ગુજરાત

મોરબીમાં અસામાજિક તત્વો બેફામ, ધોળા દિવસે કરી 7.25 લાખની લૂંટ

Text To Speech

મોરબીમાં અસામાજિક તત્વોનો ત્રાસ સતત વધી રહ્યો છે. ઘરફોડ ચોરી અને વાહન ચોરીના બનાવોમાં પણ વધારો થયો છે. આવા તત્વોને જાણે ખાખીનો પણ કોઈ ડર ન હોય તેમ હવે તો ધોળા દિવસે લૂંટને અંજામ આપી પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે. બહાદુરગઢ ગામના પાટિયા નજીક યુવાનને બે બાઈકમાં આવેલ ચાર જેટલા ઇસમોએ આંતરી લઈને 7.25 લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.

ધોળે દિવસે ચલાવી લૂંટ
મની ટ્રાન્સફર પેઢીમાં કામ કરતો યુવાન શૈલેષ વડસોલા આજે 7.25 લાખની રોકડ રકમ લઈને પોતાના બાઈક પર બેસીને મોરબી તરફ આવી રહ્યો હતો ત્યારે બહાદુરગઢ-સોખડા ગામ નજીક બે બાઈકમાં સવાર ઈસમો તેની પાસે આવ્યા હતા અને યુવાનને રસ્તા વચ્ચે રોકી માથાકૂટ કરવા લાગ્યા હતા અને ઝપાઝપીમાં બંને ઈસમો મળીને યુવાનને નીચે પછાડી દીધો હતો દરમિયાન યુવાન પાસે રહેલ રોકડ ભરેલો થેલો લઈને લૂટારૂઓ ફરાર થયા હતા.

પોલીસે કરી નાકાબંધી 
બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસ, LCB ટીમ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે. હાલ પોલીસે સમગ્ર મોરબી જિલ્લામાં નાકાબંધી કરી છે તેમજ હાઈવે સહિતના સ્થળોએ CCTV કેમેરા તપાસવામાં આવી રહ્યા છે. આ બનાવમાં ભોગ બનેલો યુવાન વાપીમાં મની ટ્રાન્સફર કંપનીમાં કામ કરે છે અને હાલ રૂપિયાની લેવડદેવડ માટે મોરબી આવ્યો હતો. ત્યારે લૂંટની ઘટના બની હતી જે બનાવ મામલે પોલીસે વધુ તપાસ ચલાવી છે.

Back to top button