ગાંધીનગર, 06 ઓગસ્ટ 2024 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય આરોગ્ય વિભાગે ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. ભારત સરકારના નીતિ આયોગ દ્વારા તાજેતરમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ (SDG) ઇન્ડેક્સનો ચોથો રિપોર્ટ રિલીઝ કરવામાં આવ્યો છે. જેમા ગુજરાત રાજ્યએ ગોલ નંબર ત્રણ – આરોગ્ય અને સુખાકારીમાં રાજ્યોની શ્રેણીમાં સતત બીજા વર્ષે પ્રથમ રેન્ક મેળવી ઉચ્ચસ્થાન હાંસલ કર્યું છે. આ ગૌરવપૂર્ણ સિધ્ધી માટે રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ એ રાજ્યના તમામ હેલ્થકેર વર્કર્સની ફરજનિષ્ઠાને બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે આ સિધ્ધિ રાજ્યના તમામ હેલ્થકેર વર્કર્સના પ્રયાસોને સમર્પિત કરી હતી.
ગુજરાત માટે ઘણાં આનંદ અને ગૌરવની વાત છે કે નીતિ આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલા Sustainable Development Goals ઈન્ડેક્સમાં આરોગ્ય સુવિધા સુખાકારી ક્ષેત્રે ગુજરાત સતત બીજી વાર દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે.
રાજ્યને આ સિદ્ધિ માતા અને બાળ મૃત્યુદરમાં મોટો ઘટાડો, સંસ્થાકીય પ્રસુતિ… pic.twitter.com/9KBkk06dRj
— Bhupendra Patel (@Bhupendrapbjp) August 6, 2024
ભારતમાં રાજ્યોની શ્રેણીમાં સતત બીજી વાર પ્રથમ રેન્ક પર
નીતિ આયોગ દ્વારા વર્ષ 2018માં સૌ પ્રથમ એસડીજી ઇન્ડેક્સનો રિપોર્ટ પ્રસિદ્ધ કરાયો હતો. વર્ષ 2018માં ગુજરાત રાજ્ય દ્વારા એસડીજીના આરોગ્યના ગોલમાં 52 ના સ્કોર હતો. જે વર્ષ 2023-24ના રિપોર્ટમાં 90એ પહોંચ્યો છે.રાજ્ય સરકારના આરોગ્ય પ્રત્યેની કટિબદ્ધતા તેમજ પ્રજાલક્ષી નીતિઓ તથા આરોગ્ય સેવાઓ અને યોજનાઓના અસરકારક અમલીકરણના પરિણામે જ એસડીજી ગોલના સ્કોરમા સતત સુધારો જોવા મળી રહ્યો છે. વર્ષ 2019-20ના બીજા રીપોર્ટમાં આરોગ્યના ગોલના સ્કોરમાં વધારો થઇ 67 સ્કોર સાથે ગુજરાત 17થી 8 માં રેન્ક પર રહ્યું હતુ. ત્યાર બાદ એસડીજી ઇન્ડેક્સના ત્રીજા રીપોર્ટમા 86ના સ્કોર સાથે ગુજરાત રાજય સમગ્ર દેશમાં રાજયની શ્રેણીમાં પ્રથમ રેન્ક પર પહોંચી ગયુ હતુ.આજે વર્ષ 2023-24ના રીપોર્ટમાં ગુજરાત સમગ્ર ભારતમાં રાજ્યોની શ્રેણીમાં સતત બીજી વાર પ્રથમ રેન્ક પર રહ્યું છે.
