ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલબિઝનેસમીડિયાવિશેષ

શું ગિફ્ટ સિટીની જેમ સુરત ડાયમંડ બુર્સમાં પણ જામશે દારુની મહેફિલ?

  • ડાયમંડ બુર્સને પ્રમોટ કરવા અને આંતરરાષ્ટ્રીય વેપારીઓને આકર્ષવા ગાંધીનગર ગિફ્ટ સિટીની જેમ દારૂબંધીમાં છૂટછાટ માટે થઈ રહી છે વિચારણા?
  • પ્રસ્તાવ તૈયાર હોવાની ચર્ચા, બધું સમુસૂતરું ઊતરે તો એક-બે મહિનામાં થઈ શકે છે જાહેરાત!

સુરત, 7 ઓગસ્ટ, 2024: વિશ્વના સૌથી મોટા હીરા બજાર તરીકે ઓળખાતા સુરતના ડાયમંડ બુર્સમાં પણ શું ટૂંક સમયમાં ચિયર્સની પરવાનગી આપી દેવામાં આવશે? ગુજરાત વેપાર, ઉદ્યોગ અને પ્રવાસનની રીતે સમૃદ્ધ છે પરંતુ અહીં પ્રોહિબિશન – શરાબબંધી હોવાને કારણે અનેક વૈશ્વિક કંપનીઓ તેમનાં વડામથક ગુજરાતમાં સ્થાપતી નથી એવી દલીલ સતત થતી રહે છે. કદાચ એ કમીને દૂર કરવા સૌ પહેલાં ફાઈવ સ્ટાર હોટેલોમાં અને ત્યારબાદ ગાંધીનગર ગિફ્ટ સિટીમાં ચોક્કસ કાયદા નિયમો અંતર્ગત શરાબબંધીની છૂટછાટ આપવામાં આવી હતી. પરંતુ હવે બિન સત્તાવાર રીતે એવું જાણવા મળે છે કે સુરતના ડાયમંડ બુર્સ સંકુલમાં પણ દારુબંધીની આંશિક છૂટ આપવામાં આવી શકે છે.

એક ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રકાશિત અહેવાલ અનુસાર “ડ્રાય” રાજ્ય ગુજરાતનો ‘દુષ્કાળ’ ખતમ થવા જઈ રહ્યો છે. ગાંધીનગરમાં ગિફ્ટ સિટી પછી રાજ્ય સરકાર ડ્રીમ (ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કેન્ટાઇલ) સિટીમાં વ્યવસાયને આકર્ષવા માટે મોટી વ્યૂહરચનાના ભાગરૂપે શરાબ પરના પ્રતિબંધના કાયદાને સરળ બનાવવાનું આયોજન કરી રહી છે. દરખાસ્ત મંજૂર થયા બાદ ગૃહ વિભાગ અને અન્ય એજન્સીઓ દારૂના વપરાશ અને વેચાણ પર નિયંત્રણ માટે માર્ગદર્શિકા તૈયાર કરશે. જો બધું યોજના મુજબ ચાલે તો બે મહિનામાં જાહેરાત થઈ શકે છે. ડાયમંડ બુર્સમાં 4,500 થી વધુ ઓફિસો છે અને તે 2,000 એકરના ડ્રીમ સિટીનો એક ભાગ છે. અહીં મુખ્ય હેતુ હીરાના વેપાર અને સંબંધિત વ્યવસાયિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવાનો અને પ્રોત્સાહન આપવાનો છે.

સૌ જાણે છે કે, ગયા વર્ષે ડિસેમ્બરમાં આ સુરત ડાયમંડ બુર્સનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું, પરંતુ તેમ છતાં અપેક્ષા મુજબ તેમાં ખાસ પ્રગતિ સધાઈ નથી. તેને પગલે હવે એવું માનવામાં આવી રહ્યું છે કે, દારૂના પ્રતિબંધમાં જો આંશિક છૂટછાટ આપવામાં આવે તો ગાંધીનગર ગિફ્ટ સિટીની જેમ ડાયમંડ બુર્સમાં આવવા વેપારીઓ તૈયાર થશે. કહેવાય છે કે, બુર્સના અધિકારીઓએ રાજ્ય સરકારને દારૂનો પ્રતિબંધ હળવો કરવાના સંભવિત ફાયદા વિશે વાત કરી હતી. ડ્રીમ સિટીમાં દારૂબંધી હળવી કરવાથી આંતરરાષ્ટ્રીય વેપાર માટે વાતાવરણ ઊભું થશે.

સ્થાનિક અગ્રણીઓ માને છે કે, “આંતરરાષ્ટ્રીય વેપારીઓ અને રોકાણકારોને લક્ષ્ય બનાવીને અસરકારક રીતે અમલમાં મુકવામાં આવે તો જ પ્રતિબંધમાં છૂટછાટ સફળ થશે.”

આ પણ વાંચોઃ ‘જો હું અહીં મરી જઈશ, તો શું તમે લોકો મારી દીકરીને બચાવશો…!’: બાંગ્લાદેશની એક હિન્દુ મહિલાની વિનંતી

Back to top button