રાજકોટના લોકમેળામાં તંત્ર અને રાઈડ્સ સંચાલકો વચ્ચેની મડાગાંઠ ઉકેલાય તેવી શક્યતાઓ
રાજકોટ, 10 ઓગસ્ટ 2024, શહેરના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે આયોજિત કરાયેલા જન્માષ્ટમીના લોકમેળામાં રાઈડસનું કોકડું હજુ ગુંચવાયેલું છે. જેમાં રાઈડસ સંચાલકોએ અગાઉ રાઈડસ માટે ફાઉન્ડેશન એન.ડી.ટી. સોલ રિપોર્ટમાં દોઢ લાખનો ખર્ચ થતો હોવાથી તેમાં છુટછાટ આપવાની સતત ત્રણ વખત માંગણી કરીને ત્રણ વખત હરાજીનો બહિષ્કાર કર્યો હતો. જેથી લોકમેળો રાઈડસ વગર જ આયોજીત કરવો પડે એવા સંજોગોનું નિર્માણ થયું હતું. વહીવટી તંત્ર અડગ રહેતા અંતે હવે તંત્ર નિયમોનાં પાલન માટે ઈજનેર કે તજજ્ઞ ફાળવે તો ભાગ લેવા રાઈડ્સ સંચાલકો તૈયાર છે.
સોમવારે સંચાલકોને તંત્ર દ્વારા બોલાવવામાં આવ્યા
રાઈડ્સ સંચાલકોએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, નવા નિયમો અમને સમજાય એમ નથી. આ માટે વહીવટી તંત્ર દ્વારા કોઈ ઈજનેર કે તજજ્ઞની મદદ માટેની વ્યવસ્થા કરવામાં આવે તો અમે રાઈડ્સની હરાજીમાં ભાગ લેવા તૈયાર છીએ. હાલ માત્ર અમને સોમવારે બપોરે 4 કલાકે હરાજીમાં ભાગ લેવા માટે બોલાવવામાં આવ્યા છે પણ આવી કોઈ મદદ માટેની ખાતરી આપવામાં આવી નથી. સોમવારે અમે રજુઆત કરીશું કે, ફાઉન્ડેશન અને NDT તેમજ સોલ રિપોર્ટનું પાલન કરવા માટે અમને કોઈ ઈજનેર કે જાણકારની વ્યવસ્થા કરી આપવામાં આવે.
તંત્રએ SOPમાં બાંધછોડ કરવાનો ઈન્કાર કર્યો હતો
રાઈડ્સ સંચાલકોએ બે-બે વખત હરાજીનો બહિષ્કાર કરવા છતાં વહીવટીતંત્ર એ SOPમાં કોઈપણ બાંધછોડ કરવાનો ઈન્કાર કર્યો હતો.હવે રાઈડસ સંચાલકોએ વચલો માર્ગ કાઢ્યો છે. જેમાં તેમણે સરકારની ગાઈડલાઈન તેમજ ફાઉન્ડેશન અને NDT સહિત સોલ રિપોર્ટનું પાલન કરી શકે તે માટે વહીવટીતંત્ર દ્વારા કોઈ નિષ્ણાંત ઈજનેર-તજજ્ઞનું માર્ગદર્શન પુરુ પાડવામાં આવે તે માંગણી ઉચ્ચારી છે.આ માંગણી સંતોષાય તો રાઈડ્સ સંચાલકો અને તંત્ર વચ્ચેની મડાગાંઠ ઉકેલી શકાય તેમ છે.
કેટલાક સ્ટોલની ફાળવણી બાકી રહી ગઈ છે
શહેરમાં ટી.આર.પી. ગેમઝોન અગ્નિકાંડ બાદ લોકમેળાના સ્ટોલ ઘટાડી 235 કરી દેવામાં આવ્યા છે. જેમાં 165 સ્ટોલની ફાળવણી કરી દેવામાં આવી છે. જયારે 70 જેટલા સ્ટોલ-પ્લોટ રાઈડસ સંચાલકો અને આઈસ્ક્રીમના વેપારીઓએ એ.ઓ.સી.ના કડક નિયમો, જીએસટી સહિતના મુદે જકકી વલણ દાખવતા અને હરાજીમાં સતત ત્રણ વખત ભાગ નહીં લેતા ફાળવાયા વગરના રહ્યા છે. જેના પગલે આ વખતે લોકમેળો રાઈડસ વગર જ યોજવો પડે તેવા સંજોગોનું નિર્માણ થયું હતું. હવે રાઈડસ સંચાલકોએ ઢીલા પડી SOPના નિયમોની પૂર્તિ માટે ઈજનેરનું માર્ગદર્શન માંગતા હવે આ વિવાદનો ઉકેલ આવવાની શક્યતા વધી છે.
આ પણ વાંચોઃરાજકોટના લોકમેળામાં સ્ટોલ ધારકો માટે 44 નિયમો, સોગંદનામું કરવું ફરજિયાત