11 જેટલા આરોગ્ય વિષયક માપદંડોની સમીક્ષા કરવામાં આવે છે
આ રેન્કિંગ માટે આરોગ્ય અને સુખાકારીના સંદર્ભે 11 જેટલા આરોગ્ય વિષયક માપદંડોની સમીક્ષા કરવામાં આવે છે. જેમાં માતા મૃત્યુદર, પાંચ વર્ષથી નાના બાળકોનો મૃત્યુદર, બાળકોનું રસીકરણ, સંસ્થાકીય પ્રસૂતિ, ટીબીના કેસોની નોંધણી, HIV ના કેસ, અનુમાનિત આયુષ્ય, રોડ અસકસ્માતને કારણે મૃત્યુદર, આત્મહત્યા દર, આરોગ્ય કર્મચારીઓનું પ્રમાણ અને ખિસ્સા બહારના આરોગ્ય ખર્ચ વગેરનો સમાવેશ થાય છે.વધુમાં રાજય સરકાર દ્વારા આરોગ્ય સેવા માટે રાજ્યમાં પૂરતા પ્રમાણમાં માનવ બળ મળી રહે તે માટે પણ સતત અથાગ કરવામાં આવી રહ્યાં છે.10 હજારની વસ્તીએ ડૉક્ટર, નર્સીસ અને મીડ વાઈફ-એ.એન.એમ ની સંખ્યાબળમાં સતત વધારો થવાના કારણે પણ એસડીજી ત્રણ ગોલના સ્કોરમાં સતત વધારો હાસંલ થયો છે.
આરોગ્ય વિષયક માપદંડોમાં ગુજરાતની સ્થિતિ
અગાઉ પ્રસિધ્ધ થયેલ સસ્ટેનેબલ ગોલ ઇન્ડેક્ષમાં આરોગ્ય વિષયક માપદંડોમાં ગુજરાતની સ્થિતિ અને આ વર્ષની સ્થિતિની સરખામણી કરતા માતા મૃત્યુદર 75 (SDG ઈન્ડેક્સ 3) થી ઘટીને 57 (SDG ઈન્ડેક્સ 4) થયો છે. જ્યારે પાંચ વર્ષથી ઓછી ઉમરના બાળકોનો મૃત્યુદર 31 (SDG ઈન્ડેક્સ 3) થી ઘટીને 24 (SDG ઈન્ડેક્સ 4) થયો. 9-11 વર્ષના બાળકોમાં રસીકરણનો વ્યાપ 87 (SDG ઈન્ડેક્સ 3) થી વધીને 95.95 (SDG ઈન્ડેક્સ 4) થયો. સંસ્થાકીય પ્રસૂતિ (%) 99.50 % (SDG ઈન્ડેક્સ 3) થી વધીને 99.94% (SDG ઈન્ડેક્સ 4) થઇ. HIVના પ્રતિ 1000 નવા નોંધાયેલ કેસનો દર 0.05 (SDG ઈન્ડેક્સ 3) થી ઘટીને 0.03(SDG ઈન્ડેક્સ 4) થયો છે.
દેશમાં સરેરાશ આયુષ્ય 70 ની સામે ગુજરાતમાં 70.5 વર્ષ
દેશમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલની સરેરાશ સ્થિતિની સાપેક્ષે ગુજરાતની સરખામણી કરતા દેશમાં સરેરાશ આયુષ્ય 70 ની સામે ગુજરાતમાં 70.5 વર્ષ છે. દેશમાં સંસ્થાકીય પ્રસુતિ સરેરાશ 97.18 ટકાની સામે ગુજરાતમાં 99.94 ટકા, સરેરાશ માતા મૃત્યુદર 97 ની સામે ગુજરાતમાં 57 અને 10 હજાર એ હેલ્થકેર વર્કર્સની ઉપલબ્ધતામાં દેશમાં 49.45 ની સામે ગુજરાતમાં 55.56 નું સંખ્યાબળ ઉપલબ્ધ છે. SDG ઈન્ડિયા ઈન્ડેક્સ, મિનિસ્ટ્રી ઓફ સ્ટેટેસ્ટીક એંડ પ્રોગ્રામ ઇમ્પલીમેન્ટેશન દ્વારા દર વર્ષે પ્રસિદ્ધ કરવામાં આવે છે.જેમાં 17 લક્ષ્યાંકો સાથે સુસંગત 113 સૂચકાંકોનું મૂલ્યાંકન કરવામાં આવે છે.
આ પણ વાંચોઃનાના કારીગરોના સૂચનો બાદ સરકારે સુધારા સાથે માનવ કલ્યાણ યોજના અમલમાં મુકી