ઉત્તર ગુજરાતગુજરાત

ડીસામાં ટીપી સ્કીમનો વિવાદ વકર્યો : ખેડૂતોનું બીજું જૂથ ટીપી સ્કીમના સમર્થનમાં આવ્યું

  • ભાજપમાં જૂથવાદના કારણે ટીપી સ્કીમ લટકી રહી હોવાનો ખેડૂતોનો આક્ષેપ

બનાસકાંઠા 8 ઓગસ્ટ 2024 : ડીસા શહેરમાં પ્રથમ વખત અમલમાં મુકાનારી ટીપી સ્કીમ છેલ્લા દસ વર્ષથી અદ્ધરતાલ છે. ત્યારે ફરીથી તેનો મુદ્દો ચગ્યો છે. તાજેતરમાં ટીપી કમિટીની મળેલી પ્રથમ બેઠકોમાં ખેડૂતોના એક જૂથે ટીપી સ્કીમનો વિરોધ કર્યો હતો. જ્યારે આજે ખેડૂતોના બીજા જૂથે ટીપી સ્કીમના સમર્થનમાં નગરપાલિકા અને પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું. ખેડૂતોએ ભાજપના આંતરિક જૂથવાદના કારણે જ ટીપી સ્કીમ લટકી રહી હોવાનો પણ આક્ષેપ કરી ખેડૂતોના હિતમાં આ ટીપી સ્કીમ ઝડપથી અમલમાં મૂકવા માંગ કરી હતી.

પ્રાંત કચેરી ડીસા

ડીસા શહેરનો વિસ્તાર અને વિકાસ સતત વધતા શહેરમાં પ્રથમ ટીપી સ્કીમ મૂકવાનું 10 વર્ષ અગાઉ આયોજન કરાયું હતું પરંતુ આ ટીપી સ્કીમ ખેડૂતોના હીત કરતાં કેટલાક નેતાઓ અને બિલ્ડરોએ પોતાના અંગત લાભ માટે અમલમાં મુકાવતા હોવાની ચર્ચાઓ વચ્ચે તેનો વિરોધ થતાં છેલ્લા ઘણા સમયથી ટીપી સ્કીમ અદ્ધરતાલ રહી હતી. જ્યારે તાજેતરમાં ડીસા નગરપાલિકાની નવી બોડીની પ્રથમ ટીપી કમિટીની બેઠકનો કમિટીના તમામ સભ્યોએ વિરોધ કરતા બેઠક જ મુલતવી રહી હતી. જ્યારે બેઠકના દિવસે જ ખેડૂતોના એક જૂથે આ ટીપી સ્કીમથી ખેડૂતોનું ખૂબ જ અહિત થતું હોવાનું જણાવી ટીપી સ્કીમનો વિરોધ કર્યો હતો.

જ્યારે આજે ડીસા નગરપાલિકા અને ડીસા પ્રાંત કચેરી ખાતે કેટલાક ખેડૂતોએ ટીપીના સમર્થનમાં આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, આ ટીપી સ્કીમના નકશાઓ જોતા આ વિસ્તારમાં રોડ,રસ્તા ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઈટ, બાગ બગીચા સહિતની સુવિધાઓ મળવાની હોવાથી ખેડૂતો ટીપી સ્કીમનું સમર્થન કરે છે અને અગાઉ જે ખેડૂતો વિરોધ કરવા આવ્યા હતા તેઓની જમીન પણ આ વિસ્તારમાં આવેલી નથી અને તેઓને કોઈએ ઉશ્કેરીને વિરોધ કરવા મોકલ્યા હોવાનો ખેડૂતોએ આક્ષેપ કરી હવે આ ટીપી સ્કીમ ઝડપથી લાગુ કરવાની માંગ કરી હતી.

ભાજપમાં જૂથવાદના કારણે ટીપી સ્કીમ લટકી : દિનેશભાઇ માળી

ડીસામાં ટીપી સ્કીમ ભાજપમાં ચાલી રહેલા આંતરિક જૂથવાદના કારણે જ લટકી રહી છે. ભાજપનું એક જૂથ ટીપીની તરફેણમાં છે અને બીજું જૂથ ટીપી ની વિરોધમાં છે. પરંતુ તંત્રએ ખેડૂતોનું હિત વિચારી ટીપી સ્કીમ લાગુ કરવી જોઈએ.

વિરોધ કરવા આવેલા ખેડૂતોની જમીન પણ આ વિસ્તારમાં નથી : રમેશભાઈ નાભાણી ખેડૂત (એડવોકેટ)

ટીપી સ્કીમના નકશા જોતા આ વિસ્તારમાં રોડ રસ્તા,ભૂગર્ભ ગટર,પાણી, સ્ટ્રીટ લાઈટ ની સુવિધાઓનો વિકાસ થાય તેમ છે અને અગાઉ વિરોધ કરવા આવેલા ખેડૂતોની જમીન પણ આ વિસ્તારમાં નથી.

આ પણ વાંચો : વિશ્વનું એકમાત્ર 3 લાખની વસ્તી ધરાવતા ગામ સાથે ભાજપનો અન્યાય; રિવર્સ તિરંગા યાત્રા કાઢવા CM ને કરાશે રજૂઆત: AAP

Back to top button