ખાલી પેટે બ્રેડ કદી ન ખાતા, ડાયાબિટીસ સહિત થશે અનેક બીમારી
- બ્રેડમાં ઉચ્ચ કાર્બોહાઇડ્રેટ્સ હોય છે, જે ખાંડના સ્તરને ઝડપથી વધારીને વ્યક્તિ માટે અનેક આરોગ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. દરરોજ નાસ્તામાં ખાલી પેટે બ્રેડ ખાવાથી ખૂબ નુકસાન થાય છે
HD ન્યુઝ ડેસ્કઃ આજની વ્યસ્ત જીંદગીમાં લોકો પાસે જમવાનું બનાવવાનો પણ સમય રહેતો નથી. લોકો એટલા ઝડપી બની ગયા છે કે જમવાનું પણ ઝડપથી બને એવું જ સિલેક્ટ કરવા લાગ્યા અને એટલે જ ફાસ્ટફુડનો કન્સેપ્ટ આવ્યો. જે અનેક રોગોનું ઘર કહી શકાય. આજે દરેક વ્યક્તિ સમય બચાવવા માટે સરળ કામ કરીને દિવસની શરૂઆત કરે છે એ રીતે નાસ્તા પણ ઈઝીલી બની શકે તેવા થવા લાગ્યા છે. આજે મોટાભાગના પરિવારોમાં લોકો નાસ્તામાં બ્રેડ અથવા તો તેમાંથી બનતી વાનગીઓ જેવી કે સેન્ડવીચ ખાવાનું પસંદ કરે છે. આ વસ્તુઓ ખાવામાં ભલે સ્વાદિષ્ટ હોય, પરંતુ શું તમે જાણો છો કે રોજ સવારે ખાલી પેટે બ્રેડનું સેવન કરવાથી તમે બીમાર થઈ શકો છો. બ્રેડમાં ઉચ્ચ કાર્બોહાઇડ્રેટ્સ હોય છે, જે ખાંડના સ્તરને ઝડપથી વધારીને વ્યક્તિ માટે અનેક આરોગ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. ચાલો જાણીએ કે દરરોજ નાસ્તામાં ખાલી પેટે બ્રેડ ખાવાથી શું નુકસાન થાય છે.
ડાયાબિટીસ
સવારે ખાલી પેટે બ્રેડ ખાવાથી ડાયાબિટીસનો ખતરો વધી શકે છે. જો તમે પહેલેથી જ શુગરના દર્દી છો તો ભૂલથી પણ ખાલી પેટે બ્રેડનું સેવન ન કરો. વાસ્તવમાં, સફેદ બ્રેડ ઝડપથી પચી જાય છે અને ગ્લુકોઝમાં પરિવર્તિત થાય છે. જે બ્લડ શુગર લેવલ વધારે છે. આ સિવાય બ્રેડમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ પણ વધુ હોય છે, જે સુગર લેવલને વધારી શકે છે. આવી સ્થિતિમાં ડાયાબિટીસના દર્દીઓએ ખાલી પેટે બ્રેડ ખાવાને બદલે હંમેશા પ્રોટીન અને ફાઈબરયુક્ત ખોરાકનું સેવન કરવું જોઈએ.
મેદસ્વીતા
જો તમે તમારા વધતા વજનને નિયંત્રિત કરવા માંગો છો, તો ભૂલથી પણ ખાલી પેટે બ્રેડ ખાવાનું ટાળો. બ્રેડમાં હાજર ઉચ્ચ કેલરી અને કાર્બોહાઇડ્રેટ્સ તમારું વજન વધારી શકે છે. આ સિવાય ખાલી પેટે બ્રેડ ખાવાથી વ્યક્તિને જલ્દી ભૂખ લાગે છે. ઝડપથી પચતી બ્રેડ ઘણી વખત ઓવરઈટિંગનું અને તે સ્થૂળતાનું કારણ પણ બને છે. આવી સ્થિતિમાં, સવારે બ્રેડને બદલે, તમારા આહારમાં ફળો, શાકભાજી અથવા પ્રોટીનયુક્ત વસ્તુઓનો સમાવેશ કરો.
કબજિયાત
સવારે ખાલી પેટે બ્રેડ ખાવાથી પાચનતંત્ર પર ખરાબ અસર પડે છે. તેનું કારણ એ છે કે બ્રેડ લોટમાંથી બને છે જે પેટને સૂકુ બનાવી દે છે. જેના કારણે મળ ખૂબ જ સખત થઈ જાય છે અને વ્યક્તિનું પેટ યોગ્ય રીતે સાફ થતું નથી. આ સમસ્યા આગળ જતા કબજિયાતનું સ્વરૂપ લે છે. જો તમે પહેલેથી જ કબજિયાતથી પરેશાન છો, તો સવારે ખાલી પેટે બ્રેડ ખાવાનું ટાળો.
હતાશા
ભલે બ્રેડ તમને સ્વાદિષ્ટ લાગતી હોય, પણ તે તમારો મૂડ નેગેટિવ બનાવી શકે છે. અમેરિકન જર્નલ ઑફ ક્લિનિકલ ન્યુટ્રિશનમાં જૂન 2015માં પ્રકાશિત થયેલા એક સંશોધનમાં જણાવાયું હતું કે રિફાઈન્ડ કાર્બોહાઇડ્રેટ્સ એટલે કે બ્રેડ અને ડિપ્રેશન વચ્ચે એક કડી જોવા મળે છે. ડોકટરોના મતે, હોર્મોનલ ફેરફારોના કારણે વ્યક્તિના સુગર લેવલમાં ફેરફાર થાય છે, પરંતુ તે તમારા મૂડને પણ અસર કરી શકે છે. જે લોકો દરરોજ બ્રેડનું સેવન કરે છે તેઓ થાક અને હતાશાના લક્ષણો અનુભવી શકે છે.
ગેસ્ટ્રિક સમસ્યાઓ
જો તમને પહેલેથી જ ગેસ, અપચો અથવા એસિડિટી જેવી કોઈ ગેસ્ટ્રિક સમસ્યા છે તો ખાલી પેટે બ્રેડ ખાવાનું ટાળો. ખાલી પેટે બ્રેડનું સેવન કરવાથી એસિડિટીની સમસ્યા વધી શકે છે.
આ પણ વાંચોઃ અચાનક હાર્ટબીટ વધી જાય છે તો ચેતો, આ કારણો હોઈ શકે છે જવાબદાર