ગુજરાત ATSએ દહેજની ફાર્મામાંથી 1410 લીટર ટ્રામાડોલ લિક્વિડનો જથ્થો પકડ્યો
ભરૂચ, 07 ઓગસ્ટ 2024, દેશમાં નશીલા પદાર્થોની હેરાફેરીના કિસ્સા વધતાં તપાસ એજન્સીઓ સક્રિય થઈ ગઈ છે. ગુજરાત ATSએ ભરૂચના દહેજ ખાતેની એક ફાર્મા કંપનીમાં રેડ કરીને ગેરકાયદેસર ટ્રામાડોલ ટેબ્લેટના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા લિક્વિડનો 1410 લીટરનો જથ્થો કબજે કર્યો છે. ATSએ 31.02 કરોડની ટ્રામાડોલ ટેબ્લેટનો જથ્થો કબજે કરીને ફાર્મા કંપનીના ચીફ કેમિસ્ટ પંકજ રાજપૂતની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં આરોપીને આ ટેબ્લેટ બનાવવાનું રો મટીરિયલ અમદાવાદની કંપનીનો માલિક આપતો હોવાનું પણ ATSને જાણવા મળ્યું છે.
31.02 કરોડના ટ્રામાડોલના જથ્થા સાથે આરોપીની ધરપકડ
ગુજરાત ATSએ બાતમીના આધારે ભરૂચ જિલ્લા દહેજ જોલાવા GIDCમાં મળી આવેલા ફાર્મા કંપનીના પ્લોટમાં ભરૂચ SOG સાથે મળીને રેડ કરી હતી.આ રેડ દરમિયાન ફાર્મા કમોનીમાંથી ટ્રામાડોલ ટેબ્લેટના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતાં પ્રવાહી ટ્રામાડોલ મળી આવ્યો હતો. ATSએ ફાર્મા કંપનીના કેમિસ્ટ અને ઓપરેટર પંકજ રાજપૂતની 31.02 કરોડના ટ્રામાડોલના જથ્થા સાથે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી
ATSએ પકડેલા આરોપી પંકજ રાજપૂતની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, ગેરકાયદેસર પ્રવાહી ટ્રામાડોલનો જથ્થો પંકજ રાજપૂત અને નિખિલ કપુરીયાએ ટેબ્લેટ બનાવવા માટે સંગ્રહ કર્યો હતો.નિખિલ કપુરીયા અને પંકજ રાજપૂત ટ્રામાડોલ બનાવવા માટે જરૂરી રો-મટિરિયલ અને કેમિકલ સરખેજ ખાતે આવેલી શ્રીજી સાયન્ટિફિકના માલિક હર્ષદ કુકડીયા પ્રોસેસિંગ માટે આપતો હતો. પ્રોસેસિંગ બાદ તૈયાર થયેલો ટ્રામાડોલનો જથ્થો નિખિલ કપૂરીયા અને પંકજ રાજપૂત હર્ષદ કુકડીયાને સરખેજ ખાતે મોકલી આપતા હતા. આમ સમગ્ર કેસમાં 3 આરોપીઓની સંડોવણી સામે આવી છે. ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.
આ પણ વાંચોઃગુજરાત ATSની મુંબઈમાં રેડ, 800 કરોડના MD ડ્રગ્સ સાથે બે આરોપીઓને દબોચ્યા