પરિવારની હત્યા; 2 વખત મૃત્યુને આપી મહાત; આવી રહી શેખ હસીનાની રાજકીય સફર
HD ન્યૂઝ ડેસ્ક, 5 ઓગસ્ટ: શેખ હસીનાએ બાંગ્લાદેશના વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું છે. ટીવી રિપોર્ટ્સ અનુસાર, હિંસક વિરોધ વચ્ચે શેખ હસીના રાજધાની ઢાકા છોડીને સલામત સ્થળે જઈ રહ્યા છે. તેમની પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતાઓ પણ દેશ છોડશે તેવા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. બીજી તરફ પ્રદર્શનકારીઓ વડાપ્રધાનના નિવાસસ્થાને પહોંચી ગયા છે. બાંગ્લાદેશમાં છેલ્લા બે મહિનાથી અનામત વિરુદ્ધ હિંસક પ્રદર્શન થઈ રહ્યું છે. મામલો ત્યારે વણસી ગયો જ્યારે શેખ હસીનાની સરકારે પ્રદર્શનકારીઓ સાથે કઠોર વર્તન કરવાનું શરૂ કર્યું. વિરોધીઓએ શેખ હસીનાના રાજીનામાની માંગ સાથે સવિનય અવજ્ઞા આંદોલન શરૂ કર્યું હતું.
કોણ છે શેખ હસીના?
28 સપ્ટેમ્બર 1947ના રોજ જન્મેલા શેખ હસીના બાંગ્લાદેશના સંસ્થાપક શેખ મુજીબુર રહેમાનના સૌથી મોટા પુત્રી છે. તેમનું પ્રારંભિક જીવન પૂર્વ બંગાળના તુંગીપારામાં વિત્યું હતું. શાળાકીય અભ્યાસ અહીં જ થયો હતો. આ પછી તે થોડો સમય સેગુનબાગીચામાં પણ રહ્યાં હતા. ત્યારબાદ તેમનો આખો પરિવાર બાંગ્લાદેશની રાજધાની ઢાકા શિફ્ટ થઈ ગયો.
રાજકારણમાં એન્ટ્રી
શેખ હસીનાને શરૂઆતમાં રાજકારણમાં રસ નહોતો. 1966માં, જ્યારે તે ઈડન મહિલા કોલેજમાં અભ્યાસ કરતા હતા, ત્યારે તેમને રાજકારણમાં રસ જાગ્યો. તે સ્ટુડન્ટ યુનિયનની ચૂંટણી લડીને વાઈસપ્રેસિડન્ટ બન્યા હતા. આ પછી તેમણે તેમના પિતા મુજીબુર રહેમાનની પાર્ટી અવામી લીગની સ્ટુડન્ટ વીગનું કામ સંભાળવાનું નક્કી કર્યું. શેખ હસીના ઢાકા યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ પૉલિટિક્સમાં પણ સક્રિય રહ્યા.
માતા-પિતા અને ભાઈઓની હત્યા
વર્ષ 1975માં શેખ હસીનાના જીવનમાં ઉથલપાથલ મચી હતી . બાંગ્લાદેશની સેનાએ બળવો કર્યો. હથિયારધારી સૈનિકોએ શેખ હસીનાની માતા, તેમના પિતા શેખ મુજીબુર રહેમાન અને ત્રણ ભાઈઓની હત્યા કરી હતી. તે સમયે શેખ હસીના તેમના પતિ વાજિદ મિયાં અને નાની બહેન સાથે યુરોપમાં હતા અને સદનસીબે બચી ગયા હતા. પોતાના માતા-પિતા અને ત્રણ ભાઈઓની હત્યા બાદ શેખ હસીના થોડા સમય માટે જર્મનીમાં રહ્યા હતા. આ પછી ઈન્દિરા ગાંધી સરકારે તેમને ભારતમાં આશ્રય આપ્યો. તે તેમની બહેન સાથે દિલ્હી આવ્યા હતા અને લગભગ 6 વર્ષ સુધી અહીં રહ્યા હતા.
હસીના 1981માં બાંગ્લાદેશ પરત ફર્યા હતા. જ્યારે તે એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે લાખો લોકો તેમને રિસીવ કરવા આવ્યા હતા. બાંગ્લાદેશ પરત ફર્યા પછી, શેખ હસીનાએ તેમના પિતાની પાર્ટીને આગળ વધારવાનો નિર્ણય કર્યો અને 1986માં પ્રથમ વખત સામાન્ય ચૂંટણી લડી. તે સમયે હારનો સામનો કરવો પડ્યો હતો તે છતાં પણ તેઓ વિપક્ષના નેતા તરીકે ચૂંટાયા હતા. 1991 માં, બાંગ્લાદેશમાં પ્રથમ વખત સ્વતંત્ર ચૂંટણીઓ યોજાઈ હતી. આ ચૂંટણીમાં શેખ હસીનાની પાર્ટી અવામી લીગને બહુમતી મળી ન હતી. તે સમયે ખાલિદા ઝિયાની પાર્ટી સત્તામાં આવી.
વર્ષ 1996માં ફરીથી ચૂંટણી યોજાઈ. આ વખતે શેખ હસીનાની પાર્ટી પ્રચંડ બહુમતી સાથે સત્તા પર આવી અને શેખ હસીના બાંગ્લાદેશના વડાપ્રધાન બન્યા. 2001ની ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી, તેઓ 2009 માં ફરીથી સત્તામાં પાછા ફર્યા અને ત્યારથી આજ સુધી સતત વડાપ્રધાન તરીકે સત્તા સંભાળી છે.
બે વખત મૃત્યુને માત આપી
શેખ હસીનાએ બે વખત મોતને હરાવ્યું છે. પ્રથમ વખત 1975માં અને બીજી વખત 2004માં. જ્યારે 1975માં તેમના પરિવારની હત્યા કરવામાં આવી હતી, ત્યારે તે સંયોગથી બચી ગયા હતા કારણ કે તે દેશની બહાર હતા. ત્યારબાદ વર્ષ 2004માં તેના પર ગ્રેનેડ હુમલો થયો હતો, જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ હુમલામાં 24 લોકો માર્યા ગયા હતા.
આ પણ જૂઓ: શેખ હસીનાના રાજીનામા બાદ બાંગ્લાદેશમાં કોની સરકાર બનશે? આર્મી ચીફની મોટી જાહેરાત