વિનેશ ફોગાટને મેડલ મળશે ? કાલે CASમાં લેવાશે નિર્ણય
નવી દિલ્હી, 8 ઓગસ્ટ : પેરિસ ઓલિમ્પિકમાં ભારતની સ્ટાર મહિલા રેસલર વિનેશ ફોગટની અરજી પર હવે કાલે શુક્રવારે સુનાવણી થશે. તેણે પોતાની ગેરલાયકાત સામે CAS (કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ)માં અપીલ દાખલ કરી હતી. જેને સુનાવણી માટે સ્વીકારવામાં આવી હતી. જેમાં તેણે સંયુક્ત સિલ્વર મેડલ આપવાની માંગ કરી છે. સ્પોર્ટ્સ કોર્ટે વિનેશને સુનાવણી માટે તેના વકીલની નિમણૂક કરવા કહ્યું છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારત સરકારને આ કેસ માટે એક વરિષ્ઠ વકીલની નિમણૂક કરવાની માંગ કરવામાં આવી છે. જે વિનેશનું પ્રતિનિધિત્વ કરશે અને તેને સંયુક્ત સિલ્વર મેડલ આપવાની માંગ કરશે. સુનાવણી ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે થશે. સીએએસમાં સુનાવણી પહેલા ગુરુવારે જ થવાની હતી.
કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટે વિનેશનું પ્રતિનિધિત્વ કરવા માટે 4 વકીલોની ઓફર કરી હતી. તેમના નામ છે જોએલ મોનલુઈસ, એસ્ટેલ ઈવાનોવા, હેબીન એસ્ટેલ કિમ અને ચાર્લ્સ એમસન છે. આ બધા પેરિસ 2024 ઓલિમ્પિક માટે CAS ના પ્રો બોનો વકીલો છે. પરંતુ ભારતીય ટીમે સુનાવણી માટે ભારતીય વકીલની નિમણૂક કરવા માટે સમય માંગ્યો હતો. આના પર કોર્ટે તેમને સમય આપ્યો અને સુનાવણી બીજા દિવસે એટલે કે શુક્રવાર પર મુલતવી રાખી હતી.
CAS રમતગમતની બાબતોનો નિર્ણય કરે છે
કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ (CAS) એ વિશ્વભરની રમતગમત માટે બનાવવામાં આવેલ એક સ્વતંત્ર સંસ્થા છે. તેનું કામ રમતગમતને લગતા તમામ કાનૂની વિવાદોનું સમાધાન કરવાનું છે. 1984માં સ્થપાયેલ આંતરરાષ્ટ્રીય સંસ્થા આર્બિટ્રેશન દ્વારા રમત-સંબંધિત વિવાદોને ઉકેલવા માટે કામ કરે છે. તેનું મુખ્ય મથક સ્વિટ્ઝર્લૅન્ડના લૉસૅનમાં છે અને તેની અદાલતો ન્યુ યોર્ક સિટી, સિડની અને લૉસૅનમાં આવેલી છે. વર્તમાન ઓલિમ્પિક યજમાન શહેરોમાં પણ અસ્થાયી અદાલતો સ્થાપવામાં આવી છે. આ ક્રમમાં, આ વખતે પેરિસમાં CASની સ્થાપના કરવામાં આવી છે.