દેવભૂમિ દ્વારકામા 75મો વન મહોત્સવ યોજાશે, રાજ્યમાં 10.50 કરોડ રોપાનું વિતરણ કરવાનું આયોજન
ગાંધીનગર, 05 ઓગસ્ટ 2024, દેવભૂમિ દ્વારકાના ઐતિહાસિક મહત્વ ધરાવતા હરસિદ્ધિ માતા મંદિર ખાતે ‘75મા વન મહોત્સવ’ની ઉજવણી અને 23મા સાંસ્કૃતિક વન ‘હરસિદ્ધિ વન’ નું લોકાર્પણ મુખ્યમંત્રી સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં આગામી 8મી ઓગસ્ટે કરવામાં આવશે. વન મહોત્સવ અંતર્ગત રાજ્યમાં પ્રથમવાર ગાંધીનગરમાં ગ્રહ, નક્ષત્ર, રાશિ અને સંસ્કૃતિ આધારિત સાંસ્કૃતિક ‘પુનિત વન’ સાકાર થયું. આ પહેલ બાદ દર વર્ષે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સાંસ્કૃતિક વનની હારમાળા શરૂ કરાઇ છે. જે પહેલ હેઠળ રાજ્યમાં વિવિધ ૨૨ સાંસ્કૃતિક વનોનું નિર્માણ કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે 75મા વન મહોત્સવ ઉજવણીના લોકોત્સવ દરમ્યાન રાજ્યમાં અંદાજે 10.50 કરોડ રોપાઓનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
હરિયાળું ગુજરાત બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ
રાજ્યને વિવિધ સામાજિક વનીકરણની યોજના થકી વધુ હરિયાળું ગુજરાત બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. રાજ્યમાં એગ્રો ફોરેસ્ટ્રી -રાજ્ય આધારીત યોજના હેઠળ 31 હજાર હેકટર વિસ્તારમાં ખેડૂત થકી વાવેતર કરવામાં આવનાર છે.આ ઉપરાંત “હરિત વસુંધરા” યોજના હેઠળ 200 હેક્ટર વિસ્તારમાં “વન કવચ” વાવેતર સાથે હરિત વનપથ વાવેતર હેઠળ 70 હેક્ટર વિસ્તારમાં ટ્રી ગાર્ડ સાથે મોટા રોપાનું વાવેતર પણ કરવામાં આવનાર છે.દેવભૂમિ દ્વારકા જિલ્લાનને વન વિભાગ દ્વારા સાંસ્કૃતિક વન તરીકે “હરસિદ્ધિ વન”ની ભેટ મળવા જઈ રહી છે.
સાંસ્કૃતિક આકર્ષણોનું નિર્માણ કરાયું
સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિની ઝલક દર્શાવતી ‘સૌરાષ્ટ્રની સુગંધ’ થીમ સાથે રાજ્યના ૨૩માં સાંસ્કૃતિક “હરસિદ્ધિ વન” માં નવા અભિગમ સાથે આ વન માં મુખ્ય દ્વાર, પ્રવેશ પરિસર, હરસિદ્ધિ માતાજી સાંસ્કૃતિક વાટીકા, સેરેમોનીયલ ગાર્ડન, શ્રી કૃષ્ણ ઉપવન, શ્રી કૃષ્ણ કમળ વાટીકા વગેરે જેવા સાંસ્કૃતિક આકર્ષણો નિર્માણ કરાયું છે. આ ઉપરાંત સાંસ્કૃતિક વનમાં મુખ્ય વન તરીકે સ્વાગત વાટીકા, આયુષવન, વન કવચ, તાડ વાટીકા, પવિત્ર ઉપવન, ગુગળ વન, કેક્ટસ વાટીકા, સ્ટોન મેઝ ગાર્ડન, સ્ટોન થેરાપી વોક વે, વાઈલ્ડ લાઇફ ઝોન વગેરે જેવા વનોનું નિર્માણ કરાયું છે.
વિવિધ પ્રજાતિના અંદાજિત 41619 રોપાઓનું વાવેતર
આ વનમાં વિવિધ પ્રજાતિના અંદાજિત 41619 રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં સ્થાનિક પ્રજાતિના વૃક્ષો, વડ, પીપળો, પ્રાગ વડ, વગેરેનો સમાવેશ થાય છે. દરિયાકાંઠે ઉછરી શકે તે માટે તેને અનુરૂપ રોપાઓ જેવા કે, પીલુ, નાળીયેર, બદામ, અરણી વગેરે વૃક્ષો પણ ઉછેરવામાં આવેલ છે. ગૂગળ વન તથા કેક્ટસ વાટીકા વગેરેમાં તેના નામને અનુરૂપ પ્રજાતિઓ સાથે અન્ય પ્રકારના સુશોભનના રોપાઓ પણ ઉછેરવામાં આવ્યા છે. ઉપરાંત ઉજાણી સ્થળ તરીકે પર્યટકો આકર્ષાય તે હેતુથી આ સાંસ્કૃતિક વનમાં બાળવાટીકા, સેલ્ફી પોઇન્ટ ગાર્ડન, બીચ થીમ સીટીંગ એરીયા, મેડીટેશન ગઝેબો, ગઝેબો, સનસેટ પોઇન્ટ વગેરે પણ તૈયાર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃડાંગના યુવાને શરૂ કરી પ્રાકૃતિક ખેતી, ત્રણ વર્ષમાં આવક 700 ટકા પાર