છોટાઉદેપુર, 10 ઓગસ્ટ 2024, ગુજરાતમાં દાંતાની પાન્છા પ્રાથમિક શાળામાં એક શિક્ષક અમેરિકામા સ્થાઈ થયા છે અને સરકારી પ્રાથમિક શાળામાં તેઓ ફરજ પર ચાલુ હોવાની બાબતનો પર્દાફાશ થતાં હવે રાજ્યની અનેક સ્કૂલોમાં આ પ્રકારના દાખલા સામે આવી રહ્યાં છે. પહેલા બનાસકાંઠા, પછી ખેડાના શિક્ષિકા ચાલુ ફરજે વિદેશ જતાં રહ્યા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જ્યારે મહેસાણા જિલ્લામાં 10 જેટલા શિક્ષકો લાંબા સમયથી શાળામાં હાજર નહી હોવાની બાબત પ્રકાશમાં આવી છે.
મહેસાણા જિલ્લામાં 10 જેટલા શિક્ષકોની માહિતી સામે આવી
પ્રાપ્ત વિગતો પ્રમાણે મહેસાણાના કડીની રણછોડપુરા શાળાની શિક્ષિકા કવિતાબેન દાસ ઓગસ્ટ 2023થી શાળામાં હાજર થયા નથી. આ શિક્ષિકા પણ વિદેશ પ્રવાસે હોવાની માહિતી મળી રહી છે.મહેસાણા જિલ્લાની કડી, જોટાણા, વિજાપુર, મહેસાણા, વડનગરના અન્ય 9 શિક્ષકો/શિક્ષિકાઓ પણ લાંબા સમયથી ગેરહાજર હોવાનું સામે આવ્યું છે. જેમાં કેટલાક શિક્ષકો શારીરિક અશક્ત તો કેટલાક વિદેશ જતાં રહ્યા હોવાની માહિતી સામે આવી છે. કેટલાક શિક્ષકોને નોટિસ આપી હોવા છતાં ગેરહાજર છે. ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં આવેલી હાથજની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા સોનલ પરમાર 1 સપ્ટેમ્બર 2023થી ગેરહાજર છે. તેમણે શિક્ષણ વિભાગ પાસેથી કોઈપણ જાતની NOC લીધા વિના અમેરિકા જતા રહ્યા છે અને 1 વર્ષથી હાજર રહ્યા નથી.
શિક્ષણ મંત્રીએ કહ્યું આવી લાલિયાવાડી નહીં ચલાવી લેવાય
શિક્ષણ વિભાગમાં ચાલતી લાલીયાવાડી બાબતે શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોરને મીડિયા દ્વારા આકરા સવાલો કરવામાં આવ્યા હતા.જેના જવાબમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું હતું કે, અમારી પાસે એક શિક્ષકની વાત ધ્યાન પર આવી છે. 32 હજારથી વધુ શાળાઓ પાસેથી આ અંગે રિપોર્ટ મંગાવીશું. શિક્ષકો ગેરહાજર રહીને વિદેશ ગયા છે અને નોકરી ચાલુ છે. આ શિક્ષકને તો સજા કરીશું પણ એને સપોર્ટ કરનાર જે શિક્ષક છે એની સામે પણ કડક પગલાં લેશું. રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફૂલ્લભાઈ પાનસેરિયાએ કહ્યું હતું કે, પાન્છા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકા રજા મૂકીને વિદેશ ગયા છે. એ બધી બાબતોની તપાસ થઈ છે. 1 જાન્યુઆરી પછી તેમને રજા મૂકી છે ત્યારબાદ સરકારનો એક રૂપિયો પગાર આપવામાં આવ્યો નથી. સરકારી શાળાઓમાં શિક્ષકોની હાજરી પૂરવાનો નિયમ બદલાશે અને ઓનલાઈન હાજરી પૂરવાના પ્રોજેક્ટ અંગે કામ થશે.
આ પણ વાંચોઃશિક્ષકો વિદેશમાં હાજરી શાળામાંઃ ટૂંક સમયમાં ઓનલાઇન હાજરીનો નિયમ અમલી બનશેઃ શિક્ષણમંત્રી