ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસાના ભોપાનગર પાસે મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના, જીપડાલાએ ટક્કર મારતા બેના મૃત્યુ

Text To Speech
  • જીપ ડાલા ચાલકે રસ્તા ની સાઈડમાં ઊભેલી પાણીપુરીની લારીને હડફેટે લીધી
  • બે વ્યક્તિઓ અને એક ગાયનું પણ મૃત્યુ નીપજ્યું

બનાસકાંઠા 8 ઓગસ્ટ 2024 : ડીસા શહેરના પાટણ હાઇવે પર ભોપાનગર પાસે મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં પૂર ઝડપે જતા જીપ ડાલાએ ટક્કર મારતા બે વ્યક્તિઓના મૃત્યુ નિપજયા હતાં. જ્યારે એક ગાયને પણ અડફેટ લેતા ગાયનું પણ મૃત્યુ નિપજયુ હતું. જીપચાલક અકસ્માત બાદ પૂર ઝડપે ભાગી જતા જુનાડીસા થી ઢુંવા રોડ પર એક વીજ થાંભલા સાથે જીપ ડાલુ અથડાવી મૂકીને નાસી છૂટયો હતો.

ડીસાના ભોપાનગર વિસ્તારમાં મોડી રાત્રે હિટ એન્ડ રન અકસ્માતની વિચિત્ર ઘટના બની હતી.જેમાં પૂર ઝડપે જઈ રહેલા જીપ ડાલા ચાલકે રસ્તાની સાઈડમાં ઊભેલી પાણીપુરીની લારીને હડફેટે લીધી હતી. જેમાં પાણીપુરીની લારી ચલાવતા પ્રદીપ શિવરામભાઈ રાઠોડ ( ઉંમર વર્ષ 28) તેમજ પાણીપુરી ખાવા ઉભેલા કિશન ભરતભાઇ રાવળ ( ઉંમર વર્ષ 14 )બંનેને અડફેટે લઈ હવામાં ફંગોળતા નીચે પટકાતા બંનેના મૃત્યુ નિપજયુ હતું. આ ઉપરાંત જીપડાલા ચાલકે એક ગાયને પણ ટક્કર મારી મૃત્યુ નિપજાતા પાટણ હાઈવે પર જુનાડીસા તરફ નાસી છૂટયો હતો. જ્યારે લોકોએ પીછો કરતા જીપડાલા ચાલક ઢુવા રોડ પર જઈ જીપડાલું એક વીજ થાંભલા સાથે અથડાવ્યું હતું તેમજ જીપડાલું મૂકી નાસી છૂટ્યો હતો.મૃત્યુ પામેલા બંનેની લાશને ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. જ્યારે ડીસા નગરપાલિકાની ટીમે અન્ય કોઈ અકસ્માત ન થાય તે માટે તાત્કાલિક જઈ મૃત ગાયને ખસેડી લીધી હતી. આ અંગે ડીસા શહેર દક્ષિણ પીઆઇ કે.બી. દેસાઈએ જણાવ્યું હતું કે,” જીપ ડાલા ચાલક ઢુંવા રોડ પર મૂકીને નાસી છૂટયો છે. તેના માલિકનો સંપર્ક કરી ડ્રાઇવરને પકડવાના પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવ અંગે અકસ્માતમાં હિટ એન્ડ રન સહિતની કલમો લગાવી દાખલારૂપ સજા થાય તે પ્રમાણે ગુનો નોંધવામાં આવશે.”

આ પણ વાંચો : બનાસકાંઠા: પાલિકાના અધિકારીઓને ગધેડા ઉપર ફેરવવા મંજૂરી આપો, જાણો ડીસામાં કોણે કરી આવી માગણી

Back to top button