રાષ્ટ્રપતિ મુર્મૂ ફીજીના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘કમ્પેનીયન ઓફ ધ ઓર્ડર ઓફ ફીજી’થી સન્માનિત
નવી દિલ્હી, 06 ઓગસ્ટ : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ફિજીની મુલાકાત દરમિયાન આજે મંગળવારે ફિજી સંસદને સંબોધિત કરી હતી. અહીં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ફિજીના પ્રમુખ રતુ વિલિયામે માવાલિલી કાટોનીવેરે દ્વારા કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફિજીથી નવાજવામાં આવ્યા હતા. આ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે ફિજીની મારી પ્રથમ મુલાકાત દરમિયાન મેં ફિજીના પ્રમુખ અને ફિજીના વડાપ્રધાન સાથે સકારાત્મક ચર્ચા કરી હતી. કમ્પેનિયન ઑફ ધ ઓર્ડર ઑફ ફિજી આપવા બદલ હું ફિજી સરકારની આભારી છું. આ સન્માન ભારત અને ફિજી વચ્ચેના મજબૂત અને ઊંડા સંબંધોનું પ્રતીક છે.
ફિજી સાથે ભારતનો 145 વર્ષ જૂનો ખાસ અને કાયમી સંબંધ
તેમણે કહ્યું કે હું ફિજીના લોકોની હૂંફ અને સ્નેહથી પ્રભાવિત છું. ફિજી સાથે ભારતનો 145 વર્ષ જૂનો ખાસ અને કાયમી સંબંધ છે. અહીં NRI ને મળવું મારા માટે ગર્વની વાત છે. વિદેશી ભારતીયોએ ફિજીમાં તેમની ભારતીય સંસ્કૃતિને જાળવી રાખી છે. ભારતના વિદેશ સચિવ (પૂર્વ) જયદીપ મજુમદારે જણાવ્યું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સવારે સુવા પહોંચ્યા. જ્યાં તેમને ફિજી મિલિટરી પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ પછી ફિજીના વડાપ્રધાને પરંપરાગત સ્વાગત કર્યું હતું. એરપોર્ટ પરથી રાષ્ટ્રપતિના સ્વાગત માટે સેંકડો શાળાના બાળકો લાઇનમાં ઉભા હતા.
આ પણ વાંચો : ગુજરાતમાં વધુ 10 IAS અધિકારીઓની બદલી કરી દેવાઈ, જુઓ લિસ્ટ
રાજ્ય ગૃહનો સોલારાઇઝેશન પ્રોજેક્ટ નિહાળ્યો
આ ઉપરાંત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ રાજ્ય ગૃહનો સોલારાઇઝેશન પ્રોજેક્ટ નિહાળ્યો હતો. જે ભારત દ્વારા બનાવવામાં આવ્યું છે. મજમુદારે કહ્યું કે ફિજીના વડાપ્રધાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ મળ્યા હતા. તેમણે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધારવા માટે પરસ્પર વિશ્વાસ અને મજબૂત પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
રાષ્ટ્રપતિ રવિવારે ફિજી, ન્યુઝીલેન્ડ અને તિમોર-લેસ્ટેની મુલાકાતે ગયા છે
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રવિવારે ફિજી, ન્યુઝીલેન્ડ અને તિમોર-લેસ્ટેની છ દિવસની મુલાકાતે રવાના થયા છે. મુર્મુ ફિજીના પ્રમુખ વિલિયમ માવાલિલી કાટોનીવેરેના આમંત્રણ પર 5-7 ઓગસ્ટ દરમિયાન ફિજીની મુલાકાતે છે. આ પછી, મુર્મુ ટાપુ દેશના ગવર્નર જનરલ, સિન્ડી કીરોના આમંત્રણ પર 8 અને 9 ઓગસ્ટના રોજ ન્યુઝીલેન્ડની મુલાકાતે જશે. આઠ વર્ષ બાદ કોઈ ભારતીય રાષ્ટ્રપતિની ન્યુઝીલેન્ડની આ પ્રથમ મુલાકાત હશે.
આ પણ વાંચો : “મુસ્લિમ દેશોમાં કોઈ..”, શેખ હસીનાના દેશ છોડવા પર કંગના રનૌતની પ્રતિક્રિયા, જુઓ શું કહ્યું?