ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત: સુપ્રીમ કોર્ટનું આ જજમેન્ટ સુરત કોર્ટ કેમ્પસમાં ચર્ચાનો વિષય બન્યો

  • પોલીસ મથકે માર મારીને અંગુઠાની નિશાન લઇ લેવાની ઘટનાનો વિવાદ
  • આ કેસમાં તુષાર શાહે સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન માંગ્યા હતા
  • સજાની સુનાવણી માટે તા.2 સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર રહેવા જણાવ્યું

સુપ્રીમ કોર્ટની અવગણના કરનાર સુરતના PI રાવલ અને મજિસ્ટ્રેટ ઠાકર દોષિત સાબિત થયા છે. જેમાં સુપ્રીમની ના છતાં બિલ્ડરના રિમાન્ડ લઇ માર મારી અંગૂઠાના નિશાન લીધા હતા. 2 સપ્ટેમ્બરે સજાની સુનાવણી માટે કોર્ટમાં હાજર રહેવા આદેશ આપવામાં આવ્યા છે. સુપ્રીમના આદેશ બાદ સ્થાનિક કોર્ટમાં ટ્રાયલના અંતે બંને સામે ચુકાદો આપ્યો છે.

આ પણ વાંચો: અમદાવાદ: અંદાજે 85 વર્ષ જૂનું બિલ્ડિંગ ધરાવતી સ્કૂલ આખરે ટ્રાન્સફર થશે

પોલીસ મથકે માર મારીને અંગુઠાની નિશાન લઇ લેવાની ઘટનાનો વિવાદ સામે આવ્યો

સુપ્રીમ કોર્ટની વચગાળાની રાહત છતાં પણ બિલ્ડરના રિમાન્ડ લઇને પોલીસ મથકે માર મારીને અંગુઠાની નિશાન લઇ લેવાની ચકચારીત ઘટનામાં સુરતના ડીસીપી વિજય ગુર્જર, વેસુ પોલીસ ઇન્સ્પેક્ટર રાવલ, મેજીસ્ટ્રેટ દીપાબેન ઠાકર અને કોન્સ્ટેબલ શાર્દુલ મેરની સામે કોર્ટના અનાદરની ફરિયાદને સુપ્રીમ કોર્ટે મંજૂર કરી છે. આ કેસમાં કોર્ટે પીઆઇ રાવલ અને મેજીસ્ટ્રેટ દિપા ઠાકરને ગીલ્ટી (દોષીત) જાહેર કર્યા હતા અને તા.2 સપ્ટેમ્બરે કોર્ટમાં સજાની સુનાવણી માટે હાજર રહેવા ફરમાન કર્યું છે. આ ઉપરાંત કોર્ટે બિલ્ડર તુષાર શાહને આગોતરા જામીન ઉપર મુક્ત કરતો પણ હુકમ કર્યો હતો. સુપ્રીમ કોર્ટનું આ જજમેન્ટ સુરત કોર્ટ કેમ્પસમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

આ કેસમાં તુષાર શાહે સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન માંગ્યા હતા

આ કેસની વિગત મુજબ સિટી લાઇટ રોડ ઉપર સૂર્યા પેલેસમાં રહેતા અને ઠાકરજી ડેવલોપર્સના નામે કન્સ્ટ્રક્શનનું કામ કરતા બિલ્ડર અભિષેક વિનોદકુમાર ગૌસ્વામીએ શ્રેષ્ઠ ગ્રૂપના ભાગીદાર ભાવિન દુર્લભ પટેલ, તુષાર શાહ, સુમિત ગોયેન્કા, રાજુસિંહ અને ઓમકારસિંહ રાજપૂતની સામે રૂ.1.65 કરોડની ઠગાઇની ફરિયાદ આપી હતી. આ ફરિયાદમાં શ્રેષ્ઠ ગ્રૂપ દ્વારા કોમર્શિયલ બિલ્ડિંગ બનાવી તેમાં 1 દુકાનના 11 લાખ લેખે રૂ.1.65 કરોડ અને બીજા 54 લાખના ચેક લઇ લીધા હતા. આ કેસમાં તુષાર શાહે સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન માંગ્યા હતા. સુપ્રીમ કોર્ટે તુષાર શાહને વચગાળાની રાહત આપી હતી. સુપ્રીમ કોર્ટની રાહત હોવા છતાં વેસુના તત્કાલીન પીઆઇ આર.વાય.રાવલે તુષારભાઇને કોર્ટમાં રજૂ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

રિમાન્ડ મેળવતા પહેલા જ પીઆઇ રાવલે તુષારભાઇને પોતાની ચેમ્બરમાં બોલાવીને માર માર્યો હતો

રિમાન્ડ મેળવતા પહેલા જ પીઆઇ રાવલે તુષારભાઇને પોતાની ચેમ્બરમાં બોલાવીને માર માર્યો હતો. કોર્ટમાં પ્રોડકશન દરમિયાન પીઆઇની દાદાગીરી સામે ફરિયાદ કરાઇ હતી. જો કે, 6 એડીશન ચીફ જ્યુડિશીયલ મેજીસ્ટ્રેટ દિપાબેન સંજયકુમાર ઠાકરે બંને પક્ષોની દલીલો બાદ તુષારભાઇના ચાર દિવસના રિમાન્ડ આપ્યા હતા. સુપ્રીમ કોર્ટના હુકમ છતાં પણ પોલીસે રિમાન્ડ માંગ્યા અને મેજીસ્ટ્રટે રિમાન્ડ મંજૂર કર્યા હોવાથી તુષારભાઇએ એડવોકેટ દિપેશ દલાલ મારફત સુપ્રીમ કોર્ટમાં તત્કાલીન પોલીસ કમિશનર અજય તોમર, ડીસીપી વિજય ગુર્જર, પીઆઇ રાવલ, મેજીસ્ટ્રેટ દિપાબેન ઠાકર તેમજ અભિષેક ગૌસ્વામીની સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની ફરિયાદ કરી હતી. સુપ્રીમ કોર્ટના જસ્ટીસ બી.આર.ગવઇ અને જસ્ટીસ સંદિપ મહેતાની બેંચે આ કેસમાં સુપ્રીમ કોર્ટે સુરત પોલીસની તેમજ મેજીસ્ટ્રેટની ઝાટકણી કાઢી હતી. આ ફરિયાદનો ચૂકાદો આવ્યો હતો, જેમાં કોર્ટે 6 એડીશન ચીફ જ્યુડિશીયલ મેજીસ્ટ્રેટ દિપાબેન સંજયકુમાર ઠાકર અને પીઆઇ આર.વાય. રાવલને ગીલ્ટી (દોષીત) ઠેરવ્યા હતા, સાથે જ તેઓને સજાની સુનાવણી માટે તા.2 સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર રહેવા જણાવ્યું હતું. આ કેસમાંથી કોર્ટે તત્કાલીન સીપી અજય તોમર, ડીસીપી વિજય ગુર્જર તેમજ અભિષેક ગૌસ્વામીને છોડી મુકતો હુકમ કર્યો હતો.

Back to top button