આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડસાયન્સ એન્ડ ટેકનોલોજી

માઈક્રોસોફ્ટે ઈરાન અને પાકિસ્તાન અંગે કર્યો વિસ્ફોટક દાવોઃ જાણો શું કહ્યું?

ન્યૂયોર્ક, 10 ઓગસ્ટઃ થોડા દિવસ પહેલાં ટેકનિકલ ખામીને કારણે આખી દુનિયામાં, ખાસ કરીને બિઝનેસના ક્ષેત્રમાં આર્થિક હાહાકાર મચાવનાર વિશ્વની અગ્રણી આઈટી કંપની માઈક્રોસોફ્ટે દાવો કર્યો છે કે ઈરાન ઓનલાઈન ગતિવિધિઓને વેગ આપી રહ્યું છે જેનો હેતુ અમેરિકાની ચૂંટણીઓને પ્રભાવિત કરવાનો હોવાનું જણાય છે. કંપનીએ જણાવ્યું હતું કે એક કિસ્સામાં ‘ઈમેલ ફિશિંગ‘ હુમલા દ્વારા રાષ્ટ્રપતિની ચૂંટણીના અભિયાનને નિશાન બનાવવામાં આવી રહ્યું હતું.

માઈક્રોસોફ્ટના નવા રિપોર્ટ અનુસાર ઈરાન તેની ઈન્ટરનેટ ગતિવિધિઓ વધારી રહ્યું છે. ઓનલાઈન પ્રવૃત્તિમાં વધારો નવેમ્બરમાં યોજાનારી યુએસ પ્રમુખપદની ચૂંટણીને પ્રભાવિત કરવાનો હેતુ હોવાનું જણાય છે.

જોકે, IT કંપનીના આ દાવા બાદ ઈરાનના યુએન મિશને અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવાની અથવા સાયબર હુમલા કરવાની કોઈ યોજના હોવાનો ઈન્કાર કર્યો છે. વિશ્વની અગ્રણી આઈટી કંપની Microsoft દ્વારા ઈરાન અંગે કરવામાં આવેલા વિસ્ફોટક દાવામાં જોકે અમેરિકામાં અરાજકતા ફેલાવવા સિવાય ઈરાનના ઈરાદાઓ વિશે કંઈપણ જાહેર કર્યું નથી. અલબત્ત અમેરિકી અધિકારીઓએ અગાઉ સંકેત આપ્યો છે કે ઈરાન ખાસ કરીને પૂર્વ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો વિરોધ કરે છે. રિપોર્ટમાં એ પણ જણાવાયું છે કે કેવી રીતે રશિયા અને ચીન અમેરિકાના રાજકીય ધ્રુવીકરણનો ફાયદો ઉઠાવીને ભવિષ્યમાં તેમના વિભાજનકારી ઈરાદાને આગળ ધપાવી રહ્યા છે?

માઈક્રોસોફ્ટના અહેવાલમાં ઈરાનમાં તાજેતરની પ્રવૃત્તિના ચાર ઉદાહરણ આપવામાં આવ્યાં છે, જેમાં નવેમ્બરની ચૂંટણી નજીક આવતાં વધારો થશે તેમ આઈટી કંપની માને છે. માઇક્રોસોફ્ટે કહ્યું કે તે વિદેશી વિરોધીઓ AI ટેક્નોલોજીનો ઉપયોગ કેવી રીતે કરી રહ્યા છે તેનું નિરીક્ષણ કરી રહ્યું છે. જસ્ટિસ ડિપાર્ટમેન્ટે આ અઠવાડિયે ઈરાન સાથેના સંબંધો ધરાવતા એક પાકિસ્તાની વ્યક્તિ વિરુદ્ધ ફોજદારી આરોપો જાહેર કર્યા છે, જેના પર ટ્રમ્પ સહિત અનેક અધિકારીઓની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ છે.

“ઈરાન પોતે તેના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, જાહેર સેવા કેન્દ્રો અને ઉદ્યોગોને લક્ષ્યાંક બનાવતા અનેક અપમાનજનક સાયબર ઝુંબેશનો ભોગ બન્યો છે,” તેમ ઈરાનના યુએન મિશને એસોસિએટેડ પ્રેસને એક ઈમેલમાં જણાવ્યું હતું. ઈરાનનો સાયબર કાર્યક્રમ રક્ષણાત્મક હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. તહેરાનના દાવા મુજબ, ઈરાનનો ન તો સાયબર હુમલા કરવાનો કોઈ ઈરાદો છે કે ન કોઈ યોજના. યુએસ પ્રમુખપદની ચૂંટણી એ આંતરિક બાબત છે જેમાં ઈરાન દખલ કરતું નથી.”

આ પણ વાંચોઃ કંગના રાણવતે કોને કહ્યું, સ્વબચાવ માટે દરરોજ પ્રેક્ટિસ કરો, સજ્જ થાવ?

Back to top button