથી 5 બ્રોન્ઝ અને 1 સિલ્વર મેડલ જીત્યો છે. નીરજ ચોપરાએ જેવલિન થ્રોમાં સિલ્વર મેડલ જીત્યો હતો. જોકે, આ વખતે ભારતના ખાતામાં કોઈ ગોલ્ડ મેડલ આવ્યો નથી. આ પહેલા ભારતે ટોક્યોમાં આયોજિત ઓલિમ્પિકમાં પણ 1 જ ગોલ્ડ મેડલ જીત્યો હતો. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે કુલ 7 મેડલ જીત્યા હતા, જે એક ઓલિમ્પિકમાં ભારતનો સૌથી વધુ મેડલ હતા. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે, મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટના નિર્ણયથી ભારત 7મો મેડલ મેળવે છે કે નહીં.
પેરિસમાં ભારતે કઈ રમતમાં મેડલ જીત્યા?
10 મીટર એર પિસ્તોલ- મનુ ભાકર
ભારતને પેરિસ ઓલિમ્પિકમાં મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સિંગલ ઈવેન્ટમાં તેનો પ્રથમ મેડલ (બ્રોન્ઝ) મળ્યો. મનુ ભાકરે ભારત માટે આ મેડલ જીત્યો હતો. મનુ ભાકરે કુલ બે મેડલ જીત્યા હતા. મનુએ 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં બીજો મેડલ જીત્યો. મનુ 25 મીટર મહિલા પિસ્તોલ સ્પર્ધામાં નિરાશ થઈ હતી, જ્યાં તે ચોથા સ્થાને રહી હતી. આ રીતે મનુ તેનો ત્રીજો મેડલ ચૂકી ગઈ હતી.
10 મીટર એર પિસ્તોલ મિશ્રિત ટીમ- મનુ ભાકર અને સરબજોત સિંહ
ભારતને પેરિસ ઓલિમ્પિકનો બીજો મેડલ 10 મીટર એર પિસ્તોલ મિશ્રિત (બ્રોન્ઝ) ટીમમાં મળ્યો. ભારતને બીજો મેડલ અપાવનાર આ ટીમમાં મનુ ભાકર અને સરબજોત સિંહ સામેલ હતા.
સ્વપ્નિલ કુસલે- 50 મીટર રાઇફલ 3 પી
ભારતને શૂટિંગમાં ત્રીજો મેડલ (બ્રોન્ઝ) પણ મળ્યો. સ્વપ્નીલે 50 મીટર રાઈફલ 3P ઈવેન્ટમાં બ્રોન્ઝ જીત્યો હતો. આ ઈવેન્ટમાં મેડલ જીતનાર સ્વપ્નિલ પ્રથમ ભારતીય બન્યો હતો.
હોકી ટીમ
ભારતીય હોકી ટીમે પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. હોકી ટીમે ભારતના ખાતામાં ચોથો મેડલ ઉમેર્યો હતો. હોકી ટીમે બ્રોન્ઝ મેડલ મેચમાં સ્પેનને 2-1થી હરાવ્યું હતું.
નીરજ ચોપરા- જેવલિન થ્રો
નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિકમાં ભારતને પાંચમો મેડલ અપાવ્યો હતો. નીરજે ભાલા ફેંકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ પહેલા નીરજે ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
અમન સેહરાવત
ભારતના ખાતામાં છઠ્ઠો મેડલ પુરુષ કુસ્તીબાજ અમન સહરવતે જીત્યો હતો. અમને કુસ્તીની 57 કિગ્રા વર્ગમાં બ્રોન્ઝ જીત્યો હતો.
આ પણ વાંચો: વિનેશ ફોગાટના સમર્થનમાં આવ્યો પેરિસ ઓલિમ્પિક 2024નો ગોલ્ડ મેડલિસ્ટ, જાણો શું કહ્યું?